Abtak Media Google News

28મી સુધીમાં શહેરીજનો કોર્પોરેશનની વેબસાઇટ પર સુચનો મોકલી શકશે

કોર્પોરેશન દ્વારા હાલ વર્ષ-2023-2024નું અંદાજપત્ર બનાવવામાં આવી રહ્યું છે. મ્યુની.કમિશનર અમિત અરોરા દ્વારા આવતા સપ્તાહે ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરવામાં આવશે. રાજકોટવાસીઓ કેવું બજેટ ઇચ્છી રહ્યાં છે તે માટે તંત્ર દ્વારા શહેરીજનોના અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. બજેટમાં ક્યાં ક્યાં પ્રોજેક્ટનો સમાવેશ કરવો જોઇએ અને શહેરના વિકાસને અનુરૂપ કેવી યોજનાઓ મૂકવી જોઇએ તે માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે. 28મી જાન્યુઆરી સુધીમાં લોકો પોતાના સૂચનો કોર્પોરેશનની વેબસાઇટ પર રજૂ કરી શકશે.

રાજકોટ મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષ:2023-’24ના અંદાજપત્રમાં લોકોની અપેક્ષાઓનું યોગ્ય પ્રતિબિંબ ઝીલાય, શહેરનો સર્વાંગી અને સમતોલ વિકાસ થાય તેમજ મ્યુનિ. તંત્રની આર્થિક સ્થિતિ વધુ મજબુત થાય તેવા ઉમદા અને પ્રગતિશીલ આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ રાજકોટના નાગરિકો પાસેથી બજેટ માટે સુચનો આમંત્રિત કર્યા છે.

મ્યુનિ. કમિશનરએ બજેટ 2023-’24 માટે શહેરના વિકાસને વેગવાન બનાવવા તેમજ લોકોના સ્થાનિક પ્રશ્નોને વાંચા મળી રહે તે માટે સુચનો આપવા અનુરોધ કરતા એમ જણાવ્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકેની અતિ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની થતી હોઈ તેના વહીવટમાં નાગરિકોના અવાજનો પણ યોગ્ય પડઘો પડે તે ખુબ જ આવકારદાયક બની રહેશે.

મ્યુનિ. કમિશનરએ વધુમાં એમ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના બજેટમાં તંત્રએ કેવી કેવી જનસુવિધાઓ માટે જોગવાઈ કરવી જોઈએ તે વિશે લોકો તરફથી સૂચનો કરવામાં આવે. લોકો મહાનગરપાલિકા પાસેથી કેવી કેવી અપેક્ષા રાખે છે તે વિશે પણ નાગરિકોએ તંત્રને પોતાના બહુમૂલ્ય સુચનો મોકલવા જોઈએ. આ ઉપરાંત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ યોગ્ય સ્તરે જળવાઈ રહે અને શક્ય હોય ત્યાં સુધી વધુ મજબુત બને તે માટે કરમાળખા સહિતના નાણાંકીય આયોજનમાં કેવા કેવા પગલા લઈ શકાય તે વિશે પણ લોકોએ સુચન કરવા જોઈએ.

નાગરિકોએ  પોતાના સુચનો તા. 28મી સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ http://www.rmc.gov.in/FormBudgetSuggestions પર જઈને સુચનો આપી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.