Abtak Media Google News

ઉર્જા વિભાગ હેઠળની ચારેય કંપનીના ૮૨૮ કર્મચારીઓની અંદરો-અંદર બદલીના ઓર્ડર: ૩૦મી સુધીમાં છુટા થઈને ૧૫ દિવસમાં હાજર થવાનો આદેશ.

પીજીવીસીએલના ૪૩૦ કર્મચારીઓની અન્ય કંપનીમાં સ્વૈચ્છીક બદલીને અંતે લીલીઝંડી મળી છે. ઉર્જા વિભાગ હેઠળની ચારેય કંપનીના કુલ ૮૨૮ કર્મચારીઓની કંપની ચેઈઝ બદલીને માન્ય રાખીને જીયુવીએનએલે તમામ બદલી પામેલા કર્મચારીઓને ૩૦મી સુધીમાં છુટા થઈને ૧૫ દિવસમાં નવા સ્થળે હાજર થવાનો આદેશ આપ્યો છે.

ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત ચારેય વીજ કંપનીના ૮૨૮ કર્મચારીઓની અંદરો અંદર બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કંપની ચેઈન્જ બદલીનું કોકળુ ગુંચવાયેલુ હતું ત્યારે અંતે આ બદલીને જીયુવીએનએલ તરફથી લીલી ઝંડી આપવામાં આવી છે. પીજીવીસીએલમાંથી ૪૩૦ કર્મચારી, યુજીવીસીએલના ૩૫ કર્મચારી, એમજીવીસીએલના ૧૨૬, એસજીવીસીએલના ૧૩૨ કર્મચારીઓની અન્ય કંપનીમાં બદલી કરવામાં આવી છે.

ચારેય કંપનીના જુનીયર આસીસ્ટન્ટ, સીનીયર આસીસ્ટન્ટ, ડે.સુપ્રીટેન્ડન્ટ, વિદ્યુત સહાયક, ઈલેકટ્રીક આસીસ્ટન્ટ, લાઈનમેન, જુનીયર એન્જીનીયર, મીટર રીડર સહિતની ૯ કેડરના કર્મચારીઓની બદલીનો એક સાથે ઘાણવો ઉતારવામાં આવ્યો છે. બદલી પામેલ કર્મચારીઓને ૩૦મી સુધીમાં છુટા થઈને ૧૫ દિવસમાં નવા સ્થળે હાજર થઈ જવા માટે હુકમ કરવામાં આવ્યો છે. ઉપરાંત જો ૧૫ દિવસમાં આ કર્મચારી બદલી પામેલા સ્થળે હાજર નહીં થાય તો તેની બદલી કેન્સલ કરવામાં આવશે.

બદલી પામેલ કર્મચારીને નવેમ્બર માસનો પગાર જે-તે કંપનીએ ચૂકવવાનો રહેશે. આ કર્મચારીઓનું પ્રમોશન અને સીનીયોરીટી છેલ્લી ગણવામાં આવશે. આ ઉપરાંત જીયુવીએનએલમાંથી મળતી માહિતી મુજબ નવી કંપનીમાં બદલી પામેલા કર્મચારીની કામગીરી સંતોષજનક નહીં રહે તો બન્ને કંપનીના એમડી મળી કર્મચારીની બદલી પણ કરી શકશે અને બદલી બાદ આ કર્મચારીને મુળ જગ્યાએ મુકવામાં આવશે તો કર્મચારીનું સીનીયોરીટીમાં નામ છેલ્લુ ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.