Abtak Media Google News

મતદારોએ ભાજપને સ્પષ્ટ બહુમતિ આપી છતાં પાલિકામાં અપક્ષનું શાસન આવ્યું: રાજીનામાં આપનાર 16માંથી 15 સભ્યોએ મેન્ડેટનો અનાદર કરી પોતાના રીતે પ્રમુખ-ઉપપ્રમુખ નીમ્યા

પ્રમુખપદે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ પદે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ધૂરા સંભાળી

વાંકાનેરમાં માત્રને માત્ર આંતરિક ગજગ્રાહને કારણે સ્પષ્ટ બહુમતી છતાં 25 વર્ષથી ભાજપની સતા પર રહેવાની પરંપરા તૂટી ગઈ છે. મતદારોએ ભાજપને સ્પષ્ટ બહુમતિ આપી છતાં પાલિકામાં અપક્ષનું સાશન આવ્યું છે.રાજીનામાં આપનાર 16માંથી 15 સભ્યોએ મેન્ડેટનો અનાદર કરી પોતાના રીતે પ્રમુખ- ઉપપ્રમુખ નીમ્યા છે.

વાંકાનેર  નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષ થી ભાજપનું શાસન હતું. જે પરંપરા માત્રને માત્ર આંતરિક રાજકીય ગજગ્રાહને કારણે આજે તૂટી હતી. વાંકાનેરનાં મતદારોએ આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપની કાર્ય પ્રણાલીને નજર સમક્ષ રાખી ખોબલે ખોબલે મત આપી સ્પષ્ટ બહુમતી ભાજપને આપી હતી. તેમ છતાં માત્રને માત્ર પક્ષનો આંતરિક ગજગ્રાહ ચરમ સીમાએ પહોંચતા સ્પષ્ટ બહુમતી છતાં ભાજપે વાંકાનેર નગર પાલિકા ગુમાવી પડી છે. વાંકાનેર નગર પાલિકાનાં પ્રમુખનાં સૂચવાયેલા નામ બાબતે આંતરિક ખેંચતાણ ચરમ સીમાએ પહોંચતા 16 ચુંટાયેલા ભાજપ સભ્યોએ ભાજપમાથી રાજીનામા ધરી દીધા હતાં અને તાલુકા સેવા સદન ખાતે યોજાયેલ હોદેદારોની ચુંટણીમાં અપક્ષ બેસીને બહુમતી સ્પષ્ટ કરી દીધી હતી. જેમાથી જયશ્રીબેન સેજપાલને વાંકાનેર નગર પાલિકા પ્રમુખ પદે અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને ઉપ પ્રમુખ પદે જાહેર કરાતા ભાજપમાં સોપો પડી ગયો હતો ત્યારે એક સવાલ એ પણ ઉભો થાય છે વાંકાનેરનાં મતદારો છેલ્લા 25 વર્ષ થી ભાજપને સતા પર બેસાડે છે અને આ ચુંટણીમાં પણ ખોબલે ખોબલે ભાજપને જ મત આપી સ્પષ્ટ બહુમતી આપી હતી તેમ છતાં આંતરિક ગજગ્રાહને કારણે અપક્ષ શાસન આવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.