Abtak Media Google News

ભવનાથ વિસ્તારમાં રિતસર  નદીઓ  વહી:  લોકોના ઘરમાં વરસાદના પાણી ઘુસ્યા

જૂનાગઢમાં ગઈકાલે મુશળધાર 6 ઇંચ અને ગિરનાર વિસ્તારમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાપકી પડતા અત્ર, તત્ર, સર્વત્ર જળબંબાકાર થઈ જતા 46 જેટલા માર્ગો બંધ થઈ જવા પામ્યા હતા. અને સ્ટેટ હાઇવેના 7 રસ્તાઓ બંધ થતાં અનેક વાહનો અટવાયા હતા. આ સાથે શહેરનો વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો અને દામોદર કુંડ બે કાંઠે થયો હતો. તથા સોનરખ કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરક થયા હતા, તો ગિરનાર ઉપર થી ઝરણાને બદલે જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભવનાથ વિસ્તારના રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવું જણાઈ રહ્યું હતું. આ સાથે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ફરી એક વખત પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

Advertisement

જુનાગઢ શહેરમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન સૂપડાધારે વરસાદ ખાબક્યો હતો અને અનરાધાર 6 ઇંચ જેટલો વરસાદ વરસી જતા શહેરના આઝાદ ચોક, વૈભવ ચોક, ઝાંઝરડા રોડ, જયશ્રી રોડ, જોશીપુરા, રેલવે સ્ટેશન રોડ, સાબલ્પુર રોડ, જીઆઇડીસી વિસ્તાર, દોલતપરા સહિતના અનેક માર્ગો ઉપર પાણી ભરાતા વાહનો ફસાયા હતા. તો શહેરના ગણેશ નગર, ખલીલપુર રોડ, જોશીપુરા સહિતના અનેક વિસ્તારોમાં ફરી એક વખત વરસાદના પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

જૂનાગઢની સાથે ગિરનાર પર્વત અને ગિરનારના જંગલમાં પણ 10 ઇંચ જેટલો વરસાદ થયાના વાવડ મળી રહ્યા છે. અને તેના કારણે દામોદર કુંડના પાણી ફરી એક વખત પુલ લગોલગ થયા હતા.  જ્યારે વિલિંગન ડેમ ત્રીજી વખત અવર ફ્લો થવા પામ્યો હતો. આ સાથે ગિરનાર પર્વત પર પણ પડેલ ભારે વરસાદના કારણે ગિરનાર ઉપરથી ઝરણાને બદલે નદીઓ વહી રહ્યું હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા હતા. તો ભવનાથના માર્ગો જળમગ્ન બન્યા હતા અને ભવનાથના અનેક વિસ્તારો પાણી પાણી થઈ જવા પામ્યા હતા. તે સાથે ભાવનાથ નજીકનો ખોડીયાર ઘુનો, નારાયણ ધરો અને જટાશંકર મંદિર પાસેના નદીઓમાં ભારે પાણી આવ્યા હતા

જૂનાગઢમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી જ અવિરત અને અનુરાધા પડેલા વરસાદના કારણે શહેરના રસ્તાઓ પાણીથી છલોછલો થયા હતા. જેને કારણે શહેરના અમુક માર્ગો પરથી પસાર થવું વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ થઈ ગયું હતું. ત્યારે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું, તો વેપારીઓએ ગઈકાલે ભારે વરસાદના કારણે પોતાના કામ ધંધા બંધ રાખતા જુનાગઢમાં ગઈકાલે રજાનો માહોલ હોય તેવું નજરે પડતું હતું. જો કે સાંજના સમયે વરસાદ રોકાતા લોકો ભવનાથ તરફ વરસાદી નજારો માણવા નીકળી ચૂક્યા પહોંચી ગયા હતા.

દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં આવેલા ઘોડા પુર અને.કોઝાવે ઉપર ચાલી રહેલા ધસમસતા પાણીના કારણ સ્ટેટ તથા જિલ્લાના 46 રાજમાર્ગો બંધ કરવામાં આવ્યા હતા. જેમાં સ્ટેટના 7 રસ્તાઓ ઉપર વધુ પાણી ભરાતા વાહન વ્યવહાર થપ થયો હતો અને વાહનચાલકો કલાકો સુધી સલવાયા હતા.

જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે એસટીના લગભગ 12 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા હતા. અને એસટી તંત્ર દ્વારા બિન જરૂરી પ્રવાસ ટાળવા પ્રવાસીઓને અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.

આ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુનાગઢમાં પડેલ ભારે વરસાદના કારણે દામોદર કુંડ, ભવનાથ તથા વિલિંગડન ડેમ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા તંત્રએ અપીલ પણ કરી છે, તે સાથે જૂનાગઢને પાણી પૂરા પાડતા ઓજત -2, વિલિંગડન ડેમ અને હસનાપુર ડેમ ઓવરફ્લો થયેલ હોય ત્યારે નીચાણવાળા વિસ્તારના ગામડાઓને સાવચેત કરવામાં આવ્યા હતા.

જુનાગઢ જિલ્લામાં અવિરત પડી રહેલા વરસાદના કારણે ગઈકાલે જિલ્લા કલેકટર દ્વારા સરકાર પાસેથી એનડીઆરએફની ટીમની માંગ કરવામાં પણ આવી હતી અને ગઈકાલે એક એનડીઆરએફની ટીમ જુનાગઢ પહોંચી છે અને આ ટીમને હાલમાં માંગરોળ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

જુનાગઢ જિલ્લામાં વરસાદી સીઝનની શરૂઆત સાથે દે ધનાધન ત્રીજા રાઉન્ડમાં ફરી એક વખત જળબંબાકાર કરી દેતા જુનાગઢ જિલ્લાના 9 તાલુકામાં સરેરાશ 100 કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે અત્યાર સુધીમાં જુનાગઢ જિલ્લામાં સરેરાશ 121 % વરસાદ થઈ ચૂક્યો હોવાનું ફ્લડ કંટ્રોલ દ્વારા જાણવા મળી રહ્યું છે.     દરમિયાન જુનાગઢ જિલ્લામાં આજે સવારના 6 વાગ્યા સુધીના તાલુકા વાઈઝ વરસાદના આંકડા જોઈએ તો, માણાવદરમાં 6 ઇંચ, વંથલીમાં 4 ઇંચ, જૂનાગઢમાં 6 ઇંચ, ભેસાણમાં 2 ઇંચ, વિસાવદરમાં અઢી ઇંચ, મેંદરડામાં 2 ઇંચ, કેશોદમાં 7 ઇંચ, માંગરોળમાં 14 અને માળિયામાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જૂનાગઢની સાથે સમગ્ર જિલ્લામાં જળબંબાકાર થઈ જવા પામ્યો છે અને જિલ્લાના 14 માંથી 12 ડેમો ઓવરફલો થઈ જતા નદીઓ ગાંડીતુર બની છે. બીજી બાજુ ભારે વરસાદના કારણે કોઝવે ઉપર ભારે પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી વાહન વ્યવહાર સ્થગિત થઈ જવા પામ્યો છે. અને અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, જિલ્લા કલેકટરની સીધી નીગરાની વચ્ચે તંત્ર દ્વારા અનેક બચાવ અને રાહત કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

સોરઠના 26 પૈકી  14 ડેમો છલકાયા

જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં પડેલ ભાર વરસાદ સાથે સોરઠના 26 પૈકી 14 ડેમના દરવાજા ગઈકાલે ખોલાયા હતા, તે સાથે નદી- નાળા, ચેકડેમ છલકાતા નીચાણ વાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદને લઈને સોરઠ પંથકના 14 ડેમના દરવાજા ખોલાયા છે, જેમાં હિરણ -2 ડેમના 5, દરવાજા, આંબાજળ ડેમનો 1, દરવાજો, ધાફડ ડેમના 2 દરવાજા, શિંગોડા ડેમના 2 દરવાજા, રાવલ ડેમના 2 દરવાજા, ઓઝત વીયર શાપુરના 10 દરવાજા, ઓઝત -2  ડેમના 2 દરવાજા, ઓજાત વીયર વંથલીના 12 દરવાજા, સાબલી ડેમના 3 દરવાજા, વ્રજમી ડેમના 2 દરવાજા, બાંટવા ખારો ડેમના 8 દરવાજા, અમીપુર ડેમના 3 દરવાજા, સારણ ડેમના 10 દરવાજા, અને રાણા ખીરસરા ડેમના 3 દરવાજા ગઈકાલે ખોલવામાં આવતા હતા. અને આ ડેમોના  હેઠાણ વાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 21 જળાશયોમાં નવા પાણી આવક ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.