Abtak Media Google News

જયેશ રાદડીયા, ડો.દર્શીતા શાહ, મુળુભાઇ બેરા, કિરીટસિંહ રાણા, જીતુભાઇ વાઘાણી, પ્રકાશ વરમોરા, પુરૂષોત્તમ સોલંકી, ડો.મહેન્દ્ર પાટલિયા, સંજય કોરડિયા, શંભુ પ્રસાદ ટુંડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, રાઘવજીભાઇ પટેલ, મહેશ કસવાલ અને ભગાભાઇ બારડના નામો ચર્ચામાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની જનતાએ 54 બેઠકોમાંથી 40 બેઠકો આપી ભાજપની જોલી છલકાવી દીધી છે. આગામી સોમવારે નવી સરકારની શપથવિધી યોજાવાની છે. નવા મંત્રી મંડળમાં સ્થાન મેળવવા માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપના પ્રતિક પરથી જીતેલા 14 નેતાઓને મજબૂત દાવેદારો માનવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રને 7 થી 8 મંત્રીઓ આપવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જે પૈકી બે મંત્રીઓને કેબિનેટનો દરજ્જો અપાશે. જ્યારે પાંચ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રીઓ બનાવવામાં આવે તેવી શક્યતા જણાય રહી છે.

2017માં વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં માત્ર 23 બેઠકો મળી હોવા છતા મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ સૌરાષ્ટ્રના હતા આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને પ્રચંડ જનાદેશ મળ્યો છે. મંત્રી મંડળમાં પણ હવે સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળશે. જેતપુર-જામ કંડોરણા બેઠક પરથી સતત જીતી રહેલા કદાવર ખેડૂત નેતા જયેશભાઇ રાદડીયાનો ફરી મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. વર્ષોથી ગુજરાત સરકારમાં મંત્રી મંડળમાં રાજકોટ શહેરને સ્થાન મળતું રહ્યું છે. આ વખતે પણ ભાજપ શહેરની ચારેય બેઠકો જીત્યું છે. સૌથી વધુ લીડ સાથે રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી ડો.દર્શિતાબેન શાહ વિજેતા બન્યા છે. રાજકોટ શહેરને મંત્રી પદ આપવામાં આવશે તો તેઓનું નામ હાલ સૌથી વધુ હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાંથી ડો.મહેન્દ્રભાઇ પાડલિયા અને કુંવરજીભાઇ બાવળીયાનું નામ પણ ચર્ચાય રહ્યું છે પણ તેઓને મંત્રી પદ મળવાની સંભાવના નહિવત છે.

આ ઉપરાંત નવી સરકારમાં કિરીટસિંહ રાણા, જીતુભાઇ વાઘાણી અને રાઘવજીભાઇ પટેલને ફરી મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે. આ ત્રણેય સિનિયર નેતાઓ પૈકી કોઇપણ બે ને કેબિનેટ મંત્રી ભાજપ બનાવી શકે છે. રાજ્ય સરકારમાં અગાઉ મંત્રી રહી ચૂકેલા મુળુભાઇ બેરા પણ નવી સરકારનો ચહેરો બની શકે છે. મોરબી જિલ્લામાંથી પ્રકાશભાઇ વરમોરાને મંત્રી પદની લોટરી લાગી શકે છે. ભાવનગર ગ્રામ્યમાંથી વિજેતા બનેલા કોળી સમાજના કદાવર નેતા પુરૂષોત્તમભાઇ સોલંકીનું મંત્રી મંડળમાં સ્થાન નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે. જો કોઇ કારણોસર તેઓને મંત્રી મંડળમાં ન લઇ શકાય તે તેમના ભાઇ હિરાભાઇ સોલંકીને મંત્રીપદ આપવામાં આવશે. તે નિશ્ર્ચિત છે. જૂનાગઢ શહેરને વર્ષોથી રાજ્ય સરકારમાં મંત્રીપદ મળ્યું નથી. આવામાં સંજયભાઇ કોરડીયાનું નામ પણ ચર્ચાય રહ્યું છે. બોટાદ જિલ્લાની ગઢડા બેઠક પરથી વિજેતા બનેલા શંભુપ્રસાદ ટુંડિયાને મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. અમરેલી જિલ્લાની સાવરકુંડલા બેઠક પરથી જીતેલા મહેશ કસવાલાને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવું લાગી રહ્યું છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ભળેલા અને તાલાલા વિધાનસભા બેઠક પરથી જીતેલા ભગાભાઇ બારડ પણ નવા મંત્રી મંડળનો ચહેરો બની શકે છે.

વિધાનસભાની કુલ બેઠકના 15 ટકા સુધી મંત્રી મંડળ બનાવી શકાય છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. મુખ્યમંત્રી સહિત કુલ 27 મંત્રીઓને સ્થાન આપી શકાય તેમ છે. આ વખતે ચારેય ઝોનમાંથી ભાજપને પ્રચંડ જનાદેશ મળ્યો છે. આવામાં તમામ ઝોનને ન્યાય આપવો પડશે. જો કે જે ધારાસભ્ય મંત્રી બનવા માટેની તમામ લાયકાતો ધરાવતા હોય છતાં કોઇ કારણોસર તેઓનો મંત્રી મંડળમાં સમાવેશ કરી શકાય તેમ ન હોય તેઓને સંસદીય સચિવ બનાવી દેવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

  • બન્ને તબકકામાં ભાજપને સમાન જનાદેશ 78-78 બેઠકો જીતી
  • પ્રથમ તબકકામાં કોંગ્રેસને પાંચ અને આપને પાંચ બેઠકો બીજા તબકકામાં કોંગ્રેસને 1ર જયારે આપને એક પણ બેઠક ન મળી

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બન્ને તબકકાના મતદાનમાં સત્તાધારી પાર્ટી ભાજપને સમાન જનાદેશ મળ્યો છે. પ્રથમ તબકકામાં 89 બેઠકોમાંથી ભાજપ 78 બેઠકો પર વિજેતા બન્યું છે. જયારે બીજા તબકકામાં પણ 93 બેઠકોમાંથી પણ 78 બેઠકો મળી છે. કોંગ્રેસનું પ્રદર્શન પ્રથમ તબકકા કરતાં બીજા તબકકામાં સારુ રહ્યું છે. જયારે આમ આદમી પાર્ટી પ્રથમ તબકકામાં ચમકી હતી.

પ્રથમ તબકકામાં ભાજપને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી 78 બેઠકો મળી છે જયારે કોંગ્રેસ વાસંદા, માણાવદર, સોમનાથ અને પોરબંદર સહિત કુલ પાંચ બેઠકો જીત્યું છે. આમ આદમી પાર્ટી ડેડીયા પાડા, જામજોધપુર, વિસાવદર, ગારિયાધાર અને બોટાદ બેઠક વિજેતા બન્યું છે. બીજા તબકકામાં મઘ્ય ગુજરાત અને ઉતર ગુજરાતની પ3 સહિત કુલ 89 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં ભાજપ 78 બેઠકો પર વિજેતા બન્યું હતું. બીજા તબકકામાં કોંગ્રેસનું પ્રદર્શન પ્રમાણમાં સારુ રહ્યું હતું અને લુણાવાડા, ખંભાત, આંકલાવ, જમાલપુર દાણીલીમડા, ખેડબ્રહ્મા, વિજાપુર, પાટણ, વાવ, દાંતા, વડગામ અને કાંકરેજમાં વિજેતા બન્યું છે. આપને બીજા તબકકામાં એક પણ સીટ મળી ન હતી.

  • રાજયના 33 પૈકી રર જિલ્લા કોંગ્રેસ મુકત
  • સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં કોંગ્રેસનું ખાતુ પણ ન ખુલ્યું: પોરબંદર જિલ્લો ભાજપ મુકત
  • કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી માત્ર ત્રણ બેઠકો મળી આમ આદમી પાર્ટી ચાર બેઠકો જીત્યું

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક હાર થવા પામી છે. પંજાને કયારેય કળ ન વળે તેવી કારમી હાર મળી છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ પૈકી આઠ જિલ્લાઓમાં તો કોંગ્રેસનું ખાતુ ખુલ્યુ નથી. આટલું જ નહી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી જેટલી બેઠકો પણ કોંગ્રેસ જીત્યુ નથી. જો કે પોરબંદર જિલ્લો ભાજપ મુકત બની ગયો છે.

સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ પૈકી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, બોટાદ, અમરેલી અને દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસને સમખાવા પુરતી એકપણ બેઠક મળી નથી. પોરબંદર જિલ્લાની પોરબંદર બેઠક પર કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડીયાએ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી બાબુભાઇ બોખીરીયાને હરાવ્યા છે જયારે ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ વિધાનસભા બેઠક પર વિમલભાઇ ચુડાસમાની જીત થવા પામી છે. આ ઉપરાંત જુનાગઢની માણાવદર બેઠક પર ભાજપના કદાવેર નેતા અને પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાને કોંગ્રેસના અરવિંદભાઇ લાડાણીએ પરાજય આપ્યો છે.

આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં ચાર બેઠકો મળી છે જેમાં જામનગરની જામજોધપુર બેઠક પર હેમંત ખવા, જુનાગઢની વિસાવદર બેઠક પર ભુપતભાઇ ભાયાણી, ભાવનગરના ગારીયાધાર બેઠક પરથી સુધીરભાઇ વાછાણી અને બોટાદ જિલ્લાની બોટાદ વિધાનસભામાં બેઠક પર ઉમેશભાઇ મકવાણા વિજેતા બન્યા છે.રાજયના 33 જિલ્લાઓ પૈકી રર જિલ્લાઓ સંપૂર્ણ પણે કોંગ્રેસ મુકત થઇ ગયા છે. 16 જિલ્લાઓમાં ભાજપે કિલન શીપ કરી છે.

  • કોંગ્રેસના 44 અને આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારો ડિપોઝીટ ડુલ
  • રાષ્ટ્રીય પાર્ટીનો દરજજો મળે તેટલો વોટશેર મળ્યો છતાં આપના માત્ર 43 ઉમેદવારો ડિપોઝીટ બચાવી શકયા

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં 182 બેઠકો  પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની રાજકિય પાર્ટીએ અને અપક્ષ સહિત કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ 156 બેઠકો જીત્યું છે. જયારે કોંગ્રેસના ફાળે માત્ર 17 બેઠકો આવી છે. આમ આદમી પાર્ટી પાંચ બેઠકો પર વિજેતા બન્યું છે. અને અન્યના ફાળે માત્ર 4 બેઠકો આવી છે. 128 બેઠકો પર આપના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ હતી જયારે 44 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો પણ પોતાની ડિપોઝીટ બચાવી શકયા ન હતા.

ભાજપે 182 બેઠકો પર 182 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જયારે કોંગ્રેસે એનસીપી સાથે ગઠનબંધન કર્યુ હતું અને એનસીપીના ભાગે ત્રણ બેઠકો આવી હતી. રાજયની 179 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ચુંટણી લડતા હતા. જે પૈકી માત્ર 17 ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા છે. જયારે 162 ઉમેદવારોને જનતાનો જાકારો મળ્યો છે. કોંગ્રેસના 44 ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ બચાવી શકયા ન હતા. આમ આદમી પાર્ટીએ 181 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા છતાં પ્રથમવાર ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી લડી રહેલી આપને ગુજરાતમાં ચોકકસ 12.92 ટકા વોટ શેર મળ્યો છે અને પ્રાદેશિક રાજકીય પાર્ટીમાંથી રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે સક્ષમ બની ગઇ છે. જો કે આપના 128 ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં નિષ્ફળ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.