Abtak Media Google News

આજે 40 જેટલા છાત્રાલયો અને શિક્ષણ સંકુલો વર્ષે 22,500 કરતા વધુ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારર્કિદી અને જીવન ઘડતરનો માર્ગ ચીંધે : વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં

વ્યક્તિ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષણના મહત્ત્વથી પ્રમુખસ્વામી મહારાજ સુપરિચિત હતા. તેમાં પણ સંસ્કાર યુક્ત શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે તેમણે વિરાટ કાર્ય આદર્યું હતું. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની વિશ્ર્વસ્તરે ફેલાયેલી અનેક શિક્ષણસેવાઓ વિદ્યાર્થીઓમાં લક્ષણયુક્ત શિક્ષણનું સિંચન કરે છે. 1965માં વિદ્યાનગર ખાતે પ્રથમ છાત્રાલયની સ્થાપનારૂપી શિક્ષણ પ્રવૃત્તિનું નાનું બીજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિશાળ વટવૃક્ષ બની ગયું છે.

Swami 3

ત્યારે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આયોજીત શતાબ્દી મહોત્સવની સંધ્યા કાર્યક્રમનો ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે 4:45 વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો.

પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ કહેતા “ચારિત્ર્ય વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે અને ચારિત્ર્ય સાથેનું શિક્ષણ રક્ષણ કરે છે અને તે દેશનું રક્ષણ કરે છે. શિક્ષણમાં ચારિત્ર્ય ભળે તો સોનામાં સુંગધ ભળે.

શિક્ષણની કિંમત ચારિત્ર્ય થી છે માટે આવું સંસ્કારયુક્ત શિક્ષણ સૌને મળે તે માટે યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે છાત્રાલયો અને ગુરુકુળની સ્થાપના કરી છે.

બીએપીએસનાના પૂ.આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્યને વર્ણવતા કહ્યું, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 40 ફૂટ વ્યાસ ધરાવતો માળો રચવામાં આવ્યો છે જે “વસુધૈવ કુટુમ્બકમની” ભાવનાને ચરિતાર્થ કરે છે અને સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આપેલા એકતાના મૂલ્યોને ઉજાગર કરે છે કારણકે આખું વિશ્ર્વએ એક માળો, એક પરિવાર છે.

Swami 2

પ્રમુખસ્વામી મહારાજ વૈશ્વિક ગુરુ હતા અને કોઈ પણ દેશના નાગરિકને તેમનું સાનિધ્ય ગમતું. તેમણે વિશ્વના તમામ લોકોને નાતજાતના ભેદભાવ જોયા વગર એક જ પરિવારના સભ્યની જેમ જોડે રહેવાનું શીખવ્યું.

બીએપીએસના સંત પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ  ‘સંસ્કારયુક્ત શિક્ષણનો યજ્ઞ: પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે કરેલ શિક્ષણસેવાઓ વિષે વક્તવ્ય આપ્યું. તેમણે જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે, “શિક્ષણ સંસ્કારયુક્ત હોવું જોઈએ, કારણકે લક્ષણયુક્ત શિક્ષણ હશે તે આપણું રક્ષણ કરશે અને લક્ષણ વગરનું શિક્ષણ એ ભક્ષણ કરશે.”

પ્રમુખસ્વામી મહારાજે સંસ્કાર અને ચારિત્ર્યયુક્ત સમાજનું નિર્માણ કર્યું છે જે અન્યને પણ તે પથ પર ચાલવાની પ્રેરણા આપે છે. પ્રમુખસ્વામી મહારાજે સમાજને નિર્વ્યસની, પ્રામાણિક, સદાચારયુક્ત જીવન જીવવા માટેની  પ્રેરણા આપી છે. ઘરસભા દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન સારી રીતે થઈ શકે છે અને પ્રમુખસ્વામી મહારાજે ઘરસભાની અમૂલ્ય ભેટ આપીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે.

ત્યારબાદ ‘સંસ્કારયુક્ત શિક્ષણનું અભિયાન : પ્રમુખસ્વામી મહારાજ ’ વિષયક વિડિયો દર્શાવવામાં આવી હતી. આયોજીત કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આ મહોત્સવ ફક્ત વિશાળ તો છે જ, પરંતુ નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે અને 80,000 સ્વયંસેવકોને તેમના સમર્પણ માટે મારા લાખ લાખ વંદન.

પ્રમુખસ્વામી મહારાજનું વ્યક્તિત્વ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વના અનેક દેશોના ભક્તોને સ્પર્શ્યું છે. ખોડલધામની શરૂઆત પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સાથે જ કરવામાં આવી છે અને પ્રથમ શિલાનું પૂજન પ્રમુખસ્વામી મહારાજે મુંબઈ મંદિરમાં કર્યું હતું અને ખોડલધામ પર પ્રમુખસ્વામી મહારાજના ઘણા આશીર્વાદ છે.

બીએપીએસ સંસ્થા વતી ઈશ્વરચરણ સ્વામીનો પ્રધાનમંત્રીના માતુશ્રીના નિધન પર સાંત્વના સંદેશ

આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના માતુશ્રી હીરાબા, જેમણે 100 વર્ષનું આયુષ્ય ભોગવ્યું, તેમને ખાસ એટલા માટે યાદ કરીએ છીએ કે તેમણે આ દેશને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના રૂપમાં એક મહાન નેતા અર્પણ કર્યા. નરેન્દ્રભાઈ દ્વારા ગુજરાત અને ભારતનો વિકાસ ખૂબ સારી રીતે અને ઝડપથી થઈ રહ્યો છે, એવા મહાન નેતાના માતૃશ્રી હીરાબાના અક્ષરનિવાસથી સૌને ખૂબ દુખ થયું છે.  ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એમના આત્માને પોતાના ધામમાં વિરાજમાન કરે અને અખંડ સુખ આપે, તેમજ પરિવારને સાંત્વના આપે.  નરેન્દ્રભાઇ હંમેશા પોતાનાં માતુશ્રીના સંપર્કમાં રહેતા.

એમની સાથે બેસતા, સાથે જમતા અને વાતચીત કરતા. પોતાના માતૃશ્રી પ્રત્યે તેમનો પ્રેમ અને લાગણી બહુ જ મોટી વાત છે, જે આપણી હિન્દુ સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ છે. પોતાના માતૃશ્રીની આટલી બધી દેખભાળ વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ નરેન્દ્રભાઈ રાખતા. આ પણ એક દાખલો સૌએ લેવા જેવો છે.  હીરાબાના નિધનથી આપણે સૌ અને સમગ્ર દેશના લોકો પણ દુ:ખ અનુભવે છે. ભગવાન એમના આત્માને ખૂબ સુખ-શાંતિ આપે એ જ પ્રાર્થના.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.