Abtak Media Google News

કાર્પેટ એરીયાને રાજય સરકાર દ્વારા બહાલી આપતા જ વેરા વળતર યોજના શરૂ કરતું કોર્પોરેશન: એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને વેરામાં ૧૦ ટકા રીબેટ: મહિલા કરદાતાને વિશેષ ૫ ટકા સાથે ૧૫ ટકા વળતર

મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારીને રાજય સરકાર દ્વારા બહાલી આપવામાં આવતાની સાથે જ આજથી મહાપાલિકા દ્વારા વેરા વળતર યોજનાનો આરંભ કરી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૮-૨૦૧૯નો એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને ટેકસમાં ૧૦ ટકાની રાહત આપવામાં આવે છે. જયારે મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં ૫ ટકાના વિશેષ વળતર સાથે ૧૫ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, મિલકત વેરામાં કાર્પેટ એરીયા આધારીત પઘ્ધતિને મંજુરી આપવા માટે મહાપાલિકા દ્વારા રાજય સરકાર સમક્ષ મોકલવામાં આવેલી દરખાસ્તને સરકાર દ્વારા બહાલી આપવામાં આવી છે. ગઈકાલે મંજુરીપત્ર મળતાની સાથે આજથી વેરા વળતર યોજના શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આગામી ૩૧મી મે સુધી વર્ષ ૨૦૧૮-૨૦૧૯નો એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને ટેકસમાં ૧૦ ટકા વળતર આપવામાં આવશે. જયારે મહિલા કરદાતાને વિશેષ પ ટકા વળતર સાથે ૧૫ ટકા વળતર અપાશે. જુન માસ દરમિયાન વળતરની ટકાવારી અનુક્રમે ૫ અને ૧૦ ટકા થઈ જશે. કાર્પેટ એરિયા સામે અનેક લોકોએ વાંધા અરજી રજુ કરી છે. વાંધા અરજી કરનાર કરદાતા જો ટેકસ રીબેટ દરમિયાન વેરો ભરપાઈ કરી દેશે અને વાંધા અરજીના નિકાલ દરમિયાન વેરામાં ઘટાડો થશે તો મહાપાલિકા દ્વારા આ રકમ તેઓને મજરે ક્રેડીટ આપવામાં આવશે.

મહાપાલિકાની તમામ વોર્ડ ઓફિસ ખાતે, સિવિક સેન્ટર ખાતે, ઝોન કચેરી ખાતે, પોસ્ટ ઓફિસ ખાતે હાલ વેરો સ્વિકારવામાં આવી રહ્યો છે. આગામી શુક્રવારથી એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકની શાખાઓમાં પણ વેરો સ્વિકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કાર્પેટ એરિયા આધારીત મિલકત વેરાની આકારણીમાં મહાપાલિકા દ્વારા સરકારી મિલકતો માટે રૂ.૭નો ભારાંક સુચવવામાં આવ્યો હતો. દરમિયાન શહેરી વિકાસ મંત્રાલયે આ ભારાંક ઘટાડીને રૂ.૨ કરી નાખ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઘટાડાને અમાન્ય ગણાવી અને મહાપાલિકાએ સુચવેલો રૂ.૭નો ભારાંક યથાવત રાખતા મહાપાલિકાની આવકમાં પણ વધારો નોંધાશે.

કોર્પોરેશનને રૂ.૬૮ કરોડની ગ્રાન્ટ ફાળવતું મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ

શિક્ષણ ઉપકર પેટે રૂ.૩૮ કરોડ અને સ્વર્ણિમની ગ્રાન્ટના રૂ.૨૯ કરોડ ફાળવાયા ગુજરાત સરકારના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા તાજેતરમાં રૂ.૬૮ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ફાયનાન્સ બોર્ડ દ્વારા શિક્ષણ ઉપકર પેટે આરએમસીને રૂ.૩૮ કરોડ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.૨૯ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ બદલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.