Abtak Media Google News

 

વીજળી ત્રાટકે એવા ઘા જોઈને વાઘ અવળી દિશાએ દોટ મૂકી અને જોત જોતામાં ને  નેસડા બહાર નીકળી ગયો

પાંપણે પરોવાયું !

નાગમદેના મનમાં થતું હતું કે નીચે ઊભેલા વાઘ પર સીધો કૂદકો મારું એટલે ચમકીને ભાગી જશે … કદાચ … અરેરે, ડાંગ પણ નીચે પડી છે. નહિ તો સોઈ ઝાટકીને ફેંકત … સોનાની તીણી બૂમ આસપાસની વનરાઈમાં વેરાઈ રહી હતી. નાગમદેએ કહ્યું :  ‘સોના, આ રોયો ખસે ઇમ લાગતો નસેં …’ લાખુએ કહ્યું :  ‘નાગમ, છલાંગ મારે તો તને જરૂર આંબી જીય … અને આપણે બધાં ભડકીને નીચે પડી જાઈં … જો કંઈક મદદ આવે તો સારું … નહિતર ભારે વપત આવશે !’

રાજલે કહ્યું :  ‘એક રીતે સારું છે કે અહીં ઊભો છે … જો પાડરુંના વાડા કોર વળ્યો તો ભારે થાશે …’લાખુએ ને સોનાએ ફરી બૂમો પાડવી શરૂ કરી … વાઘે પણ કંઈક ઉતાવળ કરવા માંડી હોય તેમ ઘૂઘવાટી કરવા માંડી … એક બે વાર સામાન્ય ઠેક પણ મારી … ચારેય સ્ત્રીઓ જાણે ડાળને ચોટીને વળગી રહી હતી. સોનાએ ફરી એક તીણી ચીસ પાડી … અને નાગમદેના કાન પર ઘોડાના દાબડા પડતા હોય એવો રવ અથડાયો …. તે બોલી :  ‘કોઈ ઘોડેચડ આવતું સંભળાય છે !’ ત્યાં તો ઘોડાની હાવળ પણ સંભળાણી. રાજલે જોયું … કોઈ જુવાન પુરુષ ચારેકોર નજર નોંધતો નેસડાની વાડય પાસે ઘોડે ચઢીને જોઈ રહ્યો હતો.

રાજલે કહ્યું :  ‘વીરા, આ નેસડામાં વાઘ આવ્યો છે … અમે ઝાડે છઈં ને વાઘ નીચે ઊભો છે …’  જરા ઓતરાદો વળ્ય એટલે નેસમાં આવવાનું છીંડુ દેખાશે !’ જુવાને ધોડી 52 થી કહ્યું :  હવે ગભરાશો નઈં … હું હમણાં જ આવું છું …’નાગમદેના આડી એક ડાળ્ય હતા એટલે તે જોઈ શકી નહિ … પણ મનમાં તેણે નોંધારાના નાથનો પાડ માન્યો … જુવાન જરાયે વિલંબ કર્યા વગર ઘોડી સહિત નેસમાં દાખલ થયો … અને ઘોડી ચમકીને ઊભી રહી ગઈ … નવજુવાને પાંચહથ્થા વાધને જોયો … અરે … પણ પાસે કાંઈ હથિયાર નથી .. . તે બોલ્યો :  ‘બાપ માણકી ! ચમકીને ઊભી કેમ 2ઈ ગઈ ? તલવારુંની રમઝટ વચાળે તું કે’દી યે ચમકી નથી .ને આ વગડાના કૂતરાને જોઈને ચમકી ગઈ ?’  આમ કહીને જુવાને ઘોડીને એડી મારી .. વાઘની નજર જુવાન અસવાર કોર્ય ગઈ … તરત તે ઘરેરાટી કરતો સામો વળ્યો. નવજવાન બીજો કોઈ નહીં પણ સવિયાણાનો ધણી નાગવાળો હતો. બે ગાઉ છેટેના ગામડે દેવુભાને ત્યાં ગયો હતો. ત્યાંથી રોંઢો કરીને પાછો વળતો હતો અને નેસડામાંથી આવતી ચીસો સાંભળીને આ તરફ આવ્યો હતો.

વાઘને સામે આવતો જોઈને માણકી હાવળ નાખીને બે પગે ઝાડ થઈ ગઈ. નાગવાળો પૂરેપૂરા ભયમાં મુકાઈ ગયો હતો. વાઘના એક જ થાપે ઘોડી જીવી શકે નહિ અને પોતે નીચે ઢળી પડે …આ વિચાર આવતાં જ નાગવાળો માણકી પરથી નીચે કૂદી પડ્યો. કાંઈ હથિયાર હતું નહિ. પણ થોડે દૂર એક મજબૂત આડું પડ્યું હતું …. નાગવાળો આડા તરફ ગયો … માણકી હણહણતી બીજી દિશાએ વળી ગઈ અને વાઘે નાગવાળાને ઝપટમાં લેવા દોટ મૂકી. નાગવાળો આડું હાથમાં લઈને સામો આવે તે પહેલાં જ વાઘે કારમો ડણકારો કરીને તરાપ મારી.નાગવાળો પળનોયે વિલંબ કર્યા વગર અને ગભરાયા વગર એક બાજુ ખસી ગયો. વાઘની તરાપ સહેજ આડી ગઈ … છતાં તેનો એક પંજો નાગવાળાના બાવડાને ચૂમી ગયોઅને વાધ ચૂકી ગયેલી તરાપને સુધારવા નાગવાળા પર બીજું આક્રમણ કરે તે પહેલાં જ નાગવાળાએ સોઈ ઝાટકીને વાધના માથા પર આડું ઝીંક્યું. આડાનો એક જ ફટકો ને વાઘને ધોળે દીએ તારા દેખાઈ ગયા …વાઘ ફરી વાર સાવધ થાય તે પહેલાં જ  નાગવાળાના બળુકા હાથ વડે આડાનો બીજો ઘા એની ગરદન પર પડયો.

વીજળી ત્રાટકે એવા ઘા જોઈને વાઘ અવળી દિશાએ દોટમૂકી અને જોત જોતામાં ને  નેસડા બહાર નીકળી ગયો.નાગમદે તો આ નવજવાનનું રૂપ, શૌર્ય અને હિંમત જોઈને  અવાક્ બની ગઈ હતી.વાઘનો ભય દૂર થયો હોવાથી ઝાડ પર  ચડેલી ચારેય સ્ત્રીઓ નીચે ઉતરી ગઈ.નાગવાળાના ડાબા હાથમાંથી લોહી નીકળતું હતું. લાખુ દોડતી આવીને બોલી :  ‘ભાઈ, તમને આ શું થઇ ગયું ?’ ‘ કાંઈ નઈં, બોન. ઈ તો ઘેર જઇને જરા પાટો બાંધીશ એટલે સારું થઈ જાશે … કહી નાગવાળાએ એક તરફ ઊભેલી માણકી સામે જેઈને કહ્યું :  ‘માણકી, આવ …’રાજલ, સોના ને નાગમદે પણ આવી ગયાં હતાં. નાગમટે તો આ જુવાનને જોઈને કોઈ ઊંડા અંતરમાં ઊતરી ગઈ હતી.

રાજલે કહ્યું :  ‘આપનું નામ ?’‘નાગવાળો …’ ‘ઓહ, દરબાર પોતે … તઈં તો આ ઝાડના છાંયે આવો … ઘડીક વિસામો લો … ને પાટો બાંધી દઈં …’  રાજલે કહ્યું. નાગમદેએ તરત પોતાના ચોરસામાંથી એક લીરો કાઢ્યો … સોના પાણી લઈ આવી.નાગમદેએ નાગવાળાના ડાબા હાથની બાંય સરખી કરીને પાણી રેડયું ને એકધ્યાને નાગવાળા સામે જોતી જોતી પાટો બાંધવા માંડી. નાગવાળાએ પણ નાગમદેને જોઈ … જોતાં જ એનું કાળજું ધ્રૂજી ઊઠ્યું … લાખુએ કહ્યું :  ‘નાગમદે, પાટાને ગાંઠ તો માર્ય ! પછી માથે થોડું પાણી નીરજે …’વાધે વીંધાણો નાગ, ને નાગમ વીંધાણી નજરુંથી, આતો ભવોભવનો રાગ, પે’લી નજરે પ્રગટીયો !નાગવાળો વાઘના નહોરાથી વીધાણો હતો . પણ નાગમર્દનું હૈયું નાગવાળાને જોતાં જ વીધાઈ ચૂક્યું હતું અને જાણે પહેલી જ નજરે ભવોભવની પ્રીતિ પ્રગટી ઊઠી હતી. નાગવાળાએ રાજલ સામે જોઈને કહ્યું :  ‘નેસડામાં કોઈ જણ નથી ? ’‘બધા ખાડા હાર્યે ગીયા છે … વસ્તાભા ને બીજી બાયું ગામમાં !  રાજલે કહ્યું.

સોનાએ કહ્યું :  ‘દરબાર, તમે અમારા પ્રાણ ઉગાર્યા છે … વાંસળી વાળો તમારાં અભરે ભરશે.’‘ઉગારનારો તો દીનોનાથ છે … હું તો ખાલી … ’નાગમદેએ વચ્ચે જ કહ્યું :  પાણી લેશો ?’‘એમાં પુછાતું હશે ? તારા ઘરનો ગોળો ભારે ટાઢો છે … ઝટ એક ત્રાંસળું ભરી આવ … ’ લાખુએ કહ્યું. નાગમદેના હૈયાને ખસવું ગમતું નહોતું … પણ પોતાના હાથે પાણી પાવાનું સૌભાગ્ય ટાળવું યે ગમતું નહોતું … તે પોતાના ઝૂંપડા તરફ લઈ.રાજલે કહ્યું :  દરબાર , અમે આંઈ સાડા ત્રણ મહિનાથી છઈં. પણ વાઘનો ભો કોઈ દી લાગ્યો નથી.’નાગવાળાએ કહ્યું :  ‘આમ તો કોઈ દી આ બાજુ વાઘ આવતો જ નથી … ગરમીના કારણે ધરાના કાંઠાની વાડમાં પડ્યો હશે તે આ તરફ આવી ચડ્યો હશે … પણ હવે ઈ વાધ આ દશ સામી નજરેય નહીં કરે.’ત્યાં તો માણકીએ એક પગના દાબડા વડે જમીન ખણવી શરૂ કરી . નાગવાળાએ ઊભા થઈ માણકીને પંપાળતાં કહ્યું :  ‘બસ બેટા … હવે આપણે જાશું …’નાગમદે ત્રાંસળું ને બોઘરણું લઈને આવી પહોંચી.

નાગવાળાએ નાગમદેના નમણા ને રૂપથી નીતરતા વદન સામે જોઈને ત્રાંસળું પોતાના હાથમાં લીધું…પાણી ભારે ઠંડું હતું . પીતાં જ કોઠે ટાઢક વળી. પાણી પીને નાગવાળાએ નાગમદેના હાથમાં ત્રાંસળું પાછું મૂક્યું અને લાખુ સામુંજોઈને કહ્યું :  ‘કોઈ પાંતીની કનડગત હોય કે કાંઈ કામ હોય તો મને કહેવરાવજો.’લાખુએ કહ્યું : ‘દરબાર , આપની દયાથી અમે આંઈ રીયાં છઈ ને માલઢોરને જીવતદાન મળી ગયું છે.’એક વાર નાગમદે તરફ જોઈને નાગવાળો તરત માણકી પર અસવાર થઈ ગયો અને વળતી જ પળે માણકી દડબડ ડાબા નાખતી નેસ બહાર નીકળી ગઈ.નાગમદે સ્થિર નજરે નાગવાળાને જતો જોઈ રહી.એના હૈયામાં ન કહી શકાય કે, ન સહી શકાય એવી મીઠી છતાં વસમી મૂંઝવણ થઈ રહી હતી.એક જ નજરું નાખતાં,હૈયું હેલે ચડ્ય નાગમ પાંપણપોયણાં,નાગને નીરખી રીયાં.માણકી ને તેનો અસવાર દેખાતો બંધ થયો’તો પણ મનની આંખે નીરખતી નાગમદે સ્થિર નજરે જોતી ઊભી રહી.સોના, રાજલ પાડરુંના વાડા કોર ગયાં હતાં … લાખુ નાગમદેને સ્થિર નજરે જોઈ રહી હતી.

મનોભાવની કોઈ મૂર્તિમાં મગ્ન બનેલી નાગમદેને સ્થિર અચળ જોઈને લાખું ધૈર્ય રાખી શકી નહીં … તેણે નાગમદેના ખભા પર હાથ મૂકતાં કહ્યું :  ‘આમ કેમ થઈ ગઈ ? શું નીરખી રઈ છો ? તારી પાંપણમાં શું પરોવાયું ?’નાગમદેએ લાખુ સામું જોઈને ગંભીર સ્વરે કહ્યું :  ‘લાખું, પાંપણમાં તે કાંઈ ન પરોવાય ? પણ આપણે કાંઈ કરી નોં શક્યાં !’‘ શું નોં કરી શક્યાં ?’‘જુવાનડાએ ચાર જીવ બચાવ્યા … જીવ જોખમમાં નાખ્યો … વાધથી વીંધાણો..ને આપણે એનો કાંઈ સત્કાર નોં કરી શક્યાં ! ઘડીક વિસામો લેવાનું ય નોં કીધું … ધડકી પાથરીને બેસાડવાનું નોં કોઈને સૂઝયું … હું તો વાઘને જોઈને એવી થડકી ગઈ હતી કે મને કાંઈ યાદ નોં આવ્યું. ઘરમાં સવારનું દૂધ તો પડ્યું હતું … ને આપણેપાણી જ પાયું ! બાપાને ખબર પડશે તો કેટલો ઠપકો દેશે ?  ‘નાગમદેએ   કહ્યુંં.‘તારી વાત તો સાચી છે … મને ય કાંઈ હૈયે નોં ચડયું … પણ નાગમ, તું નાગવાળા સામે નજર માંડી રહી હતી તઈ મને લાગ્યું હતું…’‘શું?’‘તારી પાંપણમાં કોઈ પૂરવભવની પ્રીત પરોવાઈ રહી છે !’

લાખુ નાગમદેની ખાસ બે’નપણી હતી . નાગમદેએ લાખુનો હાથ પકડી લેતાં કહ્યું :  ‘તારી વાત સાચી છે, લાખુ ! એને જોતાં જ અંતરના ઊંડાણમાં કાંક નોં સમજાય એવું અજવાળું થઈ રીયું ’ તું … ઈ ગીયો …. હું થીર નજરે જોઈ રઈ … લાખુ, દેખાતો બંધ થયો. તોય મારા મનડાને દેખાઈ રીયો’તો … મારા મનમાં કોઈ દી કોઈ પુરુષને જોઈને આવું થીયું નથી.’‘કેવું ?’‘ઈ જ કેવું મુશ્કેલ છે .. .જાણે વાચાથી યે કોઈ વેગળી વાત છે.’  નાગમદેએ કહ્યું.‘પણ ઈ તો સવિયાણાનો દરબાર છે !’‘એની હાર્યે મારે શું કામ છે ?’  ઈ દરબાર હોય કે પસાયતો હોય … પણ લાખુ, મારા દલને તો એમ જ લાગે છે કે સાત સાત ભવનો ભૂલો પડેલો સથવારો આજ અચાનક મળી ગીયો છે !’‘નાગમદે !’‘હું સાચું કહું છું ..’‘તું વચાર કર..નાગવાળો રાજા છે … એના મો’લમાં એક રાણી પણ છે … એના પ્રત્યે મન વાળીને તું શું મેળવીશ ?’‘લાખુ , માનવીનાં મન કાંઈ મેળવવા માટે માટે નથી વળતાં..આપોઆપ વળી જાય છે … અને વળ્યા પછી એને ભગવાન પણ પાછાં વાળી શકતો નથી…’  નાગમદેએ ભાવભર્યા સ્વરે કહ્યું.

લાખું કંઈ કહેવા જાય તે પહેલાં જ રાજલનો અવાજ આવ્યો :  ‘લે, હજી તમે બેય આંઈ ને આંઈ છો ? પાડરુંને છાશ પાવાનું ટાણું થઈ ગીયું છે …’‘ ને તું શું કરતી’તી ભાભી ?’   લાખુએ સામો પ્રશ્ન કર્યો.લે કર્ય વાત ! નણદુંને તો ગળે વળગતાં જ આવડે, કાં ? મેં ને સોનાએ આખો વાડો વાળી નાખ્યો .. ’નાગમદેએ કહ્યું :  ‘ભાભી, તું છાશની ગોળી લઈ લે … હું નાળ્યું લઈને આવું છું … બાકી , અમને ગળે વળગતાં ક્યાંથી આવડે ? વેલડી તું છો ને સાગના સોટા જેવો મારો ભાઈ માણસુર….’વચ્ચે જ રાજલ ખોટો રોષ કરતાં બોલી :  ‘હેવ હાઉં કરો … આજ તમારા ભાઈને કહીશ કે ઓલ્યાં બાવળિયાને ગરમાંથી ગોતી આવે ….’લાખુએ હસતાં હસતાં કહ્યું : ‘મૂઓ જેસલ … તને વળી બાવળિયો ક્યાંથી યાદ આવ્યો ? નણંદના કાયામાં શૂળો પરોવીને ભોજાઈનો ભાવ ભજવવો છે ?’‘ના રે , લાખુ બુન … મારી નણદી તો રતન છે …. એને કાંઈ કાગડાની ડોકે નોં બંધાય ! કાનસુર બાપુને મેં તો ઘણીય વાર કહ્યું હતું કે જેસલને ફાળિયે બાંધીને આ મોગરાના ફૂલનો ભવ બગાડશો નઈં.’

‘હવે ભાભલડી સાચી …’   કહી લાખુ એની પાસે ગઈ અને છાશની ગોળી લેવા બંને એક ઝૂંપડામાં દાખલ થઈ.નાગમદે પોતાની ઝૂંપડીમાં નાળ્યું લેવા ગઈ.આ તરફ , નાગવાળો ગામમાં પોં’ચી ગયો હતો … દરબારગઢમાં દાખલ થતાં જ સવલાની નજ2 ઘાયલ હાથ પર પડી ને તે બોલી ઊઠ્યો : ‘બાપુ, આ શું થીયું ?’‘કાંઈ નઈં … તું જીવરામ વૈદ પાસે જઈને પાટો બાંધવાનું તેલ લઈ આવ … મારગમાં એક વાઘ મળ્યો’તો તી જરા ઝપટ લાગી ગઈ છે …’‘વાઘ ? ધોળે દીએ ?’  કહેતો સવલો જીવરામ વૈદના ઘર તરફ રવાના થયો.એક સેવકે નાગવાળાની ઘોડી લઈ લીધી.નાગવાળો ડેલીએ ન જતાં સીધો ફઈબાના ઓરડે ગયો.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.