Abtak Media Google News

ગુજરાત સહિત દેશભરમાં શિયાળાના પગરવનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે. આસો મહિનાના પ્રારંભમાં જ વહેલી સવારે ટાઢના ચમકારાથી બદલાયેલી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળો આમ તો ટાઢની ઋતુ ગણાય પણ તાસીરમાં શિયાળો ગરમ ગણવામાં આવે છે. શરીર સૌષ્ઠવ અને તંદુરસ્તીનો પાયો બાંધવા માટે શિયાળો આદર્શન માનવામાં આવે છે. પાક શાસ્ત્ર અને ભોજન પ્રણાલીમાં શિયાળા વિશે એવું કહેવામાં આવે છે કે, આ ઋતુમાં ગમે તેવો ભારે ખોરાક ખાવ તો શરતાથી પચી જાય અને પ્રોટીનયુક્ત સમૃદ્ધ આહારથી શરીરમાં નવું લોહી અને માસપેસીઓનું સરળતાથી સર્જન થઈ જાય છે.

Advertisement

શિયાળાની કસરત પૌષ્ટીક ખોરાક અને શરીર સૌષ્ઠવ જાળવવા માટેની પ્રવૃતિઓનું પ્રાકૃતિક ધોરણે ખુબજ ફાયદારૂપ થાય છે. ગુજરાતી પારિવારીક પરંપરામાં શિયાળાની ઋતુ માટે ખાસ પ્રકારના પકવાન, પાક અને આરોગ્યવર્ધક ખોરાકનું જૂના જમાનાથી મહત્વ રહેલી છે.

ગુજરાતીઓના મોટાભાગના દરેક ઘરમાં ચોખ્ખા ઘીના અડદીયા, ખજૂર પાક, ગુંદર પાક અને ભારે પણ પચી જાય તેવા ખોરાક અને વિવિધ વ્યંજનો દ્વારા શરીરમાં પ્રોટીન, વિટામીન સાથે ચરબીયુક્ત આહાર લેવાની એક આગવી પરંપરા છે. અત્યારે આધુનિક યુગમાં ભલે હૃદયરોગ, ડાયાબીટીસ, અસ્થમા જેવા રોગોને લઈને ગળ્યું, ચરબીયુક્ત આહાર લેવાની મનાઈ કરવામાં આવે છે પરંતુ શિયાળાના ભારે ખોરાક નુકશાન કરતા ફાયદાકારક વધુ હોય છે તેવી ગુજરાતીઓમાં પરંપરાગત માન્યતાઓ પ્રવર્તી રહી છે. વર્ષમાં શિયાળાના ચાર મહિના શરીર બનાવવા અને તેની જાળવણી કરવા માટે ખુબજ માફક અને આદર્શ માનવામાં આવે છે.

જો કે, આ વખતે કોરોનાની આ મહામારીના સમયગાળામાં શરીર સૌષ્ઠવની સાથે સાથે આરોગ્યની જાળવણીની સાવચેતી પણ અનિવાર્ય બની છે. કોરોનાના બદલતા જતા રૂપ અને રંગ બદલતા કાચીંડા જેવી પ્રકૃતિના કારણે શિયાળામાં હવાની ઘનતાના વધારાની પરિસ્થિતિમાં કોરોનાના વાયરસનું સંક્રમણ વધે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.  શિયાળાનો આ હેલ્થ ફ્રેન્ડલી સમયગાળો શરીર સૌષ્ઠવ માટે આદર્શ માનવામાં આવે છે પરંતુ આ વખતે કોરોનાના લીધે સાવચેતી પણ અનિવાર્ય બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.