Abtak Media Google News
  • સૌરાષ્ટ્ર-કચ્છની 8 મળી રાજ્યની 25 બેઠકો ઉપર સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન: શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાન પ્રક્રિયા યોજાઈ તે માટે તંત્ર એલર્ટ મોડ ઉપર
  • સૌરાષ્ટ્ર – કચ્છની 8 બેઠકો ઉપરના 92 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે: ગરમીને ધ્યાને લઈને ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો ઉપર વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવાઈ

સૌરાષ્ટ્ર- કચ્છની 8 બેઠકો મળી રાજ્યની 25 બેઠકો ઉપર આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાનાર છે. અનેક પડકારો વચ્ચે પણ તંત્ર દ્વારા મતદાનની ટકાવારી ઉંચી લઈ જવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે અનેક મતદારોમાં આવતીકાલે મતદાનને લઈને ઉત્સાહ પણ વર્તાઈ રહ્યો હોય, મતદાનની ટકાવારી ઉંચી રહે તેવી સૌકોઈ આશા સેવી રહ્યા છે.

Advertisement

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આવતીકાલે મંગળવારેના રોજ 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થશે. 28 વર્ષ બાદ ગુજરાતમાં મે મહિનામાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે. આ પહેલા 1996માં ગુજરાતમાં મે મહિનામાં મતદાન યોજાયું હતું. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો માટે હવે 92 ઉમેદવારો છે જેમાં માત્ર ભાવનગર બેઠક પર ભાજપ વિરૂધ્ધ આમ આદમી પાર્ટીનો જંગ થશે જ્યારે બાકીની તમામ 7 બેઠકો ઉપર  ભાજપ-કોગ્રેસ વચ્ચે સીધો જંગ થશે. આમ, પ્રથમવાર ઈન્ડિયા ગઠબંધન ચૂંટણી લડી રહી છે અને વર્ષો બાદ ફરી સૌરાષ્ટ્રાં દ્વિપાંખિયો ચૂંટણી જંગ નિશ્ચિત બન્યો છે. ગત ચૂંટણીમાં 130 સામે આ વર્ષે 38 ઓછા એટલેકે 92 ઉમેદવારો ચૂંટણી લડશે. કુલ 92 ઉમેદવારોમાં માત્ર 6 મહિલા ઉમેદવારો છે.

આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો ભાજપ સામે વિરોધ છે. તો પાટીદાર સમાજે રૂપાલાને સમર્થન આપ્યું છે. બીજી તરફ જ્ઞાતિ જાતિ સિવાય આ વખતની ચૂંટણીમાં કોઈ ઠોસ મુદા નથી. આ ઉપરાંત ગરમીનું પ્રમાણ પણ વધુ છે. આવા અનેક પડકારો આ ચૂંટણીમાં છે. તેમ છતા દરેક લોકસભા બેઠક ઉપર મહત્તમ મતદાન કરવા લોકોને જાગૃત કરવામાં ચૂંટણી તંત્ર દ્વારા કોઈ કસર છોડવામાં આવી નથી.

Screenshot 1 બીજી તરફ ગઇકાલે સાંજથી ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, આજથી તમામ પક્ષો ડોર ટૂ ડોર પ્રચારમાં લાગ્યા છે. ઠેર ઠેર ખાટલા પરીષદો અને બેઠકો થઇ રહી છે, શહેર ફ્લેટ અને સોસાયટી તો ગામડામાં મહોલ્લા-વિસ્તારોમાં ખાટલા બેઠકો કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, દાદરા અને નગર હવેલીની 1, દમણ-દીવની 1 ગોવાની 2 બેઠક પર મતદાન થશે. ગુજરાતની 25, કર્ણાટકની 14, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10, પશ્ચિમ બંગાળની 4 અને જમ્મૂ-કશ્મીરની 1 બેઠક પર મતદાન થશે. આ સાથે જ રાજ્યમાં 5 વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી પણ થશે.

સ્થળાંતરીત મતદારો હજી પણ પજવી રહ્યા છે !

લોકસભાની ચુટણી હોય કે વિધાનસભાની ચૂંટણી તેમાં મતદાનની ઓછી ટકાવારી પાછળ સ્થળાંતરીત મતદારો પણ એક મોટું કારણ છે. ગુજરાતના હજુ અનેક એવા વિસ્તારો છે જેમાં મોટા પ્રમાણમાં યુવાનો રોજગારી માટે દૂરના સ્થળોએ જતા હોય છે જ્યારે પરિવાર પોતાના મૂળ વતનમાં જ સ્થાયી હોય છે. આવા કિસ્સાઓમાં માત્ર મત આપવા આવવું યુવાનો માટે કઠિન હોય છે. એટલે દરેક ચૂંટણીમાં સ્થળાંતરીત મતદારો પજવી રહ્યા છે.

ન કરે ‘નારાયણ’… ટકાવારીની મોટી ઉથલ પાથલ રાજકીય પંડિતોની ઊંઘ હરામ કરી દેશે

સૌરાષ્ટ્ર કચ્છ બેઠક ઉપર ઉમેદવારની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજે તેના વિરોધમાં આંદોલન છેડયું છે. તો બીજી બાજુ પાટીદાર સમાજ આ ઉમેદવારના સમર્થનમાં આવ્યા છે. આને કારણે એક વાત નિશ્ચિત છે કે સૌરાષ્ટ્ર- કચ્છની બેઠકો ઉપર મતદાનની ટકાવારીમાં મોટી ઉથલ પાથલ થવાની છે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. તો બીજી તરફ આ મતદાનની ટકવારીની ઉથલ પાથલના કારણે રાજકીય પંડિતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

પ્રથમવાર પ્રચાર પ્રસારમાં એકદમ યુટર્ન આવી ગયો

આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વાર પ્રચાર પ્રસારમાં એકદમ યુટર્ન આવી ગયો છે. આ વખતે ગ્રાઉન્ડ ઝીરો પ્રચાર દર વર્ષના પ્રમાણમાં ઓછો જોવા મળ્યો છે. તેને બદલે સોશિયલ મીડિયાનો સહારો વધુ લેવામાં આવ્યો છે. બીજી તરફ અખબારો ઉપર પણ પ્રચાર નજીવા પ્રમાણમાં કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ વખતે ચૂંટણી પ્રચારથી ઉભરાઈ ગયા હતા. જો કે હજુ લોકોને પ્રિન્ટ મીડિયા ઉપર વિશ્વાસનિયતા વધુ છે. સોશિયલ મીડિયામાં પ્રચાર વધુ માત્રામાં થયો છે. તેવામાં આ પ્રચાર વધુ અસરકારક રહેશે કે કેમ તે પરિણામ ઉપરથી જાણી શકાશે.Screenshot 2

સૌરાષ્ટ્ર- કચ્છની 8 બેઠકો ઉપર દોઢ કરોડથી વધુ મતદારો

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકોના  ઉમેદવારોનું ભાવિ 15072475 મતદારો નક્કી કરશે. ગત લોકસભાની ચૂંટણીમાં 8 બેઠકોમાં 13829055 મતદારો હતા. આ વખતની ચૂંટણીમાં 1243420 મતદારોનો વધારો થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકસભાની 8 બેઠકો પૈકી આ વખતે સૌથી વધુ મતદારો રાજકોટ બેઠકમાં 2104519 મતદારો નોંધાયા છે. રાજકોટ બેઠકમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ રૂરલ તથા જસદણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં કુલ 1883866 મતદારો નોંધાયા હતા. તેમાં આ વખતે 220653 મતદારોનો વધારો થયો છે.

રાજકોટ બાદ દ્વિતિય ક્રમે કચ્છ બેઠકમાં મતદારોનો વધારો થયો છે. કચ્છમાં આ ચૂંટણીમાં 1935338 મતદારો છે. ગત ચૂંટણીમાં1743825 મતદારો હતા. આમ 191513 મતદારો વધ્યા છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગર બેઠકમાં 178374 મતદારો વધ્યા છે. આ વખતે 2026252 મતદારો નોંધાયા છે. ગત ચૂંટણીમાં 1847878 મતદારો હતા.

ચોથા ક્રમે જામનગર બેઠકમાં 157907 મતદારો વધ્યા છે. આ ચૂંટણીમાં 1813913 મતદારો છે. જ્યારે ગત ચૂંટણીમાં 1656006 મતદારો હતા. મતદારોની સંખ્યા વધારામાં પાંચમાં ક્રમે જૂનાગઢ બેઠક છે. તેમાં 148093 મતદારો વધ્યા છે. આ ચૂંટણીમાં1789621 મતદારો છે. જ્યારે ગત ચૂંટણીમાં 1641528 મતદારો નોંધાયા હતા.

મતદારોમાં વધારાની દ્રષ્ટિએ ભાવનગર બેઠક છઠ્ઠા ક્રમે છે. આ બેઠકમાં 142150 મતદારો વધ્યા છે. આ વખતે 1909190  મતદારો છે. ગત ચૂંટણીમાં 1767040 મતદારો હતા. 7મા ક્રમે અમરેલી બેઠકમાં103060 મતદારો વધ્યા છે. આ વખતે 1731040 મતદારો છે. ગત ચૂંટણીમાં 1627980 મતદારો હતા. જ્યારે 8 બેઠકમાં સૌથી ઓછો મતદાર વધારો પોરબંદર બેઠક પર થયો છે. ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં પોરબંદર બેઠકમાં 101670 મતદારો વધ્યા છે. પોરબંદર બેઠકમાં આ ચૂંટણીમાં 1762602 મતદારો નોંધાયા છે. જ્યારે ગત ચૂંટણી એટલે કે વર્ષ-2019ની લોકસભાની ચૂંટણીમાં 1660932 મતદારો નોંધાયા હતા.

આવતા 5 વર્ષમાં વન નેશન વન ઇલેક્શન લાગુ થઈ જશે?

એક રાષ્ટ્ર- એક ચૂંટણી આ નીતિ ભારતે ભૂતકાળમાં અપનાવેલી છે. હાલ સમયની માંગ પ્રમાણે અત્યારે તેની જરૂરિયાત ઉભી થઇ હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. એક ચૂંટણી પતે ત્યાં બીજી શરૂ થાય, તેવામાં અત્યારે સમય અને ખર્ચ બન્ને વેડફાઈ રહ્યા છે. આ મામલે આંધ્રપ્રદેશમાં રાજનાથસિંહે એક સભામાં એલાન કર્યું છે કે જો નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મમાં આવે છે તો તેઓ આગામી 5 વર્ષમાં વન નેશન વન ઇલેક્શન નીતિ લાગુ કરશે.  ઉલ્લેખનીય છે કે ભારતમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી’ની શક્યતા તપાસવા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય પેનલે ભારતમાં હિસ્સેદારો અને નિષ્ણાતો સાથે ચર્ચા કરવા ઉપરાંત જર્મની, સ્વીડન, બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા જેવા સાત દેશોમાં ચૂંટણી પ્રક્રિયાનો પણ અભ્યાસ કર્યો હતો. વધુમાં વર્ષ 1983માં ચૂંટણી પંચે, 1999માં કાયદા પંચે અને 2017માં નીતિ આયોર્ગે એક રાષ્ટ્ર એક ચૂંટણી’ની ભલામણ કરી હતી. આ અહેવાલોમાં દેશમાં શરૂઆતમાં એક સાથે થતી ચૂંટણીનો ઉલ્લેખ કરાયો હતો.

પ્રથમવાર ચૂંટણી જ્ઞાતિ-જાતિ ઉપર જ કેન્દ્રિત

વિકાસ – મોંઘવારી સહિતના મુદાઓને બદલે જ્ઞાતિઓનો મુદ્દાઓ વધુ ચાલ્યા, તમામ પક્ષોએ પ્રચાર જ્ઞાતિઓની આસપાસ જ કર્યો

પ્રથમવાર ચૂંટણીમાં જ્ઞાતિ- જાતિ ઉપર જ ચૂંટણી કેન્દ્રિત થઈ છે. વિકાસ- મોંઘવારી સહિતના મુદાઓને બદલે જ્ઞાતિઓનો મુદાઓ વધુ ચાલ્યા છે. તો બીજી તરફ  તમામ પક્ષોએ પ્રચાર જ્ઞાતિઓની આસપાસ જ કર્યો છે. ભાજપના ઉમેદવારે કરેલી એક ટિપ્પણીએ ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઉઠાવ્યો હતો. તો બીજી બાજુ ઉમેદવારે અનેક વાર માફી પણ માંગી હતી. છતા ક્ષત્રિય સમાજ આજ સુધી પોતાના સ્થાને મક્કમ છે. આ ટિપ્પણીએ ચૂંટણીની દિશા બદલાવી નાખી છે. ચૂંટણીમાં વિકાસ કે મોંઘવારીના મુદ્દાઓ ચાલ્યા જ નથી. માત્રને માત્ર વિવિધ સમાજનો સહકાર મેળવવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

બીજી તરફ આઝાદી બાદ પ્રથમવાર પોતાના માટે ક્ષત્રિય સમાજે અવાજ ઉઠાવ્યો છે. એટલે તેઓ પણ પૂર્ણ રીતે કાયદાને આધીન લડી લેવાના મૂડમાં છે. તેની અસર મતદાન ઉપર વ્યાપક પ્રમાણમાં જોવા મળવાની છે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

Img 20240505 Wa0024 Removebg Preview E1714981353857આપણે સ્વથી ઉપર ઊઠીને સમષ્ટિનાં કલ્યાણલક્ષી નૂતન પથનું નિર્માણ કરીએ: માંધાતાસિંહજી જાડેજા

  • નૂતન ભારતના નિર્માણ યજ્ઞમાં મતદાનરૂપી આહુતિ અર્પણ કરીને આપણો રાષ્ટ્રધર્મ નિભાવીએ: માંધાતાસિંહજી જાડેજા
  • આપણો ઉચિત નિર્ણય જ આપણી ભાવિ પેઢી માટે સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરશે: માંધાતાસિંહજી જાડેજા
  • ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીને 400+ કમળની ભેટ અર્પણ કરીએ: માંધાતાસિંહજી જાડેજા

રાજકોટના રાજવી શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જાહેર અપીલ કરતાં જણાવ્યું હતું કે, 7મી મે-2024, મંગળવાર આપણાં સહિત આપણી ભાવિ પેઢીના સુરક્ષિત ભવિષ્ય નિર્ધારણ માટે કદાવર ફેંસલો લેવા માટેનો નિર્ણાયક દિવસ છે. સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે જીવન સમર્પિત કરીને અવિરત મથામણ કરી રહેલાં રાષ્ટ્ર ભક્ત શૂરવીરને નૈતિક મનોબળ પુરૂં પાડવાનો ક્રાંતિકારી દિવસ છે. ભવ્ય ભારત, દિવ્ય ભારત, એક ભારત, નેક ભારત, અખંડ ભારત, વિકસિત ભારત, સમર્થ ભારત જેવી આપણી ઝંખનાને સાકાર સ્વરૂપ આપવાનો દિવસ છે ત્યારે આપણે પ્રત્યેક ભારતવાસીઓ પૂર્ણ સજગતાથી નિર્ણય લઇએ અને લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણને સહુને પ્રાપ્ત થયેલાં આપણાં વિશેષાધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને નૂત્તન ભારત નિર્માણ યજ્ઞમાં આપણી મતદાન રૂપી આહુતિ અર્પણ કરીએ અને આપણો રાષ્ટ્રધર્મ નિભાવીએ. અત્યારે આપણો ભારત દેશ સંક્રાન્તિકાળમાંથી પસાર થઇ રહ્યો છે, આપણે સૌ એક એવા ત્રિભેટે ઊભાં છીએ જ્યાંથી આપણું અને આપણી ભાવિ પેઢીનું આગામી ભવિષ્ય નિર્મિત થવાનું છે. સને 2024ની લોકસભા ચૂંટણીમાં હોંશીયાર બનીને મતદાન કરવાને બદલે સમજદારી પૂર્વક મતદાન કરવું અનિવાર્ય છે કારણ કે, હોંશીયાર વ્યક્તિ રસ્તા પર પથરાયેલાં કંટકોથી બચીને પોતાના માર્ગની પસંદગી કરશે જ્યારે સમજદાર વ્યક્તિ રસ્તા ઉપર પથરાયેલાં કંટકો વીણી લઇને એક સ્વચ્છ નૂત્તન પથનું નિર્માણ કરશે. આવો, આપણે સ્વ થી ઉપર ઊઠીને સમષ્ટિનાં કલ્યાણ લક્ષી નૂત્તન પથનું નિર્માણ કરીએ અને આપણાં પ્રચંડ મતદાન સ્વરૂપ આશિર્વાદથી પૂર્ણ બહુમતિ સાથેની સ્થિર સરકારના ગઠનના મંગલાચરણ કરીએ.

રાષ્ટ્ર પ્રથમ વિભાવના યુક્ત રાષ્ટ્રહીતમાં લેવાયેલો નિર્ણય જ આપણી ભાવી પેઢી માટે સુરક્ષિત ભવિષ્ય અંકિત કરશે અને સનાતન ધર્મ તેમજ ભારતીય સંસ્કૃતિના જતન માટેની દિશાનું દ્વાર પણ ખુલશે તેમ કહીને શ્રી માંધાતાસિંહજીએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર સૃષ્ટીનું સંચાલન કરનાર વિષ્ણુની નાભિમાંથી પ્રગટ થયેલું કમળનું ફૂલ શુદ્ધતા, શાન્તિ, પવિત્રતા, સંતુલન અને જ્ઞાનનું પ્રતિક હોવા ઉપરાંત આધ્યાત્મિક અનુસંધાનનું આંગણું પણ છે. પરમ પવિત્ર જીવનની પ્રેરણાનું કારક હોવાથી કમળના ફુલને સૃષ્ટીના સર્જક બ્રહ્માજી, ધનની દેવી લક્ષ્મીજી અને જ્ઞાનની દેવી માતા સરસ્વતીજીએ પોતાના આસન સ્વરૂપે સ્વીકાર્યું છે તેવા કમળ પુષ્પનો આદર કરીએ અને દુષ્ટતાની વચ્ચે પણ પોતાની પવિત્રતા, મૌલિકતા અને શુદ્ધતાને જાળવી રાખતાં કમળના નિશાનની સામેનું બટન દબાવીને આપણે સહુ ભારતવાસીઓ સાથે મળીને પ્રચંડ મતદાનના માધ્યમથી સનાતન ધર્મ તથા ભારતીય સંસ્કૃતિની સમૃધ્ધ ધરોહરને વધારે મજબૂત બનાવવા માટે અવિરત કાર્યરત એક તપસ્વી, તેજસ્વી, ઓજસ્વી અને રાષ્ટ્રને જ સમર્પિત સાધક ઉપરાંત ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદીને દૈવીય સિંહાસન સ્વરૂપ 400+ કમળની સાત્વિક ભેંટ અર્પણ કરીને પૂર્ણ બહુમતિની સરકાર રચવાનો અવસર આપીને આપણો રાષ્ટ્રધર્મ નિભાવીએ.

અંતમાં શ્રી માંધાતાસિંહજી જાડેજાએ કહ્યું હતું કે, આપણે સહુ જાણીએ છીએ કે, છેલ્લાં ચોવીસ વર્ષથી એક અખંડ ધૂણાના સાધકની માફક શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના સમયની ક્ષણે ક્ષણ અને શરીરનો અણુએ અણુ કેવળ જનતા જનાર્દનની સેવા હેતુ સમર્પિત કર્યા છે. પ્રધાનમંત્રી તરીકે એકપણ દિવસની રજા લીધા વિના પ્રતિદિન સોળથી અઢાર કલાક સુધી કાર્યરત રહીને સર્વાંગીણ વિકાસ, આર્થિક વૃદ્ધિ, પાયાગત સુવિધાઓ ઉપરાંત અસરકારક વિદેશ નીતિના ગઠન સાથે નક્કર કાર્યો કરીને 140 કરોડ ભારતવાસીના ઉજ્જવળ ભવિષ્યની ખેવના કરી છે ત્યારે આપણે પણ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે અજોડ, અનુપમ, નિખાલસ અને વિરલ વ્યક્તિત્વના ધારક એવાં ગુજરાતના પનોતા પુત્રરત્ન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને 400+ કમળનું સ્નેહ સભર નઝરાણું અર્પણ કરીએ.– માંધાતાસિંહજી જાડેજા  (ઠાકોર સાહેબ-રાજકોટ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.