Abtak Media Google News

રાજ્યની સુરક્ષા બનશે વધુ સઘન

ભરતી પ્રક્રિયાને પણ કોરોનાનું ગ્રહણ લાગી જતા હવે નવા વર્ષમાં પ્રક્રિયા હાથ ધરાશે: કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુધારવા સરકાર કમર કસશે

હવે રાજ્યની સુરક્ષા વધુ સઘન બનવાની છે. કારણ કે વર્ષ ૨૦૨૧માં ૧૩ હજાર જેટલા પોલીસ કર્મીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જો કે છેલ્લા ઘણા સમયથી ભરતી પ્રક્રિયાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું. બાદમાં હવે તમામ ભરતી વર્ષ ૨૦૨૧માં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

ગાંધીનગર ખાતે પોલીસ હાઉસીંગ, બોર્ડર સિક્યુરીટી, સિવીલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી  આબકારી, બિન નિવાસી ગુજરાતી પ્રભાગની સાંસદ  ધારાસભ્ય પરામર્શ સમિતિની મળેલી પરામર્શ સમિતિની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તમામ ધારાસભ્યઓના કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે કરાયેલા સૂચનોને આવકાર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા સારૂ, પોલીસ કર્મીઓનો વ્યાપ વધારવા અને પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે પણ અમારી સરકારે સઘન આયોજન કર્યું છે. છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં ૪૯,૦૦૦થી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી છે. અને આગામી વર્ષે વધુ ૧૩,૦૦૦ કર્મીઓની ભરતી કરાશે. પોલીસ કર્મીઓને આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ કરી તેના ઉપયોગ કરવા માટે તાલીમ સહિતની સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે, તેવું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે એ માટે પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ એક ટીમ તરીકે કામ કરી રહી છે ત્યારે મેનપાવર, સ્કીલ અપગ્રેડેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે. જાડેજાએ વધુમાં કહયું હતુ કે રાજ્યમાં કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. તેમાં ૨૪ કલાક તપાસ માટે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન થઇ રહ્યું છે. નિવૃત્ત પોલીસ અધિકારીને પેરવી ઓફિસર તરીકે નિમવાની જોગવાઇ કરાઇ છે. આ પ્રોજેક્ટ હેઠળ ઇન્વેસ્ટીગેશન માટે અલાયદો રૂમ, કોલ સેન્ટર, ઋઈંછ ડ્રાફ્ટીંગ માટે રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંકલનમાં રહી પોલીસ કર્મચારીઓને તાલીમની સુવિધા તથા ઋજકની સેવાઓને વધુ સંગીન રીતે લાભ લેવાશે.

આ બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા પોલીસ આવાસ, મહેકમ, નવા પોલીસ સ્ટેશનો, વાહનો, નાર્કોટીક્સના કાયદાની વધુ તીવ્રતાથી અમલવારી વ્યાજખોરોથી ગરીબ પરિવારોને બચાવવા અસામજિક તત્વોની હેરાનગતિ સંદર્ભે પોલીસની કામગીરીની વધુ સઘન બનાવવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા.આ પરામર્શ બેઠકમાં પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા સહિત ગૃહ વિભાગના અને એન.આર.જી. વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી.

નિવૃત કર્મચારીઓની પેરવી ઓફિસર તરીકે નિમણુંક કરાશે

રાજ્ય સરકારે નિવૃત પોલીસ કર્મચારીઓની પેરવી ઓફિસર તરીકે નિમણુંક કરવાનો તખ્તો ઘડ્યો છે. પોલીસ કર્મચારીઓ નિવૃત થાય ત્યાં સુધીમાં તેઓએ પોતાની કારકિર્દીમાં ઘણો અનુભવ મેળવ્યો હોય છે. આ અનુભવ નવા કર્મચારીઓને કામ આવે તે માટે પેરવી ઓફિસરોની નિમણુંક કરાશે અને આ ઓફિસરો નવા પોલીસ કર્મચારીઓને જરૂર પડ્યે માર્ગદર્શન પૂરું પાડશે.

મેનેજમેન્ટના ગુરૂ રૂપાણીએ કોસ્ટ કટિંગ કર્યું

મેનેજમેન્ટ ગુરૂ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની સુરક્ષાની સાથોસાથ વધુ નાણાં ન ખર્ચાય તે માટે કોસ્ટ કટીંગ પણ કર્યું છે. મોટાભાગની સરકારી ભરતીઓમાં શરૂઆતના તબક્કામાં ફિક્સ વેતન આપવામાં આવે છે. નવી ભરતી થનાર ૧૩ હજાર પોલીસ કર્મચારીઓને પણ ફિક્સ વેતન આપી મોટા પ્રમાણમાં કોસ્ટ કટિંગ કરવામાં આવનાર છે. આનાથી એક તીરે અનેક નિશાન સાધવામાં આવશે. એક તો સુરક્ષા વધુ સહન બનશે.બીજું કે પોલીસમાં જોડાઈને કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારોનું સ્વપ્ન સાકાર પણ થશે.

૭ વર્ષમાં ૪૯ હજાર પોલીસ કર્મચારીઓની ભરતી

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૭ વર્ષમાં ૪૯ હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરી છે. આ પૂર્વે પોલીસના મહેકમમાં સતત નોંધપાત્ર ઘટાડો જ રહેતો હતો. પરંતુ છેલ્લા ૭ વર્ષથી ભરતીની પ્રક્રિયા સારી થઈ હોવાથી મહેકમમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. ખાસ કરીને છેલ્લા ૨થી ૩ વર્ષમાં મોટી સંખ્યામાં ભરતી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.