Abtak Media Google News
  • ઉનાળાના ધમધોળતા તાપમાં હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ
  • સમયસરની સજાગતાથી મોટી આફતથી બચી શકાય: તડકામાં નીકળતી વખતે ચશ્મા, ટોપી તથા સુતરાઉ કપડા પહેરી નીકળવું હિતાવહ

રાજયમાં ઉનાળાની શરુઆતથી જ આકરી ગરમીનો લોકો સામનો કરી રહ્યાં છે. દિન-પ્રતિદિન ગરમીનો પારો ઉંચકાઇ રહયો છે. ત્યારે આ બળબળતા તાપમાં ભર બપોરે ઘર બહાર નીકળવાનું કોઇને મન ન થાય, પરંતુ નોકરી-ધંધા તથા વિવિધ કારણોસર લોકોને ઘર બહાર નીકળવાની ફરજ પડે છે તો ભર ઉનાળામાં આરોગ્યનું ઘ્યાન રાખવા માટે શું કરવું? લુ ન લાગે તે માટે શું કરવું જોઇએ.

તાપમાન દિન-પ્રતિદિન  ઉંચુ જઇ રહ્યું છે જેનાથી લોકો હેરાન છે. ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર કરી ચુકયું છે. વધતી ગરમી અને લુના કારણે લોકો બીમાર થઇ રહ્યાં છે.

સરળ શબ્દોમાં કહીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં આપણે જેને લુ લાગવી કહીએ તે હીટવેવ છે. જે વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધી જાય ત્યારે હીટવેવ જાહેર કરવામાં આવે છે.

ભારતના હવામાન વિભાગના કહેવા પ્રમાણે મેદાની પ્રદેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સીયસથી વધી જાય છે. અને જયારે પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સીયસથી વધી જાય છે. હીટવેવ જાહેર કરવામાં આવે ત્યારે સામાન્ય તાપમાનમાં એટલે કે 40 ડિગ્રી સેલ્સીયસ તાપમાનમાં 4.5 થી 6.4 ડિગ્રી સુધીનો વધારો જોવા મળે છે.

સિવિયર હિટ વેવની ચેતવણી ત્યારે જાહેર કરવામાં આવે ત્યારે સામાન્ય તાપમાનમાં 6.4 ડિગ્રી કરતાં વધારો જોવા મળે છે.

માથું દુખવું, વધુ પડતો પરસેવો થવો, ચકકર, આવવા, સ્નાયુઓ ખેચાવા, ઉબકા ખાવવા, આવા લક્ષણો દેખાય તો સમજવું કે તમને લૂ લાગી છે. જો આવા લક્ષણો દેખાય તો તરત જ છાયડા કે ઠંડી જગ્યાએ જતુ રહેવું, આવી સ્થિતિમાં પાણી કે ઓઆરએસ પી શકાય છે.

ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર જવાનું ટાળવું જોઇએ અને જવું હોય તો પાણીની બોટલ સાથે રાખવી જોઇએ. તડકામાં વધુ રહેવાથી બ્લડ પ્રેશર પર અસર થઇ શકે છે. તેથી તડકામાં ગર્ભવતિ મહિલાઓએ બહાર જવાનું ટાળવું જોઇએ. તથા બાળકોની પણ વાલીઓએ ખાસ કાળજી રાખવી જોઇએ.

ઉનાળાની ઋતુમાં ઘરની બહાર નીકળવું કોઈને ગમતું નથી. બહાર નીકળતાંની સાથે જ તમને થાક અથવા નબળાઈ લાગવા લાગે છે. આ પાછળનું મુખ્ય કારણ ધોમધખતો તડકો છે. ઉનાળામાં વધુ તાપમાનને કારણે પાચનતંત્ર પણ પ્રભાવિત થાય છે. ઘણી વખત લોકોને ઊલટી, ઝાડા, ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં, તમારી દિનચર્યામાં

યોગ્ય અને સંતુલિત ખોરાકનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. જેથી બીમારીઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય.

તો તડકાના કારણે સ્કિન અને વાળની સાથે હેલ્થને પણ નુકસાન ચાય છે. સાથે જ લૂ લાગવાનું અને ડીહાઈડ્રેશનનું જોખમ પણ વધી જાય છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર ઉનાળામાં આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ કે જે શરીરને અંદરથી ઠંડક આપે અને સાથે જ શરીરને લૂથી થતા નુકસાનથી બચાવે. ગરમીમાં બોડી હાઈડ્રેટ રહે તે જરૂરી છે. તેથી દિવસ દરમિયાન શક્ય હોય તેટલું વધારે પાણી પીતા રહેવું. પાણીની સાથે તમે લીંબુ પાણી કે આમ પન્ના પીને પણ શરીરને ઠંડું રાખી શકો છો. આ ઉપરાંત ઉનાળા દરમિયાન આહારમાં સૌથી મોટો ફેરફાર એ કરવાનો હોય છે કે મસાલેદાર અને વધારે તેલવાળું ખાવાથી બચવું. ગરમીમાં વધારે તેલ-મસાલાવાળું ભોજન તમને બીમાર કરી શકે છે. ઘરેથી જ્યારે પણ નીકળો ત્યારે પાણીની બોટલ સાથે રાખવી. તડકાથી બચવા માટે ચશ્માં, છત્રી કે સ્કાર્ફનો ઉપયોગ કરવો. આ સિવાય ડુંગળી કાપીને કપડામાં બાંધી સાથે રાખવાથી પણ લૂ નહીં લાગે. ઉનાળામાં કાચી ડુંગળી ભોજન સાથે ખાવાનું પણ રાખવું જોઈએ. કાચી  ડુંગળી ખાવાથી ઉનાળામાં પેટ હેલ્ધી રહે છે અને – સાથે જ લૂ પણ નથી લાગતી. ઉનાળામાં ભૂખ્યા પેટે ક્યાંય પણ જવાની ભૂલ ન કરવી. ખાલી પેટ રહેવાથી તબિયત બગડી શકે છે. ખાલી પેટે તડકામાં ફરવાથી ચક્કર આવવા અને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે.

ઉનાળામાં પાચનતંત્ર ખૂબ જ ધીમું થઈ જાય છે:ડો કુમાર દવે ન્યૂટ્રિશિયન એન્ડ ડાયટેટિક્સ

ઉનાળાની ઋતુમાં શરીરનું પાચનતંત્ર ખૂબ જ ધીમું થઈ જાય છે. તેથી ઉનાળામાં જંક ફૂડ કે ફાસ્ટ ફૂડને પચાવવા માટે પાચનતંત્રને વધુ મહેનત કરવી પડે છે. આ જ કારણ છે કે, ઉનાળામાં ભારે ખોરાક ખાધા પછી વ્યક્તિ સુસ્તી અને થાક અનુભવે છે.

કાળઝાળ ગરમીમાં થાક દૂર કરવા બિલા, તરબૂચ ,કેરી ,સાકરટેટી ઘીતેનો ગુણધર્મ ઠંડો હોય છે જે શરીરને હાઇડ્રેટ કરવામાં અને તાપમાન ઘટાડવામાં મદદ કરે અને પેટને ઠંડક પણ આપે છે અને અપચો અટકાવે છે. તમે તેને પાણી અને પાચક મસાલા જેવા કે જીરું અને વરિયાળી સાથે મિક્સ કરીને ખાલી પેટ પી શકો છો.

ઉનાળામાં ઘી ગેસ્ટ્રિક એસિડથી બચાવે છે

ઉનાળાની ઋતુમાં ખાવા માટે ઘી બેસ્ટ સુપરફૂડ પૈકી એક છે. તે ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન એ, વિટામિન સી જેવા પોષકતત્ત્વોથી ભરપૂર છે. જે શરીરને એનર્જી આપવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત, ઘીમાં રહેલા બ્યુટીરિક એસિડ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને શરીરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે ઉનાળામાં દરરોજ ખાલી પેટે અડધી ચમચી ઘી ખાવું જોઈએ. તે ગેસ્ટ્રિક એસિડના સ્ત્રાવને ઉત્તેજિત કરીનેદરરોજ દહીં ખાવાથી હીટસ્ટ્રોકથી બચી શકાય છે ઉનાળાની ઋતુમાં નિયમિત દહીં ખાવું દૂધ કરતાં વધુ ફાયદાકારક છે. તેમાં રહેલા સારા બેક્ટેરિયા આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. દહીંમાં ઠંડકનો ગુણ હોય છે. આ કારણે તે પેટ અને આંતરડામાંથી ગરમી દૂર કરવામાં ખૂબ અસરકારક છે. દહીંનો નિયમિત ઉપયોગ ઉનાળાની ઋતુમાં ગરમીના કારણે થતો અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે. તેમાં રહેલા વિટામિન બી, ઝિંક અને ફોસ્ફરસ ત્વચાને સ્વસ્થ રાખે છે. તેનાથી શરીરને એનર્જી પણ મળે છે.

ઉનાળા માં ચહેરાની સાર – સંભાળ કેવી રીતે રાખવી??

ડર્મેટોલોજિસ્ટ ના જણાવ્યાનુસાર  ઉનાળામાં ચહેરો ડ્રાય થઈ જાય છે. તેનાથી બચવા માટે સવારે ચહેરો ધોયા પછી મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ. લોકો માને છે કે ઉનાળામાં મોઇશ્ચરાઇઝરની જરૂર નથી, પણ એવું નથી.

જો કોઈ વ્યક્તિ ઘરમાં એસીમાં હોય અને પછી તડકામાં બહાર જતી હોય તો ઑફિસમાં બેસીને કામ કરે છે, તો તેના માટે ચહેરા પર મોઇશ્ચરાઇઝરનો બેઝ લગાવવો જરૂરી છે. તેની મદદથી તમે એસી અને સૂર્યપ્રકાશ બંનેની શુષ્કતાથી બચી શકો છો.

મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રિન લગાવવા વચ્ચે થોડું અંતર રાખો. જો આપણે તડકામાં બહાર જવાનું હોય તો ઓછામાં ઓછી 20 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવવું જોઈએ.

જે લોકોની ત્વચા તૈલી છે તેઓએ વોટર બેઇઝ્ડ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ અને જેમની ત્વચા શુષ્ક છે તેમણે ક્રીમ આધારિત સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે.

સનસ્ક્રીન ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેમાં જઙઋ (સન પ્રોટેક્શન ફેક્ટર)નું લેવલ શું છે? તમારે ધ્યાન રાખવાનું છે કે તેનું લેવલ 40થી વધુ હોવું જોઈએ. તે ઓછામાં ઓછા 30થી વધુ હોવું જોઈએ. તે જેલ આધારિત અથવા મેટ ફિનિશ પણ હોવું જોઈએ.

જો સનસ્ક્રીન તમારા બજેટને અનુરૂપ ન હોય, તો તમે લેક્ટો-કેલામાઈન લોશનનો ઉપયોગ કરી શકો છો. તે થોડું સસ્તું છે, પરંતુ ઘણા લોકો તે પણ ખરીદી શકતા નથી. તેથી તેઓ પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે અને તે કારગર પણ રહે છે.

લુ લાગવાના (સનસ્ટ્રોક) ના લક્ષણો

માથુ દુખવું, પગની પીંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, સુંધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી.

ગરમી શરીરમાં કેવી રીતે અસર કરે છે?

પુરતું પાણી ન પીવાથી ચકકર આવે અને બેભાન પણ થઇ જવાય છે., શરીર વધારે કામ કરે છે એટલે હાર્ટ એકેટ વધી જાય છે., શરીર ત્વચાની ગરમી ગુમાવે છે એટલે લાલ ચાંદા પડી જાય છે, લોહીનું પરિભ્રમણ વધવાથી પગની ઘુંટીમાં સોજા ચડી જાય છે.

રેસાવાળા ફળો પાચનતંત્રને મજબૂત રાખે છે

તરબૂચ ઠંડક આપે છે. તેમાં લગભગ 92% પાણી છે. તેમાં કાર્બોહાઇડ્રેટ પણ વધારે હોતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે. તમે દરરોજ ઓછામાં ઓછા 200 ગ્રામ ખાઈ શકો છો.તેમજ કેરીમાં 20 થી વધુ મિનરલ્સ હોય છે. પાકી કેરી સિવાય તમે ઉનાળામાં કાચી કેરી પણ ખાઈ શકો છો. પાતળા લોકો માટે કેરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે.

નારંગીની પ્રકૃતિ ઠંડી હોય છે. ઉનાળામાં પરસેવાના કારણે પોટેશિયમની ઊણપ થાય છે. તેમાં લગભગ 80% પાણી હોય છે. તેમજ નારંગી શરીરનું તાપમાન ઘટાડવામાં અને એનર્જી વધારવામાં ખૂબ જ મદદગાર છે. વધુમાં, વિટામિન સી ગરમ હવામાનને કારણે ત્વચાની સમસ્યાઓને રોકવા માટે એક ઉતમ પોષકતત્ત્વ છે. સક્કરટેટી- તેમાં ઝિંક, વિટામિન એ, સી, બીટા કેરોટીન અને પોટેશિયમ જેવા પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં પાણીની સાથે હોય છે. જેના કારણે શરીર ઠંડુ રહે છે અને પાચનતંત્ર મજબૂત રહે છે.

આ શાકભાજી હીટ સ્ટ્રોક બચી શકાય

દૂધી – વિટામિન સી ઉપરાંત, દૂધીમાં ઝીંક, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.ડુંગળી- ઉનાળાની ઋતુમાં નિયમિત ડુંગળી ખાવાથી હીટ સ્ટ્રોક જેવી સમસ્યા થતી નથી. ડુંગળી એન્ટિઓકિસડન્ટોથી ભરપૂર છે, જે સૂર્યપ્રકાશને કારણે સેલ્યુલર નુકસાનની આડઅસરોને તટસ્થ કરવામાં મદદ કરે છે. ડુંગળી ખાવાની સાથે તમે તેને તમારા સલાડમાં પણ સામેલ કરી શકો છો.

આરોગ્ય લક્ષી સુચના

સીધા સુર્ય પ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું અને શકય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લુ લાગવાની સ્થિતિમાં લીંબુ શરબત, મોળી છાશ, તાળફળી, અને નારીયલનું પાણી તથા ખાંડ મીઠાનું દ્રાવણ, તથા ઓ.આર.એસ. પુષ્કર પ્રમાણમાં પીવા, ગરમીમાં શકય હોય ત્યાં સુધી બહાર નીકળવું ટાણવું, દિવસ દરમ્યાન ઝાડ નીચે ઠંડક અને છાયામાં રહેવું, ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીમાં માથુ ઢકાય તેમ ઉપયોગ કરવો., નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃઘ્ધો તથા અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી, ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહી, બજારમાં વેચાતા બફરનો ઉપયોગ ટાળવો, આયુર્વેદની દ્રષ્ટિએ ગરમીની ઋતુમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત ગુણકારી હોય છે. રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો., લુ લાગવાના કિસ્સાઓમાં જો તાત્કાલીક તબીબી સારવા રલેવામાં ન આવે તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા બની શકે છે. લુ લાગવાની અસર જણાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.