Abtak Media Google News
  • સૌ પ્રથમ વખત અમદાવાદમાં એક્સચેન્જ મેળો યોજાશે, રાજકોટ બેઠકના પોસ્ટલ બેલેટના અમુક ફોર્મ ત્યાં મોકલી દેવાશે

રાજકોટ બેઠકમાં ચૂંટણી ફરજ બજાવતા 15388 સરકારી કર્મીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. સૌ પ્રથમ વખત અમદાવાદમાં એક્સચેન્જ મેળો યોજાશે, રાજકોટ બેઠકના પોસ્ટલ બેલેટના અમુક ફોર્મ ત્યાં મોકલી દેવાશે.

રાજકોટ લોકસભા બેઠકમાં ફરજ બજાવતા 15388 સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. જેના માટે તેઓએ ફોર્મ નંબર 12 ભર્યા છે. પોસ્ટલ બેલેટથી મતદાન માટે સૌપ્રથમ વાર આવતીકાલે અમદાવાદમાં એક્સચેન્જ મેળો યોજાનાર છે. 10 – રાજકોટ લોકસભા બેઠક હેઠળ આવતી 66થી 72 વિધાનસભા બેઠકના 8242 કર્મચારીઓના ફોર્મ રાજકોટ જ રહેશે. જ્યારે રાજકોટથી અમદાવાદ એક્સચેન્જ મેળામાં 7146 ફોર્મ મોકલવામાં આવશે.

બેલેટ પેપરથી મતદાન માટે સૌ પ્રથમ વખત અમદાવાદમાં એક્સચેન્જ મેળો યોજાઈ રહ્યો છે જેમાં રાજકોટના અધિકારી મંડોત યાદી લઈને જશે અને અમદાવાદ ખાતેથી એક્સચેન્જ મેળામાં અન્ય જિલ્લાના કર્મચારી રાજકોટ ફરજ બજાવતા હોય તેવા ફોર્મ લઈને આવશે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો ભાગ લઈ શકે તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હાલમાં હજારો-લાખો કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ ચૂંટણી ફરજ માટે તૈનાત છે. આ સિવાય સરહદ પર સેનાના જવાનો તૈનાત હોય છે. આવી સ્થિતિમાં આ લોકો પોતાની ફરજ છોડીને ચૂંટણીમાં મતદાન કરવા ઘરે જઈ શકતા નથી. આવા કર્મચારીઓ અને સૈનિકો માટે ચૂંટણી પંચ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાવે છે. ચૂંટણી પંચ અગાઉથી નક્કી કરે છે કે, કેટલા લોકોને પોસ્ટલ બેલેટ આપવાના છે. ત્યારબાદ કાગળ પર છપાયેલા ખાસ બેલેટ પેપર આ લોકોને મોકલવામાં આવે છે. બેલેટ પેપર પ્રાપ્ત કર્યા પછી કાર્યકર તેના મનપસંદ ઉમેદવારને પસંદ કરે છે અને આ બેલેટ પેપર પોસ્ટ દ્વારા ચૂંટણી પંચને પરત કરે છે.

ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ અધિકૃત મીડિયા કર્મચારીઓ તેઓ જ્યાં પોતાનો મત વિસ્તાર હશે તે સ્થળે પોસ્ટલ બેલેટ દ્વારા તેમનો મત આપી શકશે. જોકે, આ હેઠળ, ફક્ત તે જ મીડિયા કર્મચારીઓ મતદાન કરી શકશે જેમના મીડિયા કવરેજ પાસ ચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યા હશે.જ્યારે મીડિયા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે તેની સાથે જ ચૂંટણી પંચ દ્વારા કર્મચારીઓની આવશ્યક સેવાની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.