Abtak Media Google News

સોમવારે રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા અને ભરૂચમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

ગુજરાતના વાતાવરણમાં આજથી ફરી પલ્ટો આવ્યો છે. આજથી ગરમીનું જોર ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. દરમિયાન આગામી સોમવાર અને મંગળવારે સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આજથી વાતાવરણમાં ફરી પરિવર્તન આવશે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે. દરમિયાન સાંજના સમયે સૌરાષ્ટ્રભરમાં 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એકાદ સપ્તાહ ગરમીમાં રાહત રહેશે. દરમિયાન આગામી સોમવાર અને મંગળવારે ફરી માવઠુ પડશે. સોમવારે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, ભરૂચ, આણંદ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન મંગળવારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, વડોદરા, ભરૂચ અને આણંદમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. ગઇકાલે સાબરકાંઠાના તાલોદમાં વરસાદનું જોરદાર ઝાપટું પડ્યુ હતું.

દરમિયાન ગુરૂવારે અમદાવાદ 43.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરનું તાપમાન 40.8 ડિગ્રી, રાજકોટનું તાપમાન 40.7 ડિગ્રી, અમરેલી અને ભાવનગરનું તાપમાન 40 ડિગ્રી, ડિસાનું તાપમાન 40 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 42 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.