Abtak Media Google News

ડિજિટલ કરન્સી અને ઓનલાઈન ગેમિંગ ઇન્ડસ્ટ્રીનું કદ દિન-પ્રતિદિન ખૂબ ઝડપે વધી રહ્યું છે. આ ઇન્ડસ્ટ્રીની માર્કેટ કેપ હાલ ૨.૫ બિલિયન ડોલરને આંબી ગયું છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે, કોરોના કાળમાં જ્યાં તમામ ઉદ્યોગ-ધંધાને ફટકો પડયો તે સમયે પણ ડિજિટલ કરન્સી અને ઓનલાઈન ગેમિંગ સતત ધમધમતું રહ્યું અને હાલ આ ઇન્ડસ્ટ્રી ખૂબ  મોટુ રિફંડ પણ આપી રહ્યું છે. આ ઇન્ડસ્ટ્રી હાલ વિશ્વાસને પાત્ર નથી તેમ છતાં ભારતીયો પણ આ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવી રહ્યા છે.

એક તરફ દેશમાં ક્રિપ્ટોકરન્સી પ્રતિબંધિત છે ત્યારે બીજી તરફ ભારતમાં ખૂબ મોટા પાયે ક્રીપ્ટોના સોદા પડી રહ્યા છે અને ડ્રીમ ઇલેવન જેવી ગેમિંગ એપ પર સબ્સ્ક્રાઇબર પણ ખૂબ ઝડપે વધી રહ્યા છે. હાલ આ તમામ બાબતને ધ્યાન રાખીને સરકાર પણ ક્રીપ્ટો કરન્સીને કાયદેસર કરવા મંત્રણા કરી રહી હોય તેવું પણ સૂત્રો જણાવે છે.

એક અહેવાલ અનુસાર ઓનલાઈન ગેમિંગ એપ દ્વારા નવેમ્બર ૨૦૨૦માં લોન્ચ કરાયેલા ટોકને ખરીદદારને ૨૫૦૦૦%નો નફો આપ્યો છે. જેનો અર્થ છે કે, જેણે રૂ. ૧ હજારમાં ટોકન ખરીદ્યું હોય તેને નવ મહિનાના અંતે રૂ. ૨.૫ લાખ મળ્યા છે.

ગત મેં માસમાં ચાઈનાએ ક્રિપ્ટો બજારમાં ભારે અપસેટ સર્જતા બજાર તૂટી પડી હતી પરંતુ સ્પ્રિંગને જેટલો દાબો તે એટલું જ વધુ ઉછળે તેવી રીતે માર્કેટે ફરિવાર પુરપાટ ઝડપ પકડી છે. ક્રિપ્ટો માર્કેટમાં ખૂબ મોટી સંખ્યામાં લેવાલી જોવા મળી રહી છે.

આ અંગે જિઓટસના સુબ્બુરાજનું માનવું છે કે, બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સીનો ગેમિંગમાં ઉપયોગ ક્રાંતિ લાવશે.  તેમણે કહ્યું કે, અગાઉ જે ગેમ્સનો ઉપયોગ ફક્ત સમય પસાર કરવામાં થતો હતો હાલ એ ગેમ્સ રૂપિયા કમાવવા માટેનું શ્રેષ્ઠ સાધન બનતું જઇ રહ્યું છે. જ્યારે ગેમર્સ વધે ત્યારે વધુ ખેલાડીઓ સાથે રમવા સિવાય ખેલાડીઓને ફાયદો થતો નથી તેવું મેનનનું માનવું છે.

ડિજિટલાઈઝ થાય કે ન થાય પણ ગેઇમિંગ અને “ટાઈમપાસ”માં ભારતીયોનો જોટો ન જડે!!

હાલ દેશમાં ક્રીપ્ટોને કાયદેસર કરવા અંગે ચર્ચાઓ થઈ રહી છે તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ ક્રિપ્ટો અને ઓનલાઈન ગેમિંગ કાયદેસર હોય કે ગેરકાયદેસર ભારતીયોને તેનાથી કોઈ નિસબત નથી. ચોંકાવનારી બાબત તો એ છે કે, ભારતમાં ક્રિપ્ટો પ્રતિબંધિત હોવા છતાં પણ સૌથી વધુ વપરાશકર્તાઓ ભારતના છે. હાલ દેશમાં ઓનલાઈન ગેમિંગ કરતા લોકોની સંખ્યા પણ ખૂબ મોટી છે. ભારતના લોકો નસીબ અજમાવવામાં ક્યારેય કસર છોડતા નથી તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે. સૌ કોઈ જાણે છે કે, ક્રીપ્ટો અને ઓનલાઈન ગેમિંગમાં ગમે ત્યારે પૈસા ડૂબી શકે છે તેમ છતાં પણ મોટી સંખ્યામાં લોકો આ એપ સાથે જોડાઈ રાહયના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

તમારી ‘સિક્રેસી’ સલામતી માટેની કે જોખમ તરફની!!

આ એપ્લિકેશનમાં વપરાશકર્તાની તમામ માહિતી છુપી રાખવામાં આવે છે. વપરાશકર્તાની કોઈ પણ વિગતો જાહેર કરવામાં આવતી નથી. ત્યારે એક રીતે આ સિક્રેસી સલામતી સૂચવે છે પણ ક્યારેક આ સિક્રેસી જોખમ તરફ પણ વળી શકે છે. આ સિક્રેસીના કારણે ભવિષ્યમાં જો કોઈ છેતરપીંડી થાય તો વપરાશકર્તા છેતરપીંડી કરનારની કોઈ વિગત મેળવી શકે નહીં જેથી કોઈ જ પગલાં લઈ શકાય નહીં. ઉપરાંત ભારતમાં ક્રિપ્ટો પ્રતિબંધિત હોવાથી ફોજદારી પગલા પણ લઈ શકાય નહિ. ત્યારે ભોગ બનનારની પરિસ્થિતિ ‘ન કહેવાય, ન રહેવાય’ જેવી બની શકે છે.

ક્રિકેટમાં સટ્ટો રમાડવાની લાલચે રાજ કુંદ્રા સામે વધુ એક ફરિયાદ નોંધાશે!!

તાજેતરમાં અશ્લીલ કન્ટેન્ટ અને પોર્ન ફિલ્મ નિર્માણ અંગે વિવાદમાં સંપડાયેલા જાણીતા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. રાજ કુંદ્રા વિરુદ્ધ અમદાવાદના વેપારીએ ફરિયાદ નોંધાવી અરજી કરી છે. જેમાં ઓનલાઈન ક્રિકેટ પર સટ્ટો રમાડવા એપ્લિકેશન આપવાની લાલચ આપીને રાજ કુંદ્રાની કંપની દ્વારા રૂ. ૩ લાખ ખંખેરી લેવામાં આવ્યા હતા. જે બાદ વેપારીને કોઈ જાતની એપ્લિકેશન આપવામાં આવી ન હતી. ત્યારે આ વેપારીએ અરજી કરીને રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ કરી છે. રાજ્યમાંથી રાજ કુંદ્રા વિરુદ્ધ પ્રથમ અરજી નોંધાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.