Abtak Media Google News

‘અબતક’ની વેબસાઈટ પર 41000 અને ફેસબૂક પર 89000 લોકોએ સમાચાર વાંચી શો-રૂમે કાર ખરીદવા ઉપડ્યા 

1લી એપ્રીલે લોકો સાથે હળવી મજાક કરવાની વર્ષો જૂની પરંપરા રહેલી છે જે પરંપરાને અનુસરીને  ‘અબતક’ સાંધ્ય દૈનિક દ્વારા ગત ગુરૂવારે અર્થાત 1લી એપ્રીલના રોજ એવા સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ ગુજરાતની જનતા જર્નાદનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મોટી અને યાદગાર ભેટ આપવામાં આવી છે. આજથી ચાર દિવસ સુધી મોટરકાર ખરીદનારને કિંમતમાં 50 ટકા રાહત આપવામાં આવશે. આ સમાચાર વાંચવા બાદ હજારો લોકો પોતાની કારનું સપનું સાકાર કરવાના આનંદીત ઈરાદા સાથે મોટરકારના શો-રૂમે ઉમટી પડ્યા હતા. જો કે, પાછળથી તેઓને ખબર પડી કે આવી કોઈ યોજના નથી આ માત્ર એપ્રીલફૂલના સમાચાર છે ત્યારે લોકો પણ બે ઘડી હસી પડ્યા હતા. એપ્રીલફૂલના આવા સમાચાર આપવા બદલ ‘અબતક’ પરિવાર વાંચકોની સમા માગે છે. સાથો સાથ અમારા પર વિશ્ર્વાસ મુકવા આભાર પણ વ્યકત કરે છે.

12 1

‘અબતક’ની વેબસાઈટ પર 41000થી વધુ લોકોએ અને ફેસબૂક પેજ પર 89,000થી પણ વધુ લોકોએ આ સમાચારનું વાંચન કર્યા બાદ 50 ટકા રાહતમાં મોટરકાર ખરીદવા અને 75 ટકા રાહતમાં સ્કૂટર કે બાઈકની ખરીદી કરવા શો-રૂમે ધસી ગયા હતા. જ્યારે તેઓને ખબર પડી કે, આવી કોઈ યોજના અમલમાં છે જ નહીં ત્યારે કેટલાંક વાંચકોએ ‘અબતક’ કાર્યાલય ખાતે ફોન કરીને પૃચ્છા કરી હતી. જ્યારે તેઓને ખબર પડી કે આ સમાચાર 1લી એપ્રીલે માત્રને માત્ર હળવી મજાક માટે એપ્રીલફૂલના સ્વરૂપે પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારે તેઓએ હોંશભેર મજાકનો સ્વીકાર કરી લીધો હતો. ખુદ આઈબી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ‘અબતક’ કાર્યાલયે આ સમાચાર અંગે પુછપરછ કરવામાં આવી હતી. રાજ્યના અલગ અલગ શહેરો અને ગામોમાંથી હજ્જારોની સંખ્યામાં ફોનકોલ્સ આવ્યા હતા.

1લી એપ્રીલે લોકો સાથે મજાક કરવાની પરંપરાને અનુસરીને જ ‘અબતક’ દ્વારા મોટરકારમાં 50 ટકા રાહતના સમાચાર એપ્રીલફૂલ સ્વરૂપે જ પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. ખરેખર રાજ્ય સરકાર દ્વારા આવી કોઈ જ યોજના અમલમાં મુકવામાં આવી નથી, પરંતુ એકવાત સરકારે પણ ધ્યાનમાં લેવા જેવી છે કે જો લોકોના દીલમાં અડીખમ સ્થાન પ્રાપ્ત કરવું હોય તો ખરેખર આવી કોઈ યોજના અમલમાં લાવવાની જરૂરીયાત છે. ભલે મોટરકારમાં 50 ટકા જેવી તોતીંગ રાહત આપવામાં આવે પરંતુ લોકોને પરવડે તેવો વેરો રાખવો જોઈએ અથવા વ્હીકલ ટેકસ નાબુદ કરી દેવો જોઈએ. અમે ફરી વાંચકોનો અમારા પર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યકત કરીએ છીએ. સાથો સાથ એપ્રીલફૂલના સમાચાર બાદ તેઓને શો-રૂમ સુધી જે ધક્કા ખાવા પડ્યા તેના માટે ક્ષમા પણ માંગીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.