Abtak Media Google News

વૈશાખે વરસ્યાં મેઘરાજા અનરાધાર

ભાડેર, કલાણા, છત્રાસા અને પાટણવાવ પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ: આજે પણ સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડશે: કાલથી વાતાવરણ ચોખ્ખુ થઇ જશે, ગરમીનું જોર વધશે

રાજ્યના 28 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ: રાજકોટ સહિતના શહેરોમાં આકરા તાપનો અનુભવ

ગુજરાતમાં મેઘરાજા વૈશાખ માસમાં અનરાધાર વરસી રહ્યા છે. ભર ઉનાળે જાણે ચોમાસુ બેસી ગયુ હોય તેમ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં જાણે આભ ફાટ્યુ હોય તેમ શુક્રવારે માત્ર 3 કલાકમાં સાંબેલાધારે ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળે ઓસમ ડુંગર પરથી પાણીના ધોધ વહ્યા હતા. ધોરાજી પંથકના તમામ ચેકડેમો છલકાય ગયા હતા. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 28 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ થઇ જશે અને ગરમીનું જોર વધશે. દરમિયાન ગઇકાલથી રાજકોટ સહિતના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે.

ધોરાજી પંથકમાં ગઇકાલે બપોર બાદ જાણે આભ ફાટ્યુ હોય તેમ ભાડેર, કલાણા, છત્રાસા અને પાટણવાવ પંથકમાં ત્રણ કલાકમાં સાંબેલાધારે ચાર ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. પંથકના તમામ ચેકડેમ છલકાય ગયા હતા. ઓસમ ડુંગર પરથી પાણીના ધોધ વહ્યા હતા. પગથીયા પર પાણી ખળખળ વહેવા લાગ્યા હતા.

ધોરાજી: ધોરાજીના પાટણવાવનાં સરપંચે જણાવ્યું હતું કે, કમોસમી ખાબકેલા વરસાદથી પાટણવાવમાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. પાટણવાવના ઓસમ ડુંગર ઉપર ચોમાસાની જેમ ધોધ વરસતા થયા હતા. આ કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી. ખેતીની જમીનો ધોવાઈ ગઈ છે લસણ ડુંગળી મગ અડદ તલ અને સૂકો ઘાસચારો દેવ ખેતરોમાં પડ્યું હોય એક પાણીમાં ગરકાવ થઈ ગયો છે બીજી તરફ ભાડેર ગામ છે ત્યાં પણ  વરસાદથી  નદીઓમાં પાણી આવેલ હતું અને ચેક ડેમો ઓવર ફલો થય ઞયા હતા જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જે અંદાજિત 4 થી 5 જેટલો વરસાદ પડેલ હોવાનું જાણવા મળ્યું હતું.  ભાડેર ગામે જોરદાર વરસાદ આવતા નદીઓમાં ઘોડાપુર આવ્યો હતો. ચેકડેમો ઓવરફ્લો થઇ ગયા હતા. લસણ, ડુંગળી, તલ, મગ, અળદ અને સુકો ઘાસચારો પલળી ગયેલ હતો.

Screenshot 4 5 ઉપલેટા: ઉપલેટા પંથકમાં ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે વધુ અઢી ઇંચ વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉનાળું પાક સંપૂર્ણ નાસ થવાના સંજોગો ઉભા થયા છે.  ગઇકાલે શહેરી તેમજ ગ્રામ્ય પંથકની ભાયાવદર, નાગવદર, ગધેથર, વરજાંગ જાળીયા, નિલાખા, ઢાંક સહિત ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે ઇંચ વરસાદ વરસતા કમોસમી વરસાદને કારણે ખેતીનો પાક નિષ્ફળ ગયો છે. જ્યારે ભાયાવદર પટ્ટીમાં ખાખીજાળીયા મોજીરા, ગઢાળા, સેવંત્રા, કંરાળા સહિત વિસ્તારમાં એક થી બે ઇંચ કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતો તોબા પોકારી ઉઠ્યા છે. ઉનાળુ પાક, તલ, માંડવી, મગ સહિતના પાકો સંપૂર્ણ નાસ થવાથી ખેડૂતોએ વળતર માટે સર્વે કરવા માંગ ઉઠાવી છે. વળતર આપવા માંગણી કરી છે.

Screenshot 3 9 જામનગર: જામનગર શહેરમાં ગઈકાલે બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો, અને ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.  સાંજે ગરમ વાતાવરણ પછી પવન ફૂંકાયો હતો, અને આકાશમાં કાળા ડીબાંગ વાદળોના આંટાફેરા જોવા મળ્યા હતા, બાદમાં રાત્રિના 9.30 વાગ્યે વરસાદ શરૂ થઈ ગયો હતો, જેને લઈને દોડધામ થઈ હતી. જામનગર શહેર ઉપરાંત આસપાસના આલિયાબાડા હાપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. જામનગર જિલ્લાના જામજોધપુર છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યા પછી તોફાની પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે. કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ જતા હોવાથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

નદીમાં પુર આવ્યા હતા, તેમજ અનેક ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાયા હતા. સત્તાપર આસપાસના સિદસર, ગોપ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા.આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 28 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ધોરાજી પંથકના ગામડાઓમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપલેટા પંથકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. આ ઉપરાંત ડાંગમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. સુબીર, વાગરા, કલ્યાણપુર, લાઠી, કુતિયાણા, વંથલી, જસદણ, અમરેલી, ચોટીલા, માણાવદર, જામનગર, હળવદ, ભાણવડ, જેતપુર, વડીયા, જૂનાગઢ, વલ્લભપુર, ધોરાજી, ભૂજ, છોટા ઉદેપુર, માળીયા, મોરબી, પડધરી અને વિંછીયા તાલુકામાં વરસાદ પડ્યો હતો. આજે પણ છુટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. કાલથી વાતાવરણ ક્લિયર થઇ જશે અને ગરમીનું જોર વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.