Abtak Media Google News

સીતાજીએ શ્રીરામજી માટે ક્યારેય કોઈ કઠોર શબ્દોનું ઉચ્ચારણ કર્યું ન હતું, રાધાજી પ્રેમવશ શ્રીકૃષ્ણ પર ગુસ્સો કરી લેતા: સીતાજી અને રાધાજી બન્નેએ માતાના ગર્ભમાંથી જન્મ ધારણ નહોતો ર્ક્યો

વૈશાખ માસના શુકલ પક્ષની નવમીએ શ્રી સીતા માતાએ જન્મ લીધો હતો તથા ભાદરવા માસની શુકલ પક્ષની અષ્ટમીએ શ્રી રાધાજીએ જન્મ લીધો હતો. ધર્મગ્રંથોમાં વર્ણિત રામાયણ તથા મહાભારતના આ બન્ને નારી પાત્રો, તેની મહાનતા વિશે તો લગભગ સૌ કોઈ પરિચીત છે પરંતુ આજે આપણે માતા સીતા અને રાધારાની વચ્ચેની કેટલીક સમાનતા અને કેટલાંક અંતર વિશે ચર્ચા કરીશું.

શ્રી સીતા અને શ્રી રાધાજી વચ્ચેનું અંતર

  1. માતા સીતા એક રાજકુમારી હતા તથા રાધાજી એક સાધારણ સ્ત્રી હતા.
  2. માતા સીતા પ્રભુના પત્ની તથા સેવિકા તરીકે પૂજાય છે જ્યારે રાધાજીને લોકો પ્રેમિકા તરીકે મુલવે છે. માતા સીતાએ પત્ની ધર્મ નિભાવ્યો તથા રાધાજીએ પ્રેમિકા ધર્મ.
  3. સીતા માતાની અગ્નિ પરીક્ષા કરવામાં આવી હતી. જ્યારે રાધાજી નિરંતર વિરહની અગ્નિમાં બળ્યા તેનો ઉલ્લેખ છે.
  4. માતા સીતાએ પ્રભુ માટે કોઈ કઠોર શબ્દનું ઉચ્ચારણ ર્ક્યું ન હતું. જ્યારે રાધાજીએ પ્રેમવશ કઠોર શબ્દ પણ કહ્યાં છે અને શ્રીકૃષ્ણને ખીજાયા પણ છે.
  5. સીતાજી શ્રીરામની જેમ જ મૃદુ અને સરળ હતા જ્યારે રાધાજી શ્રીકૃષ્ણની જેમ જ પ્રેમમાં નાચતા-ગાતા અને રાસ રમતા હતા.

માતા સીતા અને રાધાજી વચ્ચેની સામ્યતા

  1. સીતાજી અને રાધાજી વચ્ચેની પ્રથમ સમાનતા એ છે કે, બન્નેમાંથી કોઈએ માતાના ગર્ભથી જન્મધારણ નથી ર્ક્યો.
  2. સીતાજી અને રાધાજી બન્નેનું જીવન વિરહમાં જ પસાર થયું હતું.
  3. બન્ને દેવી લક્ષ્મીજીનો અવતાર હતા તથા દેવીઓ તરીકે પૂજાતા હતા.
  4. બન્નેએ પોતાના પ્રિયની સામે જ દેહનો ત્યાગ કર્યો હતો. સીતા માતા ધરતીમાં સમાઈ ગયા હતા તો વળી રાધાજીએ દ્વારકામાં કાન્હાના જીવન-કથન વિશે તેમની વંશાવલી વિશેની વાતો સાંભળતા સાંભળતા દેહ ત્યાગ કર્યો હતો.
  5. બન્નેને પોતાના પ્રિય પાત્રોનો વિયોગ સહન કરવો પડ્યો હતો. સીતાહરણ બાદ રામ અને સીતાનો વિયોગ તથા રાવણ વધ બાદ બન્ને અયોધ્યા પરત આવ્યા બાદ, શ્રી રામજીએ પ્રજાજનોની વાતો પર ધ્યાન આપીને માતા સીતાનો ત્યાગ કર્યો હતો અને ત્યારબાદ તે ધરતીમાંની ગોદમાં સમાઈ ગયા હતા તથા શ્રીકૃષ્ણના વૃંદાવન છોડયા બાદ રાધાજીને તેનો વિયોગ સહન કરવો પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.