Abtak Media Google News

પિયુષ રૈયાણીનો ‘હાજરી’ અંગે નનૈયો એફઆઇઆરમાં ‘હાજરી’નો સ્પષ્ટ ઉલ્લેખ : હિમાંશુના મોતના રહસ્યમય ઘટના પરથી પડદો ઉચકાશે કે રાજકીય દબાણમાં દબાઇ જશે

શહેર પોલીસમાં ડીસીપ્લીનના અવાર નવાર ધજીયા ઉડી રહ્યા છે. તાજેતરની જ કેટલીક ઘટનાના કારણે પોલીસની છબી ખરડાઇ છે. ત્યારે બસ સ્ટેશન પોલીસ ચોકીમાં પીએસઆઇ ચાવડાની પિસ્તોલમાંથી છુટેલી ગોળીથી નિર્દોષ યુવકે જીંદગી ગુમાવતા વધુ એક વખત શહેર પોલીસ કલંકિત ઘટના સાથે વિવાદમાં સપડાઇ છે. ત્યારે સામાકાંઠા વિસ્તારના પિયુશ રૈયાણીની ઘટના સમયે ‘હાજરી’ના કારણે અનેક ચર્ચાએ ચકચાર જગાડી છે ત્યારે પિયુષ રૈયાણીએ ઘટના સમયે પોતાની હાજરી અંગે નનૈયો ભણી પોતે કોઇ પોલીસ ચોકીએ ગયાનો ઇન્કાર કરી રહ્યા છે. ફોજદાર ચાવડા સામે બેદરકારીનો ગુનો નોંધાયો છે. તે એફઆઇઆરમાં પિયુશ રૈયાણીની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહી એક ઉચ્ચ અધિકારીએ પણ પીએસઆઇ ચાવડા અને પિયુષ રૈયાણી વચ્ચે મિત્રતા હોવાનું સ્વીકારી તેઓ પ્રથમ વખત કલકતા ખાતે મળ્યાનું જણાવ્યું છે. ત્યારે મૃતકના પરિવાર દ્વારા હત્યા કરાયાના આક્ષેપ સાથે પોલીસની પોલ ખોલતા કેટલાક સ્ફોટક આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ઉપસ્થિત મૃતકના પરિવારના આક્ષેપ સામે પોલીસ અધિકારીઓ લાચારી અને શરમજનક સ્થિતીમાં મુકાયા છે.

Advertisement

Victoria Gardence

શહેરના અંકુર સોસાયટી નજીક વૃંદાવન સોસાયટીમાં રહેતા અને માલવીયા ચોકમાં પ્રમુખ સ્વામી આર્કેટમાં ગ્રાઉન્ડ ફલોરમાં ગ્લો ફેમીલી સ્પાના નામે વ્યવસાય કરતા હિમાન્શુ દિનેશભાઇ ગોહેલ નામના ધોબી યુવાનને એ ડિવિઝન પોલીસ મથકના અંડરમાં આવતી એસટી ચોકીના પી.એસ.આઇ. પી.પી.ચાવડાની સર્વિસ પિસ્તોલમાંથી છુટેલી ગોળીથી વિંધાતા ઘટના સ્થળે જ હિમાન્શુ ગોહેલની લોથ ઢળી ગઇ છે.

હિમાન્શુ ગોહેલના મોતની ઘટના બેદરકારીના કારણે થઇ છે કે તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે તે તો મૃતક અને પી.એસ.આઇ. ચાવડા જ સત્ય જાણ છે. આમ છતાં ઘટના બની ત્યારે સામાકાંઠા વિસ્તારના રાજકીય નેતાના નજીકના સગા પિયુષ રૈયાણીની હાજરીના કારણે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

તાજેતરમાં જ સામાકાંઠા વિસ્તારના એમસીએકસના સટ્ટાકીંગ મનાતા શખ્સને રાજકીય દબાણ સાથે મહત્વની બ્રાન્ચમાંથી છોડવવામાં આવ્યો હતો એટલું જ નહી પોલીસ અધિકારીઓને પણ બેફામ ભાંડવામાં આવ્યા હતા. આ ઘટના હજી તાજી છે ત્યાં ફરી એક વખત સામાકાંઠાના રાજકીય નેતાના નજીકના સગાની ઉપસ્થિતી અનેક શંકા સાથે પોલીસ વધુ વિવાદમાં સપડાઇ રહી છે.

પીએસઆઇ ચાવડાના કહેવા મુજબ તેઓએ પોતાના માટે પોતાના અન્ય એક પીએસઆઇ મિત્રના સુરતથી રાજકોટમાં મેચ નિહાળવા માટે આવવાના હોવાથી તેના માટે હિમાન્શુની મદદથી ક્રિકેટ મેચની છ ટિકિટ મગાવી હતી. હિમાન્શુ ટિકિટ આપવા આવ્યો ત્યારે પોતાની સર્વિસ પિસ્તોલ સાફ કરી રહ્યા હતા. અને અકસ્માતે ગોળી છુટતા હિમાન્શુ ગોહેલની આંખ નીચે ગોળી લાગી ખોપરી વિંધી આરપાર નીકળી હતી. ઘટના સ્થળે ઢળી પડેલા હિમાન્શુની લાશ જોઇ થોડીવાર ગભરાયેલા પીએસઆઇ ચાવડાએ પોલીસ કંટ્રોલ‚મ અને ૧૦૮ને જાણ કરી હોવાનું કહી રહ્યા છે અને તપાસનીશ અધિકારીઓએ પીએસઆઇની તમામ વાત સત્ય હોવાનું સ્વીકારી બેદરકારીનો ગુનો નોંધી પીએસઆઇ ચાવડાની અટકાયત કરી તેના પર બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ફાયરિંગની ઘટનાની જીણવટભરી તપાસ માટે પોલીસે એફએસએલની મદદ લીધી છે. એફએસએલ અધિકારીની તપાસ દરમિયાન પિસ્તોલમાંથી છુટેલી ગોળી હિમાન્શુ ગોહેલને વિંધી પ્લાસ્ટીકના પાટીશના બારીના એલ્યુમિનિયમના સેકશનમાંથી મળી આવી છે. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા હિમાન્શુ ગોહેલ એસટી ચોકીએ પહોચ્યાના માત્ર ૧૯ સેક્ધડમાં મોત થયાનું જણાવી રહ્યા છે ત્યારે બંને વચ્ચે મોબાઇલમાં કેટલીક ચર્ચા થઇ હોવાનું અને બંને વચ્ચે મોબાઇલમાં થયેલી વાતચીતનું રેકોર્ડીંગ જાહેર થાય તો કેટલીક ચોકવાનારી વિગતો પ્રકાશમાં આવે તેમ છે. હિમાન્શુ ગોહેલના મૃતદેહનું પોલીસ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. હોસ્પિટલ ખાતે ઉપસ્થિત મૃતક હિમાન્શુ ગોહેલના પિતા દિનેશ, પત્ની ઇશા પોતાની છ વર્ષની પુત્રી હિનલ સાથે ચોધાર આશુએ રડીને પોલીસ પર બેફામ આક્ષેપ કરી પીએસઆઇ ચાવડાએ ગોળી મારી હત્યા કર્યાના સ્પષ્ટ આક્ષેપ કર્યા હતા તેમજ બે દિવસ પહેલાં પણ માર મારવામાં આવ્યાનો સ્ફોટક આક્ષેપ કરવામાં આવ્યો હતો.

  • પોલીસ મેન્યુઅલમાં ડીસીપ્લીન અને વાસ્તવિકતા કેમ અલગ?

પોલીસ ડીપાર્ટમેન્ટમાં ભરતી સમયે જ ડીસીપ્લીનના પાઠ શિખવવામાં આવે છે. પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતા જેવો વ્યવહાર અને સંબંધ જાળવવામાં આવે તો પોલીસની કેટલીક કામગીરી સરળ બની જાય છે. ત્યારે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ પોતાની ડીસીપ્લીન ભુલી ગઇ છે અથવા તો જાણી જોઇને ડીસીપ્લીનના ધજીયા ઉડાવી રહી છે. રાજકોટના જ પીએસઆઇ હિરેન પરમારે સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી પત્નીની હત્યા કર્યાનું, મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબારે પ્રેમી પોલીસમેન રવિરાજસિંહ પર ફાયરિંગ કરી હત્યા કરી પોતે આપઘાત કર્યાનું તેમજ બે પોલીસમેને ઇન્દિરા સર્કલ પાસે જસદણના કાઠી યુવાનની સરા જાહેર છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની ઘટનાથી પોલીસની છબી ખરડાય તેવા કરેલા વર્તનથી ડીસીપ્લીનના ધજીયા ઉડયા છે.

  • નેપાળીકાંડની જેમ હિમાંશુની હત્યાનું રહસ્ય અકબંધ રહેશે?

શહેરમાં બનતી કેટલીક કલંકિત ઘટના પાછળ પોલીસ પર રાજકીય દબાણના કારણે આંખ આડા કાન કરવા પડયા છે. તો કેટલીક ઘટનામાં પોલીસ પોતાનું સાચવવા માટે જાણી જોઇને તપાસની દિશા બદલી રહ્યાનું સામે આવ્યું છે. કોર્પોરેશન ખાતે બનેલી નેપાળીકાંડમાં સત્ય કંઇક અલગ જ હોવાનું પોલીસથી માંડ સમાન્ય વ્યક્તિઓ જાણતી હોવા છતાં રાજકીય દબાણના કારણે પોલીસે તપાસની દિશા બદલી રહસ્ય અકબંધ રહ્યું છે તે રીતે હિમાન્શુ ગોહેલના મોતનું રહસ્ય અકબંધ રહેશે તેવું ચર્ચા રહ્યું છે. હિમાંશુ ગોહેલનું પીએસઆઇની પિસ્તોલની ગોળીથી થયેલા મોત પણ એક રહસ્યમય કોયડો બની રહેશે તેવી રીતે પોલીસ દ્વારા શ‚ થયેલી તપાસ પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે. આમ કરવા પાછળ માત્ર પોતાનાને સાચવી લેવાનો ઉદ્દેશ્ય હોય તેવું જણાઇ રહ્યું છે.

  • રૂ. ૫૪ લાખના ખર્ચે નવુ સ્પામાં હિમાંશુ સાથે કોની ભાગીદારી?

શહેરમાં સ્પા બંધ કરાવવા પોલીસ દ્વારા અવાર નવાર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને સ્પાના ઓઠા તળે ચાલતા કુટણખાનાની પોલ પણ ખુલ્લી પાડી છે ત્યારે શહેરની મધ્યમાં હિમાન્શુ ગોહેલના ચાલતા સ્પાના વ્યસાયને વિકસાવવા માટે પોતાને રૂ.૫૪ લાખની જરૂર હોવાનું અને કોઇની ભાગીદારી અંગે પોતાના માતા ભાનુબેનને વાત કરી મોટી દુકાનની શોધમાં હોવાનું મૃતક હિમાન્શુ ગોહેલે કહ્યું હતુ તેવો એફઆઇઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્પાના ધંધા પોલીસ દ્વારા બંધ કરાવ્યા બાદ કેટલાક સ્પાના વ્યવસાય સાથે પોલીસ દ્વારા ભાગીદારી કરવાથી છાને ખૂણે ચાલતા હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે ત્યારે હિમાન્શુ સ્પાનો ધંધો શરૂ પીએસઆઇ ચાવડા સાથે ભાગીદારીમાં કરવાનો હતો કે કેમ તે દિશામાં તપાસ થાય તો કેટલીક ચોકવાનારી વિગતો બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

  • પી.એસ.આઇ. ચાવડાને સસ્પેન્ડ કરતા પોલીસ કમિશનર

એસટી ચોકીમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. પી.પી.ચાવડાએ પોલીસ ચોકીમાં જ બેદરકારીથી સર્વિસ પિસ્તોલ સાફ કરી રહ્યા હતા ત્યારે થયેલા ફાયરિંગ થતા સ્પાના ધંધાર્થી હિમાન્શુ ગોહેલના થયેલા મોત અંગે પી.એસ.આઇ. પી.પી.ચાવડા સામે બેદરકારીથી મોત નીપજાવવા અંગેનો ગુનો નોંધાતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાકીદની અસરથી પી.એસ.આઇ. ચાવડાને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. બીજી તરફ એસીપી ટંડલે મૃતક હિમાન્શુ ગોહેલના પરિવાર ન્યાયિક અને તટસ્થ તપાસની ખાતરી આપતા મૃતદેહનો કબ્જો સંભાળી લેતા પોલીસે હાશકારો અનુભવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.