Abtak Media Google News

મહાશિવરાત્રીથી શરૂ કરાયું સેવા અભિયાન: વસ્ત્રદાન સાથે મહાપ્રસાદનું પણ વિતરણ

મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક નવી પ્રથાનો પ્રારંભ કરાયેલ હતો. જેમાં પ્રત્યેક માસિક શિવરાત્રી પર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમ દિવ્યાંગ ગૃહોમાં સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ વસ્ત્ર પ્રસાદ અને સોમનાથ મહાદેવના મહાપ્રસાદ સ્વરૂપે લાડુ અને ચીકી નું વિવિધ જિલ્લાના વહીવટી તંત્રના સહયોગથી વિતરણ કરવામાં આવે છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, પાટણ, મહીસાગર, ખેડા,નર્મદા મળી કુલ 8 જિલ્લામાં વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદ નું વિતરણ કરાયું હતું.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમો, આશ્રમશાળા, અને દિવ્યાંગ ગૃહોમાં એકસાથે સોમનાથ મહાદેવને અર્પણ કરેલ વસ્ત્રો અને પ્રસાદ રૂપે સોમનાથના, ચીક્કી અને લાડુ પ્રસાદ સાથે, વડીલો ભાઈઓને પેન્ટ અને શર્ટ પીસ, માતાઓ બેહનોને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રત્યેક શિવરાત્રી પર્વ પૂર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને આ માનવતા સભર વસ્ત્રપ્રસાદ સેવાનું આગવું આયોજન કરવામાં આવે છે. અને વસ્ત્ર પ્રસાદ અને સોમનાથ મહાદેવનો ચીકી પ્રસાદ નિયત સ્થળોએ વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં આવે છે.

દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ  નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા રાજ્યના અલગ અલગ ખૂણે રહેલા જરૂરિયાત મંદોની સેવા કરવાના નિર્ધારને તમામ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહેલ છે. ગુજરાત સરકારની સંવેદનશીલતા આ વસ્ત્ર અને મહાપ્રસાદ વિતરણ કાર્યમાં ઉત્સાહપૂર્વક જોડાઈને તમામ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઉજાગર કરવામાં આવી છે. અને સોમનાથ મહાદેવનો વસ્ત્રપ્રસાદ અને મહા પ્રસાદ વૃદ્ધ, દિવ્યાંગો, અને બાળકોને જિલ્લાના કલેક્ટરઓ, નાયબ કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ રૂબરૂ જઈને શિવરાત્રીના પર્વે પ્રેમપૂર્વક અર્પણ કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ આગામી સમયમાં પણ પ્રતિમાસ શિવરાત્રી પર રાજ્યના વધુ જિલ્લાઓમાં તંત્ર સાથે સંકલનમાં વસ્ત્ર પ્રસાદ અને મહા પ્રસાદનું વિતરણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.