Abtak Media Google News

2000ની નોટ 30 સપ્ટે. પછી પણ લીગલ ટેન્ડર તરીકે ચાલુ જ રહેશે

એક વખતમાં 10 નોટ બદલાવી શકાશે, એક જ શાખામાં ફરીથી કતારમાં રહી ફરી નોટ બદલાવવાની પણ છૂટ

રૂ. 2 હજારની નોટ પાછી ખેંચવાની રિઝર્વ બેંકની જાહેરાત બાદ લોકોને અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા. જેમાં એવી વાતો પણ પ્રસરી હતી કે નોટ બદલવા જઈએ ત્યારે આધાર પુરાવા રજૂ કરવા પડશે. પણ એસબીઆઈએ સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે નોટ બદલી માટે કોઈએ બેંકમાં આધાર રજૂ કરવો પડશે નહિ.

Advertisement

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે ગ્રાહક બે હજારની નોટ કોઈ ઓળખ પ્રૂફ આપ્યા કે ફોર્મ ભર્યા વગર જ બેંકની વિવિધ શાખાઓથી બદલી શકશે.  એસબીઆઈએ કહ્યું છે કે 20 હજારની કિંમત સુધી નોટ વગર આઈડી પ્રૂફથી બદલી શકાશે. એસબીઆઈની કોઈપણ શાખામાં રૂ. ૨૦,૦૦૦ની મર્યાદા સુધીમાં રૂ. ૨,૦૦૦ની ૧૦ નોટો બદલાવી શકાશે અને તેના માટે કોઈ ચાર્જ પણ વસૂલવામાં નહીં આવે. ઉપરાંત કોઈ વ્યક્તિ દિવસમાં ગમે તેટલી વખત લાઈનમાં ઊભા રહીને રૂ. ૨,૦૦૦ની નોટો બદલાવી શકે છે, પરંતુ તેને દરેક વખતે રૂ. ૨૦,૦૦૦ સુધીની મર્યાદામાં જ નોટ બદલી આપવામાં આવશે.

રિઝર્વ બેંકે શુક્રવારે જાહેરાત કરી હતી કે 2000ની ચલણી નોટો ચલણમાંથી બહાર થઈ જશે.  જોકે, રિઝર્વ બેંકે નોટો બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.  આ સમય દરમિયાન લોકો બેંકોમાં જઈને તેમની 2000ની નોટ અન્ય ચલણી નોટો સાથે બદલી શકશે. જો કે રિઝર્વ બેન્કે એવું પણ કહ્યું છે કે 30 સપ્ટેમ્બર બાદ પણ 2000ની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. હવે, તેની તમામ સ્થાનિક મુખ્ય કચેરીઓના મુખ્ય મહાપ્રબંધકોને મોકલવામાં આવેલી માહિતીમાં, સ્ટેટ બેંકે માહિતી આપી છે કે 20,000 રૂપિયા સુધીના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો કોઈપણ આઈડી પ્રૂફ અને ડિમાન્ડ સ્લિપ વિના બદલી શકાય છે.

નોટો બદલવાની પ્રક્રિયા 23 મેથી શરૂ થવાની હતી પરંતુ કેટલાક લોકો શનિવારે જ બેંકમાં પહોંચી ગયા હતા. એસબીઆઈએ જણાવ્યું કે આવા લોકોને સમજાવ્યા બાદ પરત મોકલી દેવામાં આવ્યા હતા.  કેટલાક ગ્રાહકોએ બેંકમાં રૂ. 2,000ની નોટ જમા કરાવવા માટે ડિપોઝીટ મશીનનો પણ ઉપયોગ કર્યો હતો.  કેટલાક લોકોએ બે હજારની નોટો ખરીદીને ખર્ચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રિઝર્વ બેંકના નોટિફિકેશન બાદ લોકો બજારમાં બે હજારની નોટ લેતા ખચકાઈ રહ્યા છે.

જો તમારૂ જ એકાઉન્ટ હશે તો 2000ની નોટ જમા કરાવવાની કોઈ મર્યાદા નહિ!

રિઝર્વ બેંકે પોતાના ખાતામાં બે હજારની નોટ જમા કરાવવા માટે કોઈ મર્યાદા નક્કી કરી નથી, પરંતુ તે ગ્રાહકોના કેવાયસી અને અન્ય વૈધાનિક નિયમો પર નિર્ભર રહેશે.  20 મેના રોજ મોકલવામાં આવેલી માહિતીમાં એસબીઆઈએ કહ્યું છે કે 2,000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈ આઈડી પ્રૂફની જરૂર પડશે નહીં.  બેંકે તેના અધિકારીઓને જનતા સાથે સહકાર આપવા કહ્યું છે જેથી કરીને રૂ. 2,000ની નોટ બદલવાની સમગ્ર પ્રક્રિયા કોઈપણ મુશ્કેલી વિના અને સરળતાથી પૂર્ણ થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.