Abtak Media Google News

TMCનો પ્રવકતા ટ્વીટરમાં ફસાયો

મેટ્રોપોલિટન કોર્ટે જામીન આપ્યાની ગણતરીની કલાકોમાં ફરીવાર ધરપકડ કરાઈ

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાંથી ટીએમસીના પ્રવકતા સાકેત ગોખલેને જામીન મેળવ્યાની ગણતરીની કલાકોમાં  ગુજરાત પોલીસે ગુરુવારે ફરીવાર ધરપકડ કરી છે. કથિતરીતે સમાચારરૂપી ’અર્ધસત્ય’ ટ્વિટ કરવાના ગુન્હામાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ટ્વીટમાં  કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબીની મુલાકાત પર રૂ. 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 30 ઓક્ટોબરે એક સસ્પેન્શન બ્રિજ ધરાશાયી થયા બાદ 135 લોકોના મોત થયા હતા. અગાઉ વડાપ્રધાનની મોરબી મુલાકાત બદલ રૂ. 5.30 કરોડના તાયફા બદલ સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ 1 ડિસેમ્બરે બીજેપી કાર્યકર અમિત કોઠારીની ફરિયાદ પર કાર્યવાહી કરતા અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ પોલીસે મંગળવારે જયપુરથી ગોખલેની ધરપકડ કર્યા બાદ આઈપીસી કલમ 469, 471, 501 અને 505-બી (વર્ગો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુર્ભાવના પેદા કરવા અથવા તેને પ્રોત્સાહન આપતા નિવેદનો) હેઠળ ગુન્હો નોંધ્યો હતો.  ગુરુવારે મોરબી પોલીસે ગોખલે પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ ગુનો દાખલ કર્યા પછી હાલમાં જ પૂર્ણ થયેલી ચૂંટણી પર પ્રતિકૂળ અસર કરવા માટે વર્ગો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.  તાજેતરની એફઆઈઆર મોરબીમાં ડીએ ઝાલા નામના ચૂંટણી અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી હતી.

અગાઉની ફરિયાદમાં કોઠારીએ જણાવ્યું હતું કે તેણે ગોખલેનું ટ્વીટ જોયું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, આરટીઆઈ દર્શાવે છે કે થોડા કલાકો માટે મોદીની મોરબીની મુલાકાતનો ખર્ચ રૂ. 30 કરોડ થયો હતો.  તેમાંથી રૂ. 5.4 કરોડ કેવલ ‘વેલકમ ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી’ માટે હતા. મૃત્યુ પામેલા 135 પીડિતોને 4 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા એટલે કે રૂપિયા 5 કરોડ સહાય તરીકે ચુકવવામાં આવી હતી.  માત્ર મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરની કિંમત 135 લોકોના જીવન કરતાં પણ વધુ છે.

કોઠારીએ જણાવ્યું હતું કે, દક્ષ પટેલ નામના અન્ય વ્યક્તિએ પણ એક સમાચાર ક્લિપિંગ પોસ્ટ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે 1 નવેમ્બરના રોજ મોદીની મોરબી મુલાકાત પર રૂ. 3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ ટ્વીટ મામલે જણાવ્યું હતું કે દક્ષ પટેલ ફરાર છે અથવા કોઈએ પ્રોક્સી ટ્વિટર એકાઉન્ટ બનાવવા માટે નામનો ઉપયોગ કર્યો છે. કોઠારીએ કહ્યું કે તેમણે એક ગુજરાતી અખબાર સાથે ચકાસણી કરી અને જાણવા મળ્યું કે આવા કોઈ સમાચાર પ્રકાશિત થયા નથી. તેમણે એમ પણ કહ્યું કે તેમણે જિલ્લા કલેક્ટર કચેરીમાં તપાસ કરી અને જાણવા મળ્યું કે આવી કોઈ આરટીઆઈ અરજી પણ દાખલ કરવામાં આવી નથી.

અગાઉ ગુરુવારે ગોખલેને તેની બે દિવસની કસ્ટડીમાં પૂછપરછના સમયગાળાને અંતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.  તેમના વકીલે એવી રજૂઆત કરીને નિયમિત જામીન માંગ્યા હતા કે ગોખલે કાર્ડિયાક પેશન્ટ હતા અને ગયા વર્ષે તેમની સર્જરી થઈ હતી. તેમણે એવી પણ દલીલ કરી હતી કે એફઆઈઆરમાં દર્શાવવામાં આવેલી કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારનો ગુનો જાહેર થયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.