Abtak Media Google News

ફોર્મ ભર્યાના ફકત 4 દિવસ બાદ જ મૃત્યુ થયું તેમ છતાં પણ મહિલાની જીત થઇ!!

25 વર્ષીય આશિયા બી નામની મહિલા હસનપુર, અમરોહાના લોકો માટે “ખુશી લાવવા” ઇચ્છતી હતી.  તેણીના સમર્થકોએ તેણી પર વિશ્વાસ કર્યો કે તેઓ “દયાળુ અને ઉષ્માભરી પ્રકૃતિ” ધરાવનારી વ્યક્તિ હતી. મહિલાએ ચૂંટણીમાં ઉમેદવારી કર્યાના ફકત 4 દિવસમાં તેમનું મોત થઇ ગયું તેમ છતાં લોકોએ મહિલાને ચૂંટી કાઢ્યાની ઘટના સામે આવી છે.

તાજેતરમાં યોજાયેલી યુપીની નગર પાલિકાની ચૂંટણીમાં એક અપક્ષ ઉમેદવાર કે જેમની તબિયત ઝડપથી બગડી રહી હતી અને 20 એપ્રિલે તેમનું ફેફસાં અને પેટના તીવ્ર ચેપને કારણે મૃત્યુ થયું હતું. પરંતુ પરિણામ પર તેની થોડી પણ અસર નોંધાઈ ન હતી. જ્યારે મતોની ગણતરી કરવામાં આવી ત્યારે આશિયાની જીત થઈ હતી.

એક મતદાર મોહમ્મદ ઝાકીરે કહ્યું, આશિયાએ સરળતાથી મિત્રો બનાવ્યા અને લોકો તેને આપેલા સમર્થનનું વચન તોડવા માંગતા ન હતા અને તેથી પરિણામ આવ્યું.

હસનપુર નગર પાલિકામાં 30 થી વધુ વોર્ડ છે.  આશિયાએ 16 એપ્રિલે હસનપુર નગરપાલિકામાં વોર્ડ સભ્ય (17) પદ માટે પોતાનું નામાંકન ભર્યું હતું, જેને 2,000થી વધુ મતો મળ્યા હતા.

દુઃખની વાત એ છે કે, તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું અને તેણીનું સપનું પૂરું ન કરી શકી. પરંતુ લોકોએ હજુ પણ તેને મત આપ્યો. ચૂંટણીના પરિણામો તેમના માટેના પ્રેમનો પુરાવો છે. આ જ વિસ્તારના અન્ય મતદાર આરિફે જણાવ્યું હતું કે, આશિયાએ તેની ઉમેદવારી અંગે ચર્ચા કરવા અમારા વિસ્તારમાં એક મીટિંગ કરી હતી.  તે શિખાઉ હોવા છતાં તેની સાદગીએ કાયમી છાપ ઊભી કરી, તેથી જ અમે તેને ટેકો આપવાનું નક્કી કર્યું.  જ્યારે અમે તેમના મૃત્યુના દુ:ખદ સમાચાર સાંભળ્યા ત્યારે અમારા માટે તે એક મોટો આંચકો હતો.

તે હવે નથી પરંતુ લોકો પ્રત્યેના તેના સૌહાર્દપૂર્ણ વલણ માટે તેને યાદ કરવામાં આવશે. અમારા મત તેમને શ્રદ્ધાંજલિ છે. હસનપુરના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અશોક કુમારે કહ્યું, આશિયા એક અપક્ષ ઉમેદવાર હતી.  નામાંકન પછી તરત જ તેણીનું અવસાન થયું.

અહીં પ્રથમ તબક્કામાં 4 મેના રોજ મતદાન યોજાયું હતું અને તેને મુલતવી રાખી શકાય નહીં. લોકોએ મહિલા માટે મતદાન કર્યું અને તે વિજેતા તરીકે ઉભરી આવી પરંતુ આપણે પ્રક્રિયાનું પાલન કરવું પડશે.  હવે એ જ પદ માટે ફરીથી મતદાન યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.