ઉત્તરપ્રદેશમાં ‘યોગી’નો દબદબો યથાવત: હિંદુત્વવાદ સામે વિરોધીઓના સુંપડા સાફ

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણીમાં હિંદુત્વનો જય જયકાર, જિલ્લા પંચાયતોની ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

અબતક-રાજકોટh
ઉત્તરપ્રદેશના રાજકારણમાં વધુ એકવાર યોગી આદિત્યનાથનો દબદબો પૂરવાર થયો છે. જિલ્લા પંચાયતની ચુંટણીમાં ભાજપના હિંદુત્વવાદ સામે વિરોધીઓના સુંપડા સાફ થઇ જવા પામ્યા છે અને પ્રાદેશિક કક્ષાએ સર્વત્ર કેસરીયા-કેસરીયા થઇ ગયાં છે.
બીજી તરફ ગ્રામ્યવિસ્તાર અને પંચાયતની ચુંટણીમાં ભાજપને એક તરફી જનાધારમાં અપક્ષ ઉમેદવારોની સાથે સાથે બહુજન સમાજ પાર્ટીના કાર્યકારો અને ઉમેદવારોના પણ ભાજપને સાથ મળ્યો હતો. સમાજવાદી પાર્ટી અને પાર્ટીએ અગાઉ જ જિલ્લા પંચાયતની ચુંટણીઓમાં કોઇ રસ ન હોવાની જાહેરાત કરી હતી. પરંતુ અંદરના સૂત્રોએ જણાવ્યું છે કે સમાજવાદી પાર્ટીના સમર્થનથી ચુંટણી લડતા ઉમેદવારોના કાર્યકરોએ પણ ભાજપના ઉમેદવારો તરફ ક્રોસ વોટીંગ કરાવ્યું હતું. જિલ્લા પંચાયતની કુલ 75 બેઠકમાંથી 53 બેઠક પર થયેલાં મતદાન પર જાહેર કરેલી 22 બેઠકોમાંથી 21 પર ભાજપ અને માત્ર 1 બેઠક સમાજવાદી પાર્ટીના હાથમાં રહી છે. સમાજવાદી પાર્ટીના ટેકાથી ચુંટણી લડતા ઉમેદવારોની 4 જિલ્લામાં જીત થઇ હતી એમાં ઇટ્ટા, સતંકબીર નગર, આજમગઢ અને બલીયાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના ઉમેદવાર બાગ પતમા જીત્યા હતાં. જોનપુરમાં અપક્ષે બાજી મારી હતી જ્યારે રાજા ભૈયાની જનસત્તા પાર્ટીના ઉમેદવાર પ્રતાપગઢમાં જીત્યો હતો. ઉત્તરપ્રદેશ જિલ્લા પંચાયતની ચુંટણીમાં ભાજપ તરફે આવેલા પરિણામોને લઇને વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે યુ.પી.માં જિલ્લા પંચાયત ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, વિશ્ર્વાસ, લોકસેવા અને કાનૂન વ્યવસ્થાની પરિસ્થિતિ માટે જનતા જર્નાદને આપેલા આશિર્વાદ છે. આ વિજયનો શ્રેય મુખ્યમંત્રી યોગીની નીતી, વહીવટ અને પક્ષના કાર્યકરોનો પુરૂષાર્થને ફાળે છે. યુ.પી. સરકાર અને ભાજપના સંગઠનને અભિનંદન….
ગૃહમંત્રી અમિત શાહે લખ્યું હતું કે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર, ખેડૂતો, ગરીબ અને પછત વર્ગની આશા પુરી કરી નવા કિર્તીમાન સ્થાપતી રહેશે. યોગી આદિત્યનાથે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના પ્રમુખની ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજયમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીની લોકકલ્યાણકારી નીતીનું ફળ છે. ઉત્તરપ્રદેશમાં સ્થાપીત સુશાસન અને જન વિશ્ર્વાસનું ફળ છે તેમણે ઉત્તરપ્રદેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.