વિજ્ઞાનમાં 2.37 લાખ અને ગણિતમાં 1.97 લાખ વિધાર્થીઓની વિકેટ પડી!!

સામાજિક વિજ્ઞાને 97 હાજર અને અંગ્રેજી દ્વિતીય ભાષાએ 95 હજાર વિધાર્થીઓનું પરિણામ બગાડ્યું:

ગુજરાત એજ્યુકેશન બોર્ડે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે 64.62 ટકા પરિણામ આવ્યું છે. પણ વિષયદીઠ પર્ફોમન્સની વાત કરવામાં આવે તો ગણિત અને ગુજરાતીમાં ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. માતૃભાષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 97 હજારને પાસ થઈ ચૂકી છે.

ધોરણ 10 માં વિજ્ઞાન ની વાત કરવામાં આવે તો કુલ 7,41,411 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં નોંધાયેલા હતા જેમાંથી 7,34,896 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 4,97,675 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. નપાસ ની સંખ્યાની વાત કરવામાં આવે તો 2,37,221 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પરીક્ષામાં નપાસ થયા હતા. આ ઉપરાંત સંસ્કૃત ભાષામાં પણ 34,183 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનમાં પણ 97227 જેટલા વિદ્યાર્થીઓ નપાસ થયા છે અને અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજમાં 95,544 જેટલા વિદ્યાર્થીઓ નું પરિણામ નેગેટિવ આવ્યું છે.

ગણિત વિષયની વાત કરવામાં આવે તો ગણિત બેઝિક માં કુલ 6,62,491 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 6,56,028 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ફક્ત 4,62,404 વિદ્યાર્થીઓ જ ગણિત બેઝિક વિષયમાં સફળ થયા છે. જ્યારે 1,93,624 જેટલા વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં ગૂંચવાયા હતા. પરિણામ નપાસનું સામે આવ્યું છે. જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતની વાત કરવામાં આવે તો સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં 3,930 જેટલા વિદ્યાર્થીઓ નપાસ થયા છે.

ગુજરાત સરકાર એક તરફ તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરી રહી છે. વિધાનસભામાં પણ ફરજિયાત ગુજરાતી ભાષા ભણવા માટેનું બિલ પણ રજૂ કર્યું છે. ધોરણ 10 નું બોર્ડનું પરિણામ જાહેર થતાં ગુજરાતીમાં જ 97,586 જેટલા વિદ્યાર્થીઓ નપાસ થયા છે. ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ દ્વારા અપાયેલ વિગતો મુજબ ગુજરાતી ભાષામાં કુલ 6,31,526 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 6,25,290 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 5,29,004 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 97,586 જેટલા વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં જ નપાસ થયા છે.