Abtak Media Google News

કોરોનાનાં વધતા જતા કેસનાં પગલે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બેડ વધારવાની કવાયત: કુલ ૩૧ ખાનગી હોસ્પિટલોમાં હવે ૧૩૫૦ બેડ ઉપલબ્ધ બનશે

શહેર અને જિલ્લામાં કોરોનાનાં વધતા જતા આતંકનાં પગલે હવે પુરતી સારવાર ઉપલબ્ધ બને તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં વધુમાં વધુ બેડ ઉપલબ્ધ બને તે માટે જિલ્લા વહિવટી તંત્ર સતત કમર કસી રહ્યું છે જેના પરિણામે શહેરની વધુ ૨૦ ખાનગી હોસ્પિટલોમાં ૧ હજાર બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

Advertisement

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનાં દર્દીઓનો રાફડો ફાટયો છે હજુ પણ કોરોના વિસ્ફોટ સર્જાય અને દર્દીઓ માટે પુરતા બેડ પણ ઉપલબ્ધ ન થાય તેવી દહેશત જોવા મળી રહી છે જેને પગલે તંત્ર હાઈએલર્ટ મોડ ઉપર કામ કરી રહ્યું છે. એક તરફ એવી વાતો પણ મળી રહી છે કે, હવે કોરોનાનાં કેસ ઉપર નિયંત્રણ આવશે પરંતુ તંત્ર આગોતરી તૈયારી હાથ ધરી રહ્યું છે જેમાં તંત્ર દ્વારા પ્રથમ તો પુરતા તબીબો અને બેડ ઉપલબ્ધ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ રાજકોટ શહેરમાં ૧૧ ખાનગી હોસ્પિટલોમાં ૩૫૦ જેટલા બેડની વ્યવસ્થા છે ત્યારે વધુ હોસ્પિટલો સાથે કલેકટર તંત્રની વાતચીત ફાઈનલ સ્ટેજ ઉપર પહોંચી છે.

આ ૨૦ ખાનગી હોસ્પિટલો અલગ જ બિલ્ડીંગમાં આઈસોલેશન વોર્ડ ઉભા કરશે અને તેમાં હજાર બેડની વ્યવસ્થા કરશે જેથી હવે ખાનગી હોસ્પિટલોમાં કુલ ૧૩૫૦ બેડની વ્યવસ્થા ગોઠવાશે.

રાજકોટમાં કુલ બેડની વિગતો જોઈએ તો સિવિલ હોસ્પિટલમાં હાલ ૫૧૨ બેડની વ્યવસ્થા છે. સમરસ હોસ્ટેલમાં ૯૦૦ બેડની વ્યવસ્થા છે. ગરૈયામાં ૮૦ બેડની તથા બેડીપરા પાસે આવેલા રૈન બસેરામાં ૧૦૦ બેડની વ્યવસ્થા છે. આ સાથે ૧૧ ખાનગી હોસ્પિટલોમાં ૩૫૦ અને નવી ૨૦ ખાનગી હોસ્પિટલોનાં ૧૦૦૦ બેડ છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ ૧૨૪ બેડની વ્યવસ્થા ગોઠવાઈ

અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ની સારવાર ઉપલબ્ધ ન હતી. ગ્રામ્ય વિસ્તારોનાં તમામ દર્દીઓને સારવાર માટે રાજકોટ લઈ આવવામાં આવતા હતા પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આઈસોલેશન વોર્ડ ઉભા કરવા જિલ્લા કલેકટર રેમ્યા મોહને કવાયત હાથધરી છે જેનાં પરિણામે ગોંડલ, જેતપુર અને ધોરાજીની ત્રણ ખાનગી હોસ્પિટલો આઈસોલેશન વોર્ડ ઉભો કરવા માટે તૈયાર થઈ છે જેમાં ગોંડલની ખાનગી હોસ્પિટલોમાં ૪૮ બેડ, જેતપુરની ખાનગી હોસ્પિટલમાં ૪૮ બેડ અને ધોરાજીની ખાનગી હોસ્પિટલમાં ૨૫ બેડની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

જિલ્લાનાં ૬૦ ખાનગી તબીબો જરૂર પડયે કોરોનાની સારવાર આપવા તૈયાર

જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, આઈ.એમ.એ, ફિઝીશીયન એસો. સહિતનાને મુખ્યમંત્રીએ અપીલ કરી હતી કે, જરૂર પડયે તેઓ કોરોનાની સારવાર માટે આગળ આવે. આ સંદર્ભે જિલ્લા કલેકટરે પણ તબીબો સાથે બેઠક યોજી હતી. વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે, રાજકોટ જિલ્લાનાં ૬૦ તબીબોનું લીસ્ટ તૈયાર છે જેમાંથી ૨૦ તબીબો હાલ કોરોનાની સારવારમાં સેવા આપી રહ્યા છે. આ તબીબોને જયાં જરૂર પડે ત્યાં કોરોનાની સારવાર માટે દોડાવવામાં આવશે. જરૂર પડયે તેઓને ૧૫ દિવસનાં અન્ય સ્થળ પર કેમ્પ પણ કરાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.