Abtak Media Google News

એસોસિએશન દ્વારા માસ્ક અને સેનેટાઇઝરનું વિનામૂલ્યે વિતરણ: કામ મળતા શ્રમિકોએ વતન જવા નનૈયો ભણ્યો

રાજકોટ જિલ્લામાં ધોરાજી પ્લાસ્ટિકના રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝનું હબ ગણાય છે. પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ તેમજ પ્લાસ્ટીક રોમટીરીયલ બનાવતા અંદાજે ૩૫૦ એકમો ધોરાજીમાં આવેલા છે. જેમાં અંદાજે૮ થી ૧૦ હજાર લોકોને રોજગારી મળતી રહે છે. કોરોના લોકડાઉનને લીધે આ કારખાનાઓ બંધ હતા જેને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લઘુ ઉદ્યોગોના શરૂ કરવાની મંજૂરી આપતા ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના બહારના રાજ્યના લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ સાથે સ્થાનિક શ્રમિકો સહિત કુલ દસ હજાર લોકોને રોજગારી મળતી થઇ છે.

રાજકોટ જિલ્લા કલેકટર તેમજ ધોરાજી પ્રાંત અધિકારી સહિતના સંબંધિત જિલ્લા તંત્રના અધિકારીઓ અને ધોરાજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ કારખાનેદારના એસોસિએશનના પદાધિકારીઓ સાથે સંકલન અને મજૂરોને રાખવાની થતી તકેદારી જેવી કે સોશિયલ ડીસ્ટન્સ, સેનેટાઇઝેશનની સમજણ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત થતા આ કારખાનાઓ શરૂ થઈ ગયા છે.

ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાના બંધ થતાં પરપ્રાંતીય શ્રમિકો વતન જવા માંગતા હતા. પરંતુ હવે જે મજૂરો ધોરાજીમાં છે તે તેમના વતન કામકાજ મળતા જવા માગતા નથી. બિહારના પટનાના કિશોરકુમાર નામના શ્રમિકે પ્રતિભાવ આપ્યો હતો કે, અમને રોજીરોટી મળતા હવે કોઈ પ્રશ્ન નથી. હવે અમે વતન જવા નથી માંગતા નહીં. અહીંજ કામ કરીશું અને સરકારના નિયમોનું પાલન કરીને કોરોના અંગે જરૂરી તકેદારી રાખીશું.

એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડિયાએ જણાવ્યું હતું કે એસોસિએશન દ્વારા યુનિટોમાં શ્રમિકો માટે વિનામૂલ્યે માસ્ક, સેનેટાઇઝેશન અને જરૂર મુજબના થર્મોમીટર આપવામાં આવ્યા છે. ધોરાજીમાં આ પ્રકારની મંજૂરી જરૂરી તકેદારી રાખવાની બાબતો સાથે મળતા તેઓએ રાજ્ય સરકારને જિલ્લા તંત્રનો આભાર માન્યો હતો.

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા વિવિધ આત્મનિર્ભર સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. તેને પણ ધોરાજીના લઘુઉદ્યોગોએ આવકાર્યા છે. નાના વેપારીઓને હાલની પરિસ્થિતિમાં આ પ્રકારના પેકેજથી ફાયદો થશે અને તેમની પ્રગતિ આગળ વધશે તે અંગે આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.