Abtak Media Google News

સફર સસ્તી કરાવવાની માંગ સાથે જૂનાગઢમાં ધારાસભ્ય, મેયરની ઉપસ્થિતિમાં આજે મળશે બેઠક

આજે જૂનાગઢના આગેવાનો, સંતો, મહંતો રોપવેના તોતિંગ ભાવ સામે નગારે ઘા કરવા અને આંદોલનનું રણશિંગુ ફૂકવા મળી રહ્યા છે, જૂનાગઢ રોપવેમાં બેસવા અસહ્ય ભાવ જે રોપવે કંપની એ નક્કી કર્યોં છે, તે સામાન્ય કે મધ્યમ વર્ગને પરવડે તેમ નથી ત્યારે શહેર તેમજ જિલ્લાના સર્વ પક્ષીય, સર્વ સમાજ તેમજ સર્વે સંસ્થાઓ અને સંત ગણ, પ્રબુદ્ધ નાગરિકો મળી એક જન આંદોલનના પ્રયાણ માટે ભેગા મળી  ઉષા બ્રેકો કંપનીને સમજાવવા અને જરૂર જણાય તો આંદોલન માટેના નક્કર આયોજન માટે મળી મળી રહ્યા છે, આજની આ મિટિંગમાં જૂનાગઢના ધારાસભ્ય, મેયર  ખાસ ઉપસ્થિત રહેવાના છે.

Advertisement

વિશ્વના પવિત્ર યાત્રા સ્થળમાં જેમની ગણના થાય છે, અને જ્યાં તેત્રીસ કરોડ દેવતા, ચોસઠ જોગણીનો વાસ, માં અંબાજી, ગુરુ દત્તાત્રેય અને હિન્દુ, બોદ્ધ, જૈન સમાજના દેવી દેવતાઓના બેસણા છે, એવા પાવન પવિત્ર ઉચા ગઢ ગિરનાર ઉપર તાજેતરમાં જૂનાગઢના અનેક અગ્રણીઓ, જૂનાગઢ વાસીઓના અથાગ પરિશ્રમ, પ્રતીક્ષા, જન આંદોલન બાદ રોપ વે નો પ્રારંભ થયો છે, પરંતુ આ રોપવેનુ સંચાલન કરનાર કંપની  દ્વારા રોપવે ની મુસાફરી માટે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને પોસાય નહિ તેવા તોતિંગ ભાડા નક્કી કરવામાં આવતા રોપ વેના પ્રારંભ સાથે જ ભાડા બાબતે સ્થાનિક જૂનાગઢ વાસીઓની સાથે દેશભરના પ્રવાસીઓમાં ભારે નારાજગી અને રોષ ભભૂકયો છે.

પ્રારંભમાં ઉષા બ્રેકો કંપની દ્વારા ઉડન ખટોલા રોપવે ના પુખ્ત વયના પ્રવાસીઓ માટે આવવા જવાના રૂ. ૭૦૦ + ૧૮ ટકા જી.એસ.ટી. મળી રૂ. ૮૨૬, બાળકો માટે ૩૫૦ + ૧૮ ટકા જી.એસ.ટી. મળી રૂ. ૪૧૩ અને એક વખત ઉપર જવા કે  નીચે આવવા રૂ. ૪૦૦ + ૧૮ ટકા જી.એસ. ટી. મળી રૂ. ૪૭૨ નક્કી કરાયા હતા, પરંતુ લોકોમાંથી ઉઠેલ ભારે વિરોધ બાદ કંપની એ ભાડામાં જી.એસ. ટી. ભેળવી ટિકિટના ભાવ વ્યસક માટે રૂ. ૭૦૦ અને બાળકો માટે રૂ. ૩૫૦ અને એક તરફના ભાડાના રૂ. ૪૦૦ નક્કી કર્યા હતા.

પરંતુ લોકોનો રોપ વે ભાડા સામે વિરોધ યથાવત રહ્યો હતો અને જૂનાગઢના ધારાસભ્ય મેયર, મનપાના વિરોધ પક્ષના એનસીપીના નેતાઓ, સીપીએમ તથા વિવિધ રાજકીય પક્ષના આગેવાનો, જૂનાગઢની સેવાકીય, સામાજિક સંસ્થાઓ તથા સંતો, મહંતોની સાથે સૌરાષ્ટ્રના આઠ જેટલા ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો, અને ભાવ ઘટાડવા જોઇએ તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી.

દરમિયાન રોપવે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીએ જૂનાગઢના લોકોમાં પ્રચંડ વિરોધ સામે આવતા અને જૂનાગઢવાસીઓને મનાવી લેવા માટે વચલો માર્ગ કાઢી, જૂનાગઢવાસીઓ ને ગત તારીખ ૨૯ ઓક્ટોબર થી ૧૫ સપ્ટેમ્બર  સુધીના સમયગાળા માટે જૂનાગઢના ઓળખકાર્ડ ઉપર રૂપિયા ૫૦૦ નું ભાડું પ્લસ જીએસટી મળી કુલ રૂપિયા ૫૯૦ તથા બાળકો માટે રૂ. ૨૫૦ પ્લસ જીએસટી મળી ૨૯૫ રૂપિયા કરી, આપી જૂનાગઢ વાસિઓની કડરના ભાગરૂપે રાહત કરી દેવામાં આવી હોવાનું ગાણું શરૂ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢના નેતાઓ અને અનેક નામી અનામી સંસ્થા, લોકોના અથાક પરિશ્રમ અને વર્ષોની પ્રતિક્ષા તથા જન આંદોલન બાદ જૂનાગઢને મળેલ રોપવે ની સુવિધા જૂનાગઢવાસીઓ માટે પણ મોંઘીદાટ કરાતા અંતે આજે ગુરૂવારે સાંજના ચાર વાગ્યે જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, મેયર ધીરુભાઈ ગોહેલ તથા શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ, સંતો મહંતોની એક અગત્યની બેઠક મળી રહી છે.

આ બેઠકમાં કંપની દ્વારા રોપવેના કરાયેલા તોતિંગ ભાડા સામે આંદોલનનું રણશિંગું ફૂંકાશે અને ટિકિટના દર ઘટાડવા માટે આંદોલનનો તખ્તો નક્કી કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.