Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં બહુધા અનુસૂચિત જાતિની વસતી ધરાવતા ઇડર અને હિંમતનગર તાલુકાના પાંચ ગામોને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેમાં મંગળવારના રોજ સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારના હસ્તે વિકાસના કાર્યોનું ગાંધીનગર ખાતેથી ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સમાવિષ્ટ પાંચ ગામ પૈકી હિંમતનગરના કુંપ ગામે સાસંદ દિપસિંહ રાઠોડ તથા હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

પ્રાસંગિક પ્રવચન કરતા સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ‘કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણની ખાસ જોગવાઇ સાથે વિકાસના કાર્યોને વેગ આપવા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ અન્વયે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ફાળવેલ ગ્રાન્ટમાંથી આદર્શ ગ્રામ યોજનામાં હિંમતનગર તાલુકાના ભાદરડી,સઢા અને કુંપ તેમજ ઇડર તાલુકાના મહિવાડા અને ઇસરવાડા મળી કુલ પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઈસરવાડા ખાતે પાણીની ટાંકી તથા પાઈપલાઈનનું કામ તથા વણકર અને રોહિત સમાજના ચોક બનાવવા સહીતના 10 કામો માટે કુલ 9.18 લાખના ખર્ચે તૈયાર કરાશે. આ સાથે ઇડર તાલુકાનાં મહીવાડા ખાતે અનુસૂચિત જાતિના સ્મશાન તરફનો સી.સી.રોડ બનાવવા માટે અને પંખીઘર પાસે સ્નાનાગૃહ બનાવવા સહીતના 12 કામોની મંજૂરી મળી હતી. જેને કુલ 7 લાખના ખર્ચે પૂર્ણ કરાશે.

88હિંમતનગર તાલુકાના ભાદરડી ગામે પીવાના પાણી માટે કુવો અને ભાદરડી ગામમાં 32 ખાળકુવા બનાવવા સહીતના 9 કામો માટે કુલ 7.93 લાખ ખર્ચાશે. અને કુંપ ગામે અનુસૂચિત જાતિના મહોલ્લાઓમાં 70 નંગ LED સ્ટ્રીટ લાઇટના કામો અને નવી વસાહતમાં સી.સી.રોડ બનાવવા સહીતના 13 વિકાસના કામો માટે 3.45 લાખનો ખર્ચ થશે. હિંમતનગર તાલુકાના સઢા ખાતે 5.10 લાખના કુલ 27 કામોની મંજૂરી મળી હતી. તે પૈકી જોગણીમાતા મંદિરથી રૂપાલ રોડ તરફ 120 મીટર પ્રોટેકશન દિવાલનું કામ અને ગટરલાઇનની કામગીરી હાથ ધરાશે.

સાબરકાંઠા જિલ્લાના પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ઇડરના ઇસરવાડામાં 10, મહિવાડામાં 12, હિંમતનગર તાલુકાના ભાદરડીના 9, કુંપના 13 તથા સઢાના 27 મળી કુલ 71 કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુંપ ગામે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સહિત તાલુકાના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.