Abtak Media Google News

2.72 લાખ કરોડ રૂપિયા બેંકોમાં પાછા આવ્યા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ  કહ્યું કે 2,000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ 76 ટકા નોટો એટલે કે 2.72 લાખ કરોડ રૂપિયા બેંકોમાં પાછી આવી ગઈ છે. આમાંની મોટાભાગની નોટો લોકોએ પોતાના બેંક ખાતામાં જમા કરાવી છે.

કેન્દ્રીય બેંકે 19 મે, 2023ના રોજ અચાનક 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. લોકોને 30 સપ્ટેમ્બર સુધીમાં તેમના બેંક ખાતામાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા અન્ય મૂલ્યની નોટો માટે બદલી આપવા કહેવામાં આવ્યું છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર માર્ચ 2023માં મૂલ્યની દ્રષ્ટિએ કુલ 3.62 લાખ કરોડ રૂપિયા 2,000ની નોટો હતી.

19 મે, 2023ના રોજ કામકાજના કલાકો સમાપ્ત થયા પછી તે ઘટીને 3.56 લાખ કરોડ રૂપિયા થઈ ગયો. રિઝર્વ બેંકે એક નિવેદનમાં કહ્યું, બેંકો પાસેથી મળેલા ડેટા મુજબ, 19 મેના રોજ 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવાના નિર્ણય બાદ, 30 જૂન, 2023 સુધી 76 ટકા એટલે કે 2.72 લાખ કરોડ રૂપિયાની નોટો પરત આવી છે. પરિણામ સ્વરૂપે, 30 જૂનના રોજ કામકાજના કલાકો બંધ થયા પછી 84,000 કરોડ રૂપિયાના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો ચલણમાં રહી ગઈ હતી, નિવેદન અનુસાર લગભગ 87 ટકા લોકોએ તેમના બેન્ક ખાતામાં નોટો જમા કરાવી છે, જ્યારે 13 ટકા અન્ય ચલણમાં નોટો માટે બદલી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.