Abtak Media Google News

પ્રવાસન વિકાસને નવી ઊંચાઈ મળી : આમદાની વધી

આજથી સવા બે વર્ષ પહેલા જુનાગઢના ગરવા ગિરનાર પર ઉડન ખટોલા રોપવેનો પ્રારંભ થવાની સાથે જ ઉડન ખટોલા લોકોનું આકર્ષણનો કેન્દ્ર બન્યું છે. અને છેલ્લા સવા બે વર્ષમાં 16.39 લાખ લોકોએ ઉડાન ખટોલાની રોમાંચક સફર કરી છે તે સાથે જુનાગઢ જિલ્લાના પ્રવાસન વિકાસને નવી ઊંચાઈ મળી પણ રહી છે

ગિરનાર રોપ વેનો 15 ઓક્ટોબર 2020 નો રોજ પ્રારંભ થયો હતો, અને એશિયાના સૌથી લાંબા અને ઊંચાઈ ધરાવતો ગિરનાર રોપ વે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે, રોપ વેના માધ્યમથી રોપ વેનો રોમાંચ તો પ્રવાસીઓ ચિચિયારીઓ સાથે માણે જ છે, તેની સાથે ગરવા ગિરનારના અફાટ અને અદભુત સૌંદર્ય માણવાનો પ્રવાસીઓ મોજથી લાહવો લઈ રહ્યા છે. આ ઉપરાંત અંબાજી સુધી પહોંચતા વચ્ચે આવતી ગરવા ગિરનારની મહાકાય શીલાઓ, ગિરનારની ઉંચી નીચી ગીરીકંદરાઓ, ગિરનાર પરના મંદિરો, , દરિયા કિનારાથી હજારો મીટરની ઊંચાઈથી જુનાગઢ શહેરનો નજારો જોવા એ પણ એક યાદગાર અનુભૂતિ બની રહે છે.

આમેય ગિરનાર એ કરોડો લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે, અહીં ગિરનાર પર બિરાજતા દેવી-દેવતાઓ યોગીઓ જોગીઓના હજારો ભાવિકો વર્ષે દાડે દર્શન કરવા આવે છે તો દેશ વિદેશમાંથી એશિયાના સૌથી ઊંચા એવા ગિરનાર પર્વતને જોવા જાણવા અને માણવા પ્રવાસીઓ અવિરતક ગિરનારના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આસ્થાભેર આવતા શ્રદ્ધાળુઓને થતી આધ્યાત્મિક સાથે ભાવનાત્મક અનુભૂતિ અને રોપવે નો રોમાંચક પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. તો અશક્ત અને નાના બાળકો સાડા પાંચ હજારથી વધુ પગથિયા ચડી ગિરનારની ટોચ ઉપર જવા માટે અશક્ત હોય છે.

તે હવે રોપવેના માધ્યમથી ગિરનારની ટોચ ઉપર પહોંચી રહ્યા છે. ત્યારે વર્ષોથી ગિરનારને જોવા, જાણવા અને માણવાનું સપનું સેવતા અનેક લોકો રોપવેના કારણે ગિરનાર ઉપર જઈ રહ્યા છે, અને ગિરનારને માણી રહ્યા છે. અને ગિરનારનો સૌંદર્ય પ્રવાસીઓના માનસપાટ પર કાયમ માટે અંકિત થઈ રહ્યો છે.

જો રોપાવેની સફર કરી ચૂકેલા પ્રવાસીઓની વાત કરીએ તો, ઓક્ટોબરથી માર્ચ 2021 સુધીમાં 3.57 લાખ, વર્ષ 2020/21 માં 7.31 લાખ અને વર્ષ 2021-2022 માં 5.50 લાખ લોકોએ રોપ વેના માધ્યમથી ગિરનારી સફર ખેડી હતી. આમ ગત ડિસેમ્બર-2022 ના અંત સુધીમાં કુલ 16,39,780 લોકોએ ઉડન ખટોલાની રોમાંચક સફર ખેડી હતી.

આમાં જુનાગઢ ગિરનાર ઉપર રોકે શરૂ થતા માત્ર સવા બે વર્ષમાં જ 16.39 લાખ પ્રવાસીઓએ ગિરનારની ઉડાન ખટોલાની સફર માણી છે જેના કારણે જૂનાગઢના પ્રવાસન વિકાસને નવી ઊંચાઈ મળી છે તો ગિરનારના રોપવેની સફર કરવા આવતા યાત્રિકો પ્રવાસીઓના કારણે જૂનાગઢની આમદાની પણ વધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.