Abtak Media Google News

હાલ આઇસોલેશન વોર્ડમાં કુલ ૫ દર્દીઓ, વિદેશથી આવેલા ૮૩૭ પ્રવાસીઓનો ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ, હાલ ૬૭૮ લોકો હોમ ક્વોરન્ટાઇનમાં, ૨૭ લોકો ક્વોરન્ટાઇન ફેસેલિટીમાં

રાજકોટ જિલ્લામાં વધુ ચાર લોકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામના રિપોર્ટ કરીને જામનગર લેબમાં મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવી જવાના હોવાનું આયોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

રાજકોટમાં તાજેતરમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહનના સીધા માર્ગદર્શન હેઠળ હાલ તમામ સરકારી વીભાગો કમર કસી રહ્યા છે. જંગલેશ્વરના કોરોનાગ્રસ્ત યુવાનને આઇસોલેશનમાં ખસેડયા બાદ હોસ્પિટલ તંત્ર ખડેપગે રહ્યું છે. હાલ આ યુવાનની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવાનના ચાર પરિજનોના પણ આરોગ્ય તંત્રએ રિપોર્ટ કરાવ્યા હતા જો કે આ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તંત્રને હાશકારો થયો હતો. જો કે આ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર ૪ પરીવારજનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની પણ અફવા ઉડી હતી.

વધુમાં રાજકોટ શહેરમાં ત્રણ વ્યક્તિ અને કોટડા સાંગાણીના એક વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આરોગ્ય તંત્રએ રાજકોટ શહેરના ત્રણ વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખાતેના આઇસોલેશન વોર્ડમાં રખાયા છે. જ્યારે કોટડા સાંગાણીની વ્યક્તિને ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ ચારેયના આરોગ્ય તંત્રએ રિપોર્ટ કરીને આ રિપોર્ટને જામનગર ખાતેની લેબમાં મોકલી આપ્યા છે. આજે સાંજે આ રિપોર્ટ સાંજે આવનાર હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરીએ જણાવ્યું છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં અગાઉ  આઇસોલેશન વોર્ડમાં જંગલેશ્વરનો યુવાન દાખલ હતો. હાલ ચાર નવા શંકાસ્પદ દર્દીઓનો ઉમેરો થયો છે. વિદેશથી કુલ ૧૫૧૫ પ્રવાસીઓ આવ્યા હતા. જેમાંથી ૮૩૭ પ્રવાસીઓનો હોમ ક્વોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે હાલ ૬૭૯૮ જેટલા લોકો હોમ ક્વોરોન્ટાઇન હેઠળ છે. ઉપરાંત તંત્રએ ઉભી કરેલી ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં ૨૭ લોકોને રાખવામાં આવ્યા છે. હાલ મહાપાલિકાનું આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈને ખડેપગે રહ્યું છે. જંગલેશ્વરમાં આરોગ્ય વિભાગની ટીમે ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યા બાદ સમગ્ર વિસ્તારમાં જંતુ નાશક દવાનું છંટકાવ કર્યો છે. ઉપરાંત આરોગ્ય વિભાગ સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં હાલ ચાંપતી નજર રાખી રહ્યું છે.

1.Monday 2 1

એનડીઆરએફના ૧૩ જવાનોનું આગમન  જાગૃતિ ફેલાવવા સહિતની કામગીરી કરશે

કોરોના વાયરસને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે ઈમરજન્સી રાજકોટ ખાતે એન.ડી.આર.એફ. ના ૧૩ સભ્યોની ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, એન.ડી.આર.એફ. ની ટીમ કોરોના વાઈરસને અટકાવવા માટે પૂરતી સાધન સામગ્રી સાથે સુસજ્જ થઈને રાજકોટ ખાતે હાજર થયેલ છે. સાધન સામગ્રીમાં મુખ્યત્વે માઇક્રોબાયોલોજીકલ સ્યુટ, એન.૯૫ માસ્ક, સર્જીકલ માસ્ક, હેન્ડ ગ્લોઝ, ફર્સ્ટ એઈડ બોક્સ, આઈ પ્રોટેક્ટર, વેસ્ટ મટીરીયલ કલેક્શન બેગ,સોડીયમ હાયપોક્લોરાઈડ સોલ્યુસન નો સમાવેશ થાય છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અર્બન પબ્લિક હેલ્થ સેન્ટરના ડોક્ટરો , આશા વર્કર સાથે મિટિંગ કરીને કામગીરીનું બ્રિફીંગ કર્યું હતું. સેફ્ટી પ્રોટેક્શન અંગે વિગતવાર માહિતગાર કર્યા હતા. તેમજ કોરોના વાયરસને અટકાવવા માટે શું કરવું અને શું ન કરવું તે અંગે જાણકારી આપી હતી. કોરોના વાયરસના લક્ષણો અને ચિન્હોની વિગતો આપી હતી. હવે પછીના દિવસોમાં લોકોમાં જાગૃતતા લાવવા માટે અલગ અલગ વિસ્તારમાં ફરીને કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ

રાજકોટ જિલ્લાના અધિક કલેકટર પરિમલ પંડ્યાએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને ૧૪૪ની કલમ લાગુ કરવાની સાથે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો છે. જેમાં દૂધ, શાકભાજી, ફળાદી, કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ, લેબોરેટરી,મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર્સ, ફાર્મસી, આરોગ્ય લક્ષી સેવાઓ ચાલુ રાખવા જણાવ્યું છે. આ સિવાયના ધંધા- રોજગાર બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૨૫ સુધી અમલી રહેશે. જેનો ભંગ કરનાર સામે કલમ ૧૮૮ તેમજ કલમ ૧૩૯ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ બંધ

કોરોનાના પગલે જિલ્લા કલેકટર રેમ્યા મોહને જનસેવા કેન્દ્રો અને ઝોનલ કચેરીઓ તેમજ મામલતદાર કચેરીમાં ચાલતી રેશનકાર્ડની કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધા બાદ હવે તમામ મામલતદાર કચેરીઓ જ બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

આ સાથે આસીડીએસ ખાતે ચાલતા આધારકાર્ડ કેન્દ્રો પણ બંધ રાખવા જણાવાયું છે. આ તમામ કચેરીઓ તા.૩૦ સુધી બંધ રાખવામાં આવનાર છે તેમ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે.

મોરોક્કોની મહિલા રાજકોટમાં ફસાઇ : વહીવટી તંત્રે તમામ વ્યવસ્થા કરી આપી

મોરોકકોની એક મહિલા ફ્લાઈટો રદ થવાના કારણે રાજકોટમાં ફસાઈ છે. જો કે આ અંગે જાણ થતા વહીવટી તંત્રએ માનવતાના ધોરણે આ મહિલાને સરોવર પોર્ટિંકો હોટેલ ખાતે રહેવાની વ્યવસ્થા કરી આપી છે. હાલ આ મહિલાને હોટેલમાં ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવી છે. જો કે મહિલાનું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. વધુમાં જિલ્લા કલેકટરે ત્યાંની એમબસી સાથે વાત કરીને મહિલા સુરક્ષિત હોવાનું પણ જણાવ્યું હતું. આ મહિલાને ૧૪ દિવસ સુધી અહીં રાખવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.