Abtak Media Google News

પાકિસ્તાન અવાર-નવાર ભારતીય બોટોના અપહરણ કરી જાય છે. જેમાં સૌથી વધુ ફીશીંગ બોટો ગુજરાતના પોરબંદરની હોય છે. અબજો રૂપિયાની 1,130 જેટલી ફીશીંગ બોટોને તથા ત્યાંની જેલોમાં સબડતા 540 જેટલા માછીમારોને મુક્ત કરાવવા માટે તાત્કાલિક ભારત અને પાકિસ્તાન સરકારે ચર્ચા કરીને કાર્યવાહી કરવી જોઇએ. સાંસદ રામભાઇ મોકરીયાએ દ્વારા કેન્દ્ર સરકારને લેખીત રજૂઆત કરવામાં આવી હતી.

પોરબંદરના વતની અને કુરીયરના બિઝનેસ સાથે સંકળાયેલા તથા તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ પસંદગી પામેલા પોરબંદરના રામભાઇ મોકરીયાએ પીએમ મોદીને પત્રમાં ભારતના અરબી સમુદ્રના કીનારે વસેલા ગુજરાત રાજ્યના માછીમારોની પીડા અને પરેશાની વિશે માહિતી આપી હતી કે, વર્ષોથી માછીમાર સમાજ સમુદ્રમાં માછલીઓ પકડીને પોતાનું અને પોતાના પરિવારજનોનું પાલન-પોષણ કરી રહ્યા છે. તેના પર અન્ય અનેક ધંધાઓ પણ નિર્ભર રહે છે.

7Bda02C0 91F6 4F3D 995B 6E67054A5183

પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરીને ભારતીય માછીમારોને અપહરણ કરીને બોટો સાથે ઉઠાવી જવામાં આવે છે. માછીમાર સમાજના પ્રતિનિધિ મંડળોએ પણ જણાવ્યું છે અને અલગ-અલગ રીતે મળેલી માહિતી પ્રમાણે હાલ પાકિસ્તાનના કબજામાં ભારતની લગભગ 1130 જેટલી ફીશીંગ બોટો છે. જેમાંથી અંદાજે 900 જેટલી ફીશીંગ બોટો માત્ર પોરબંદરની છે. અંદાજે 540થી વધુ માછીમારો પણ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. અમાનવીય અને દર્દનાક અત્યાચાર સહન કરી રહ્યા છે. ઉપરાંત એક ફીશીંગ બોટ અંદાજે 50 થી 60 લાખ રૂપિયાની બને છે.એક ફીશીંગ બોટનું અપહરણ થાય તો 5 થી 6 માછીમાર પરિવારો સંકટમાં મુકાઇ જતા હોય છે.

રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્‌યું છે કે, છેલ્લા એક મહિનાની અંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીએ ગુજરાતની 30 જેટલી ફીશીંગ બોટ અને દોઢસો જેટલા માછીમારોના અપહરણ કર્યા છે. જેમાંથી મોટાભાગની બોટો પોરબંદરની છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ અનુરોધ કરીને રામભાઇ મોકરીયાએ જણાવ્યું છે કે, પાકિસ્તાન સરકાર સાથે આ મુદ્દે વાતચીત કરીને ભારતીય ફીશીંગ બોટો અને ત્યાં બંદીવાન બનાવાયેલા માછીમાર ભાઇઓને તાત્કાલિક મુક્ત કરાવીને ભારત પરત મોકલી દેવામાં આવે તેવી કાર્યવાહી થવી જોઇએ.

પીડિત માછીમાર સમાજની આજીવિકાનું સંકટ દૂર કરવા માટે પણ મદદ કરવી જોઇએ. ભારતીય નૌસેના અને કોસ્ટગાર્ડની કાર્યક્ષમતા પર દરેક ભારતીયોને ગર્વ છે, ત્યારે ભવિષ્યમાં બોટોના અપહરણનો એટલે કે, પકડા-પકડીનો ખેલ બંધ થાય તે મુદ્દે પણ ગંભીરતાથી વિચારવું જરૂરી બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.