Abtak Media Google News

દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં પોલીસ અને બૂટલેગરો વચ્ચે મોડી રાત્રે સામસામે ઘર્ષણ થયું હતું.જેમાં સ્ટેટ વિજિલનસની ટીમે રાત્રે 12 વાગ્યાના અરસામાં બૂટલેગરને ત્યાં રેડ પાડી હતી. આ દરમિયાન બૂટલેગરોએ સામે ફાયરિંગ કર્યું હતું, જેના વળતા જવાબમાં પણ પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસે રેડ દરમિયાન દારૂની બે મોટાં અને બે નાનાં વાહનો જપ્ત કર્યાં છે. ઉપરાંત મોટા પ્રમાણમાં દારૂ પણ જપ્ત કર્યાની માહિતી મળી રહી છે.

વિગતો મુજબ રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં ઘુસાડવામાં આવે છે. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુરનો બૂટલેગર ભીખા રાઠવા વિદેશી દારૂનો જથ્થો લઈને ધાનપુરના પાંચિયાસાળ ગામેથી પસાર થવાનો છે. જેથી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મધરાત્રે જ વોચ ગોઠવી દેવામા આવી હતી.

દરમિયાન બૂટલેગર ભીખા રાઠવા ફોર-વ્હીલર લઈને આવતાં પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે ગાડી રોકવાને બદલે પોલીસ તરફ ગાડી કરી ફાયરિંગ કર્યું હતું. તેણે આડેધડ સાત-આઠ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી છે. ત્યારે પોલીસે પણ તેની સામે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામા કોઈને ઈજા થવાના અહેવાલ હાલ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. હાલ સાગટાળા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Img 20230111 142323

ઉ્લેખનીય છે કે, એકાદ મહિના પહેલાં રાજકોટમાં પણ બૂટલેગરના પરિવારે પોલીસ સ્ટેશન માથે લીધું હતું. રાજકોટમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ વિજિલન્સની ટીમે ગોકુલધામ વિસ્તારમાં નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશભાઈ સોલંકીના દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. બાદમાં પોલીસે હાર્દિક સહિત 5થી 6 શખસને ઝડપી લઈ ચાર વાહન, મોબાઈલ સહિત લાખોની મતા જપ્ત કરી હતી. બાદમાં હાર્દિકના પરિવારની મહિલાઓ માલવિયાનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને હોબાળો મચાવી પોલીસ વચ્ચે ઘર્ષણ કર્યું હતું. ઉપરાંત મહિલાઓએ પોલીસને બેફામ ગાળો ભાંડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.