લૂંટનો ભેદ ઉકેલનાર ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-2 ટીમને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે એક લાખનું ઇનામ જાહેર કર્યું

આધાર-પૂરાવા વિના એકાદ લાખથી વધુ ગુજરાતમાં વસવાટ કરતા નેપાળીઓથી સાવધાન રહેવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો અનુરોધ

બે માસ પહેલાં લૂંટ અને ચોરીના પ્લાન સાથે સુશીલા તેનો પ્રેમી પવન રાજકોટ આવ્યા’તા: બેંગ્લોરથી ખરીદ કરેલી ઉંઘની દવા અસીમ અને ઉર્વશીબેનને દુધમાં મીલાવી પીવડાવ્યા બાદ લૂંટને અંજામ આપ્યાની કબૂલાત

ઇન્દિરા સર્કલ પાસે આવેલા કોહિનૂર એપાર્ટમેન્ટમાં લોહાણા પરિવારને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતી નેપાળી મહિલા અને તેના પ્રેમીએ ગત તા.05 જૂને ચલાવેલી લૂંટના બનાવનો ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-2ની ટીમે માત્ર 36 કલાકમાં ભેદ ઉકેલી લૂંટના ગુનામાં સંડોવાયેલી નેપાળી મહિલા સહિત ત્રણને જૂનાગઢથી ઝડપી લેવામાં મળેલી સફળતા બદલ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-2ની પીઠ થાબડી એક લાખનો ઇનામ આપવાનું જાહેર કર્યું છે. લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણેય પાસેથી પોલીસે રૂ.21 લાખનો મુદ્ામાલ કબ્જે કરી રિમાંડ પર લેવા તજવીજ હાથધરી છે. કોહિનૂર એપાર્ટમેન્ટમાં રહેતા ઉર્વશીબેન રાજેન્દ્રભાઇ અનડકટ અને તેમના પૌત્ર અસીમ ગત તા.05 જૂને પોતાના ઘેર હતા ત્યારે ઘર કામ કરવા આવતી સુશીલા ઉર્ફે રમા ઉર્ફે મીના નરેન્દ્ર શાહી નામની યુવતીએ ઘેનની દવા પીવડાવી બંનેને બંધક બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ઉર્વશીબેન જાગી જતા તેમને ધસડીને માર માર્યો હતો અને તિજોરીમાંથી રોકડ અને સોનાના ઘરેણાં મળી રૂ.15.25 લાખની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ધોળા દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઇ, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પોલીસની જુદી-જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નેપાળી યુગલ કોહિનૂર એપાર્ટમેન્ટમાં લૂંટ ચલાવી રિક્ષામાં વૈશાલીનગર શેરી નં.10માં ગયા હતા ત્યાં કપડા બદલી બીજી રિક્ષામાં ગોંડલ ચોકડીએ ગયા હોવાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. પોલીસની બીજી ટીમે મોબાઇલ લોકેશનના આધારે નેપાળી યુગલ જૂનાગઢ દર્શન કરી સોમનાથ ગયા હતા. ત્યાંથી પરત જૂનાગઢ હોટેલમાં રોકાયાનો લોકેશન મળતા ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી. જાડેજા, પી.આઇ. બી.ટી.ગોહિલ, પી.એસ.આઇ. એ.એન.પરમાર, એમ.જે.હૂણ, એન.ડી.ડામોર, આર.એચ.ઝાલા સહિતના સ્ટાફે જૂનાગઢની હોટેલમાંથી સુશીલા ઉર્ફે રમા નરેન્દ્ર શાહી, તેનો પ્રેમી પવનપ્રકાશ પદમ શાહી અને નેત્રમ પદમ શાહીની ધરપકડ કરી તેની પાસેથી સોનાના ઘરેણા અને રોકડ અને મોબાઇલ મળી રૂ.21 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.

માતબાર રકમની થયેલી લૂંટનો બનાવનો ભેદ માત્ર 36 કલાકમાં પોલીસે ઉકેલી પૂરેપૂરો મુદ્ામાલ કબ્જે કરવા બદલ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-2ની ટીમને અભિનંદન પાઠવી રૂ.1 લાખનું ઇનામ આપવાનું જાહેર કર્યું છે. ગુજરાતમાં એકાદ લાખથી વધુ નેપાળીઓ કામ ધંધા અર્થે વસવાટ કરે છે. તેમાંથી મોટાભાગના નેપાળી પાસે કોઇ આધાર-પૂરાવાઓ ન હોવાના કારણે તેઓથી સાવધાન રહેવા પોલીસ કમિશનરે અનુરોધ કરી જૂનાગઢથી ઝડપાયેલા નેપાળી મહિલા સહિત ત્રણેય પાસે કોઇ આધાર-પૂરાવો ન હતો. તેમ છતાં તેઓને જૂનાગઢની હોટેલમાં આશરો મળ્યો હતો તેમજ વૈશાલીનગર-10માં મંગાભાઇ ખેંગરભાઇ બોળીયાએ પોતાનું મકાન ભાડે આપ્યું હોવાનું સામે આવ્યાનું જણાવ્યું છે. નેપાળી શખ્સો અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલા હતા કે કેમ તે અંગે તપાસ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

નેત્ર શાહીની માનસિક રોગની આઠ ટેબ્લેટ માતા અને પુત્રને ખવડાવી દીધી

કોહિનૂર એપાર્ટમેન્ટમાં લૂંટના ઇરાદે ઘરકામે રહેલી સુશીલાએ ઉર્વશીબેન અને તેના પુત્ર અસીમને માનસિક રોગની આઠ ટેબ્લેટ દૂધમાં ખવડાવી દીધી હતી તેમ છતાં ઉર્વશીબેનને ઘેન ચડ્યું ન હતું. સુશીલાની સાથે રહેતો નેત્ર શાહીને માનસિક રોગ હોવાથી તેને બેંગ્લોરથી ખરીદ કરેલી ઉંઘની ગોળી સુશીલાને આપી હતી અને તેણીએ માતા-પુત્રને દૂધમાં માનસિક રોગની દવા ખવડાવી બેભાન બનાવી લૂંટને અંજામ આપ્યા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

મોટી ચોરી કરવાના ઇરાદે નેપાળી પ્રેમી યુગલ ભારત આવ્યું‘તુ

નેપાળના રાકમ દૈલીક જિલ્લાના સુશીલા ઉર્ફે રમા ઉર્ફે મીના નરેન્દ્ર શાહી અને તેના જ ગામના પવનપ્રકાશ પદમ શાહી વચ્ચે એકાદ વર્ષથી પ્રેમ સંબંધ પાગર્યો હતો. તેઓ ભારતમાં મોટી ચોરી અથવા લૂંટને અંજામ આપી પરત નેપાળ ભાગી જવાના પ્લાન સાથે આવ્યા હતા. પ્રથમ બેંગ્લોર અને ત્યારબાદ રાજકોટ આવી વૈશાલીનગરમાં મકાન ભાડે રાખી કોહિનૂર એપાર્ટમેન્ટના ચોકીદાર પણ નેપાળી હોવાથી તેની ઓળખાણથી ઉર્વશીબેન અનડકટના મકાનમાં ઘરકામ માટે સુશીલા રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.