Abtak Media Google News

નીતિ આયોગે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2013-14થી 2022-23 સુધીના નવ વર્ષમાં 24.82 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. નીતિ આયોગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ગરીબીમાં સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો હતો.

લોકોની જીવનશૈલી, સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે ધરખમ સુધારો આવશે

ગરીબી કેવી રીતે ઘટી એ જાણવા આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણમાં સુધારાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ભારતમાં ગરીબી 2013-14માં 29.17 ટકા હતી જે 2022-23માં ઘટીને 11.28 ટકા જેટલી થઈ હતી ત્યારે આ સમયગાળા દરમિયાન લગભગ 24.82 કરોડ લોકો ગરીબીરેખામાંથી બહાર નીકળી ગયા હતા. નીતિ આયોગ દ્વારા આ રિપોર્ટ પ્રોફેસર રમેશ ચંદ દ્વારા કમિશનના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમની હાજરીમાં જાહેર કરવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં છેલ્લા નવ વર્ષમાં 5.94 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ત્યાર બાદ બિહારમાં 3.77 કરોડ, મધ્યપ્રદેશમાં 2.30 કરોડ અને રાજસ્થાનમાં 1.87 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. રિપોર્ટમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2005-06 થી 2015-16ના સમયગાળાની તુલનામાં 2015-16 થી 2019-21 વચ્ચે ગરીબીના ગુણોત્તરમાં ઘટાડાનો દર ઘણો ઝડપી રહ્યો હતો.નીતિ આયોગના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય ગરીબી આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણમાં ફેરફારના આધારે માપવામાં આવે છે. જેમાં કુલ 12 જેટલી બાબતો પર ધાયેન આપવામાં આવે છે. જેમાં પોષણ, બાળ અને કિશોર મૃત્યુદર, માતાનું સ્વાસ્થ્ય, શાળામાં ભણવાના વર્ષો, શાળામાં હાજરી, રસોઈનું ઇંધણ, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, આવાસ, સંપત્તિ અને બેંક ખાતાઓનો જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. અને આ તમામ બાબતોના ઉપયોગ દ્વારા વ્યક્તિની ગરીબી વિશેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.