સામખિયાળીમાં છરીના અનેક ઘા ઝીંકી યુવાનની   હત્યા 

આડા સંબંધમાં મિત્રે જ મિત્રનું ઢીમ ઢાળી દીધાની આશંકા

ભચાઉ તાલુકાના સામખિયાળીમાં મિત્રએ જ 20 વર્ષીય યુવાન દીપક નરસી કોલી ઉપર છરીના ઉપરાઉપરી ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. થોડા કલાકોની સારવાર બાદ યુવાને દમ તોડી દેતાં જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. વાગડમાં વધુ એક હત્યાનો બનાવ બહાર આવતાં પંથકમાં ભારે ચકચાર પ્રસરી છે. પ્રાથમિક વિગતો મુજબ આ બનાવ સાંજે 7.30થી 8 વાગ્યાના અરસામાં બન્યો હતો.

આરોપી અજય રામશી કોલી (રહે સોમાણીવાંઢ-કીડિયાનગર) તેના મિત્ર દીપક ઉપર હુમલો કરી નાસી છુટયો હતો. સાંજે ભોગ બનનાર યુવાન દીપક આરોપીના ઘરે ગયો હતો. બન્ને જણા પોતપોતાની બાઈક ઉપર જવા નીકળ્યા હતા.સામખિયાળી ક્રિકેટ મેદાન સામે આવેલા રેલવેના પુલિયા નીચે ગયા હતા, ત્યાં આરોપી છરીના ઉપરાઉપરી 32થી વધુ ઘા મારી જીવલેણ હુમલો કરી નાસી ગયો હતો. જીવલેણ હુમલાથી યુવાન ઢળી પડયો હતો.ઉપરાઉપરી ઘા મારવાથી હતભાગી યુવાનને માથા, પેટ, છાતી, ગરદન, ડોક, કમર, હાથના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી.તેણે તેના ભાઈને ફોન કરતાં તે ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને સારવાર માટેસામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

તેની હાલત ગંભીર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.’ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેણે દમ તોડી દેતાંહુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવના પગલે સામખિયાળી ગામમાં ભારે ચકચાર પ્રસરી હતી. બનાવ પાછળ સંભવત: આડા સંબંધ કારણભૂત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ભોગ બનનાર યુવાન સમી તાલુકના રાસુ ગામનો’ વતની છે. છેલ્લા 7 વર્ષથી સામખિયાળી ખાતે રહી અને મજૂરીકામ કરતો હતો.

આરોપી યુવાન તેનો મિત્ર હોવાનું જાણવા મળ્યું હતું.’ બનાવના પગલે સ્થાનિક પોલીસે જઈને કાર્યવાહી આદરી હતી. જો કે બનાવસ્થળ રેલવે પોલીસની હદમાં આવતું હોઈ રેલવે પોલીસને જાણ કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી એક બાઈક કબજે કરવામાં આવ્યું છે.’ રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.