Abtak Media Google News

સરકાર નેશનલ રીક્રુટમેન્ટ એજન્સીની સ્થાપના કરી દેશમાં ૧ હજાર પ્રશિક્ષણ કેન્દ્રો સ્થાપિત કરશે

હાલ દેશમાં ઘણા નવયુવાનો નોકરી માટે વલખા મારી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સરકાર નેશનલ રીક્રુટમેન્ટ એજન્સીની સ્થાપના કરી હાલ ઉદભવિત થયેલી અઢી કરોડ નોકરી વાંચ્છુકોને સરકારી નોકરી આપશે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ એજન્સી ગ્રુપ-બી અને ગ્રુપ-સીની તમામ નોનટેકનિકલ પોસ્ટ માટે ઉમેદવારોનું સ્ક્રીનીંગ કરવા માટે એલીજીબીલીટી ટેસ્ટ લેશે. સેટ પરીક્ષા આપનાર ઉમેદવારોને ઘણા પદ માટે સ્પર્ધામાં રહેવાની અમુલ તક મળી રહેશે. પ્રારંભિક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પરીક્ષામાંથી પાસ થાય છે તો વેકેનસી પ્રમાણે તેઓએ આગળની પરીક્ષા આપી શકશે.

Advertisement

સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સરકારી નોકરીઓ માટે આપતી પરીક્ષામાં ૩ કરોડ યુવાનોને ખુબ મોટી રાહત મળવાપાત્ર રહેશે. આ નિર્ણય થકી નવયુવાનોએ જે વિવિધ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી ભરતા હતા તેમાંથી પણ તેઓને મુકિત મળશે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહના જણાવ્યા મુજબ દેશમાં એક હજારથી વધુ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવશે જેમાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક કેન્દ્ર હશે. કેન્દ્ર સરકારનાં આ નિર્ણયને આવકારતા વડાપ્રધાન મોદીએ કરોડો યુવાનો માટે આ યોજના વરદાનરૂપ સાબિત થશે તેમ પણ જણાવ્યું હતું. સરકારી નોકરી માટે નવયુવાનો સ્ટાફ સિલેકશન, રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ, ઈન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ એટલે આરબીપીએસની પરીક્ષાઓ આપતા હતા પરંતુ હવે આ તમામ નોન ટેકનિકલ પોસ્ટ માટે નવયુવાનોએ માત્રને માત્ર સેટની જ પરીક્ષા આપવી પડશે અને આવનારા સમયમાં પરીક્ષા લેનાર આ તમામ સંસ્થાઓ નેશનલ એજન્સી સાથે જોડાઈ જશે. સરકાર દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સેટ જે પરીક્ષા લેશે તે માત્ર ટીયર એક પરીક્ષા જ હશે એટલે ફકત સ્ક્રીનીંગ અને શોર્ટ લીસ્ટીંગ માટે જ સેટ પરીક્ષાનો ઉપયોગ કરવામાં આવશે. સેટ પરીક્ષા આપનાર નવયુવાનોનો સ્કોર પરીણામ જાહેર થવાની તારીખથી ૩ વર્ષ સુધી માન્ય રહેશે જેથી ઉમેદવાર સ્કોર વધારવા માટે વખતોવખત તેમની વયમર્યાદાને આધીન થઈ પરીક્ષા આપી શકશે. સરકાર દ્વારા સરકારી નોકરી માટે જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેનાથી દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર હોવાના કારણે નવયુવાનોએ અથવા તો નોકરી વાંચ્છુકોના પરીવહન ખર્ચમાં પણ અનેકઅંશે ઘટાડો થશે બીજી તરફ સેટની પરીક્ષા ૧૨ ભાષાઓમાં લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.