Abtak Media Google News

મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે બજેટ રજૂ કરશે

રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૦-૨૧નું સામાન્ય અંદાજપત્ર આગામી ૩૧મીના રોજ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રૂપે રજૂ કરવામાં આવશે. મોટાભાગનું બજેટ તૈયાર છે. માત્ર આવક અને જાવકના આંકડાઓ મુકવાના બાકી છે. ચાલુ સાલ મહાપાલિકાની ચૂંટણી યોજાવાની હોય શહેરીજનો પર કોઈ નવો કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના ઓછી જણાય રહી છે.

૨૦૨૦-૨૧ના બજેટ સાથે ચાલુ નાણાકીય વર્ષનું રિવાઈઝડ બજેટ પણ રજૂ કરવામાં આવશે. તાજેતરમાં થયેલી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત મોટાભાગના પ્રોજેકટોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું હોય. બજેટમાં કોઈ મોટી યોજના મુકવામાં આવે તેવી સંભાવના નહીંવત છે. કમિશનરે રજૂ કરેલા બજેટ પર સતત એક સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા તેમાં જરૂરી સુધારા વધારા કરવામાં આવશે અને ત્યારબાદ બજેટને આખરી મહોર મારી ફાઈનલ મંજૂરી માટે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.

૨૦મી ફેબ્રુઆરી સુધીમાં જનરલ બોર્ડમાં બજેટ મંજૂર કરી તેને રાજ્ય સરકારમાં મોકલવું ફરજિયાત છે. ચાલુ વર્ષે મહાપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આવામાં બજેટમાં રાજકોટવાસીઓ પર નવા કરબોજની સંભાવના નહીંવત છે. જો કમિશનર દ્વારા વેરામાં વધારો સુચવવામાં આવશે તો પણસ્ટેન્ડીંગ કમીટી દ્વારા કરબોજ ફગાવી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.