શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થીતી રાજપીપલામાં ઉજવાયો યોગ દિવસ

world yog day
world yog day

ભારતને વિશ્વમાં ગૌરવ અપાવવાના યોગના કાર્યમાં જોડાવાનો લોકોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે : શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે

શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજપીપલામાં સ્પોર્ટ્સ કોમ્પ્‍લેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસની જિલ્‍લા કક્ષાની કરાયેલી ઉજવણી

નર્મદા જિલ્‍લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આશરે ૧૨૦૦ થી પણ વધુ કેન્દ્રો ખાતે અંદાજે ૧.૮૮ લાખથી પણ વધુની જનસંખ્યાએ યોગ સાધનામાં ઉત્સાહભેર લીધેલો ભાગ

આંતરરાષ્‍ટ્રીય યોગ દિન નિમિત્તે આજના વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્‍લાના રાજપીપલા મુખ્યમથકે સ્પોર્ટ્સ કોમ્પ્‍લેક્ષ (ધાબા ગ્રાઉન્ડ) ખાતે યોજાયેલા જિલ્‍લાકક્ષાના યોગ કાર્યક્રમને ગુજરાતના મહિલા અને બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, જિલ્‍લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા,જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, ઇન્ચાર્જ જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી અચલ ત્‍યાગી, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. કે. શશીકુમાર  અને બહોળી સંખ્યામાં યોગમાં ભાગ લેનાર વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. આજે રાજપીપલામાં નગરપાલીકા કક્ષાના – ૨ તેમજ પ્રત્યેક તાલુકા કક્ષાએ પણ તાલુકાકક્ષાના બબ્બે કેન્દ્રો સહિત જિલ્‍લાભરમાં નિયત ૧૨૦૦ થી પણ વધુ કેન્‍દ્રો ખાતે આજે યોગના કાર્યક્રમો યોજાયાં હતાં.

        કાર્યક્રમની શરૂઆતમાં ઉત્તરાખંડની દેવભૂમિ ખાતે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા આજના યોગના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું, જેને ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યા બાદ આયુષની યોગ સીડી નિદર્શનના નિદર્શન મુજબ યોગમાં ભાગ લેનાર તમામ લોકોએ પ્રાર્થના, સૂક્ષ્‍મ ક્રિયા, વિવિધ ૧૫ આસનો, કપાલભાતી, પ્રાણાયામ (અનુલામ, વિલોમ, ભ્રામરી), ધ્યાન, સંકલ્પ અને શાંતિપાઠ કર્યા હતાં. આ પ્રસંગે વિવિધ સામાજિક-ધાર્મિક- સ્‍વૈચ્‍છિક  સંસ્થાના આગેવાનો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, નગરજનો વગેરેએ મોટી સંખ્યામાં જિલ્‍લાકક્ષાના આ કાર્યક્રમમાં જોડાઇને યોગ સાધના કરી હતી.

ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, ભારતને વિશ્વ ગૌરવ અપાવવાના યોગના આ કાર્યને આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ UNO માં મૂકીને સૌથી  ઓછા સમયમાં લગભગ બધા જ દેશોએ સંમતિ આપીને આ કાર્યક્રમનો આરંભ કર્યો છે. આજે ચોથો વિશ્વ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ છે અને આ યોગ દ્વારા બધાની એકતા સાથે સૌના સ્વાસ્થ્ય, માનસિક અને બધી જ તંદુરસ્તીનો વિચાર કરી વિશ્વની અંદર આપણા યોગને પ્રસ્થાપિત કરવાનું કાર્ય છે, જેને ઉજાગર કરવા માટે આજે નર્મદા જિલ્‍લાના આ કાર્યક્રમમાં જોડાવવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે,

આજના આ કાર્યક્રમમાં પૂરતી સંખ્યામાં બાળકો સહિત સૌએ હિસ્‍સેદારી કરી છે. ગયા વખતે જોડાયા હતાં તેના કરતાં પણ વધુ સંખ્યામાં લોકો જોડાયાં છે. અને વર્ષો વર્ષ યોગના કાર્યક્રમમાં જોડાવાનો લોકો ઉત્સાહ સતત વધતો જાય છે અને આ રીતે સમગ્ર દેશ અને વિશ્વમાં યોગ પ્રક્રિયાને મળી રહેલી પ્રશસ્‍તિ  બદલ તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

        અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિ આધારિત ખૂબ જ પ્રાચીન એવી યોગક્રિયા આપણાં મન અને શરીરને શુધ્ધ-સાત્વિક અને કાર્યશીલ રાખવાનું કામ કરે છે. યોગની મૂળ ક્રિયા મારફત ફરીથી લોકો જાગૃત્‍ત બનીને પોતાના મન, શરીરને ખૂબ સ્વસ્થ રાખી લોકોમાં નવજીવન પ્રસ્‍થાપિત થાય છે અને  યોગ દ્વારા સૃષ્‍ટિ અને પરમાત્મા સાથેની સાર્થકર્તાનો અનુભવ થાય છે.

નર્મદા જિલ્‍લા આજે થયેલી વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્‍લાકક્ષા ઉપરાંત તમામ તાલુકાકક્ષાએ તેમજ તમામ ગ્રામ પંચાયતો તેમજ જિલ્‍લાની તમામ પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચત્તર માધ્યમિક શાળા-મહાશાળાઓ વગેરે જેવા અંદાજે ૧૨૦૦ થી પણ વધુ કેન્દ્રોમાં થયેલી આ ઉજવણીમાં અંદાજે ૧.૮૮ લાખથી પણ લોકોએ ઉત્સાહભેર ભાગ લઇને આ ઉજવણીને સાર્થક કરી છે.

        આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે ખેલ મહાકુંભ અને કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓનો – પ્રદેશ – રાજ્યકક્ષાએ શ્રેષ્‍ઠ દેખાવ કરી નર્મદા જિલ્‍લાને ગૌરવ અપાવનાર તેજસ્વી ખેલાડીઓને પશસ્તિપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં હતાં.

        રાજપીપલા ખાતે આજના જિલ્‍લાકક્ષાના યોગસાધનાના આ કાર્યફક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી ડી.કે.બારીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, જિલ્‍લાના અગ્રણીશ્રી ગજેન્‍દ્રસિંહ જાડેજા, શ્રી ભગવાનદાસ પટેલ, શ્રીમતી ભારતીબેન તડવી,

ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્‍લા રમત ગમત અધિકારીશ્રી એમ.એ. ચૌધરી, સીનીયર કોચ શ્રી વી.બી. વસાવા, શ્રી ગૌરીશંકર દવે  સહિત જિલ્‍લાના અન્‍ય પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ, પોલીસ-હોમગાર્ડઝ જવાનો, વિવિધ સામાજિક – ધાર્મિક – સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના આગેવાનો, વિવિધ શૈક્ષણિક સંસ્‍થાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.