સોમવારથી ધો.10-12ની પુરક પરીક્ષાનો પ્રારંભ

પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

આગામી  સોમવારથી ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. જેમાં બે વિષયમાં નાપાસ થયેલા છાત્રોનું શૈક્ષણીક વર્ષ બગડે નહી તે માટે પુરક પરીક્ષા લેવામાં આવશે બોર્ડની પુરક પરીક્ષાને લઈ પોલીસ કમિશ્નર દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી  કરાયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) માટેની પૂરક પરીક્ષા, 18મી   દરમિયાન  લેવામાં  આવનાર છે.  શહેરમાં ધો.-10નાં 17 કેન્દ્રો તથા ધો.-12નાં 23 કેન્દ્રો મળીને કુલ-40 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય, પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ના પહોંચે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા. 18 જુલાઈથી 22 જુલાઈ સુધી, સવારે 9 કલાકથી   (સાંજે 7 વાગ્યા) સુધી પરીક્ષા કેન્દ્રો (શાળાઓ) નજીકના 100 મીટરના વિસ્તારમાં કેટલાક કૃત્યો પર પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું શહેર પોલીસ કમિશનર  રાજુ ભાર્ગવ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.જાહેરનામા મુજબ, નક્કી કરાયેલાં પરીક્ષા કેન્દ્રો-શાળા કમ્પાઉન્ડની આસપાસના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહીં, કોઈ સ્ટેસનર્સ કે વેપારીઓ કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્સ-કોપીયર મશીન ચાલુ રાખી શકશે નહીં.

પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં વાહનો લાવી કે લઈ જઈ શકાશે નહીં, ચાર વ્યક્તિઓએ ભેગા થવું નહીં, પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રશ્નપત્રને લગતું કોઈ સાહિત્ય લઈ જવું નહીં, પરીક્ષાર્થીઓ કે સુપરવાઇઝરોએ પરીક્ષાખંડમાં મોબાઈલ ના લઈ જવા. પરીક્ષા કેન્દ્રોમાં ફરજ પરના અધિકારીઓ, સ્ટાફ, કર્મચારીઓએ આઇકાર્ડ પહેરવાનું રહેશે. જેમણે અગાઉથી પરવાનગી મેળવેલી હોય તેવા ફરજ પરના અધિકારીઓ-સ્ટાફ, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રામાં જોડાયેલા લોકો, ફરજ પરના પોલીસ-એસ.આર.પી.-હોમગાર્ડ-જી.આર.ડી.ના સ્ટાફને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારા સામે ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે, તેમ રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવના જાહેરનામામાં જણાવાયું છે.