Abtak Media Google News

જૂનાગઢ શહેરના ત્રણ ડેમો ઓવરફ્લો, બે નદીમાં ઘોડાપૂર

ગત રાત્રિથી જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં 2 ઇંચથી લઇને 14 ઇંચ જેટલો ભારે વરસાદ વરસતાં વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ છે. ભારે વરસાદને પગલે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે આજે સવારે જિલ્‍લાના વિસાવદર પંથકમાં ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ વરસી ગયો છે, જેને પગલે પંથકનાં નદી-નાળાઓમાં વરસાદી પાણીના નવા નીર ધસમસતા વહેતા જોવા મળતા હતા.

ગિરનાર પર્વત પર અને જૂનાગઢ શહેરમાં પણ 6થી 10 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં મહાનગરની મધ્યમાંથી પસાર થતી સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાં છે અને નરસી મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્‍તારો-રસ્‍તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.

જૂનાગાઢ જિલ્‍લાના નવેય તાલુકામાં ગતરાત્રિથી અવિરત કયાંક ભારે તો કયાંક અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ ભારે વરસાદથી ખેડૂતોના મૂરઝાઇ રહેલા પાકને જીવતદાન સમાન હોવાથી જગતના તાતમાં હરખની હેલી પ્રસરી ગઇ હતી. જ્યારે રવિવારની રાત્રિથી સોમવારની બપોર સુધી જિલ્‍લાના નવેય તાલુકામાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ હતી.

ગિરનાર પર્વત પર 10 ઇંચ વરસાદ

ગત રાત્રથી જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસી રહ્યો છે. એમાં રાત્રિ દરમિયાન 2 ઇંચ, જ્યારે આજે સવારે 6થી બપોરે 12 વાગ્‍યા સુધી 6 કલાકમાં 4 ઇંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો, જ્યારે ગિરનાર પર્વત પર 10 ઇંચથી વઘુ વરસાદ વરસ્‍યો હોવાનું અનુમાન થઇ રહ્યુ છે. ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદના પાણીથી ડેમમાં આવક થતી હોવાને પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન, આણંદપુર અને હસ્‍નાપુર ત્રણેય ડેમ ઓવરફલો થઇ ગયા છે, જેથી શહેરની પીવાના પાણીની જરૂરિયાત મહદંશે પૂરી થઇ ગઇ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

શહેરની મધ્યમાંથી પસાર થતી બન્‍ને નદીઓમાં ઘોડાપૂર

ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી કોળવા અને સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાના ઊચાઈ પરથી લેવાયેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. એમાં કાળવા નદીનો આહ્લાદક નજારો જોવા મળ્યો હતો. જૂનાગઢવાસીઓના મતે કાળવા નદીમાં ભાગ્યે જ આટલું પાણી આવતું હોય છે. જ્યારે ગત રાત્રિથી ગિરનાર પર્વત અને શહેર પર પડી રહેલા ભારે વરસાદથી જૂનાગઢના અનેક વિસ્‍તારો-માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં, જેને લીઘે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.