જેમ મોત કરતા મોતનો ડર વધારે ડરામણો હોય છે તેમ નોટ બંધ થવા કરતા તે બંધ થવાનો ડર વધારે ડરામણો સાબિત થયો હતો. અગાઉ ઘણી વાર કહ્યા પ્રમાણે સરકારે રૂપિયા 2000 ની નોટ બંધ કરી નથી તેને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. અને આ વકતના સરકારનાં નિર્ણયની બજાર ઉપર કોઇ વિપરીત અસર જોવા મળી નથી. બધુ સરળતાથી પાર પડી રહ્યું છે. લોકો બજારમાં 2000 ની નોટ વાપરે છે, અથવા તો બેંકમાં જઇને ભરી આવે છે. જો બજારમાં વાપરી હોય તો દુકાનદાર બેંકમાં જઇને ભરી આવે છે.  19 મી મે એ સરકારે જાહેરાત કરી ત્યારબાદ 23 મી મે  થી બેંકોએ 2000 રૂપિયાની નોટ સ્વીકારવાનું શરૂ કર્યુ ત્યારથી અત્યાર સુધીમાં અડધોઅડધ કરન્સી બેંકો પાસે આવી ગઇ છે, કોઇ જ જાતની લાઇનો, ભીડ, ઝઘડા કે તોડફોડ વગર.

RBI ના ગવર્નરે સત્તાવાર આંકડા જાહેર કરીને જણાવ્યું છે કે બે સપ્તાહનાં ટૂકા ગાળામાં ઘણી મોટી સફળતા જોવા મળી છે. જ્યારે જાહેરાત કરી ત્યારે 3.62 લાખ કરોડની 2000 ની ચલણી નોટ બજારમાં હતી જેમાંથી 1.80 લાખ કરોડની નોટ હાલમાં બેંકો પાસે ડિપોઝીટ થઇ ગઇ છૈ. આ જમા થયેલી 50 ટકા કરન્સીમાંથી 85 ટકા જેટલી કરન્સી ડિપોઝિટ કે નોટ બદલીનાં સ્વરૂપમાં બજારમાં ફરતી પણ થઇ ગઇ છે તેથી બજારમાં કરન્સીની ખેંચ ઉભી થવાના કોઇ ચાન્સ નથી. તેમણે ઉમેર્યુ હતું કે સરકારે લોકોને 3.62 લાખ કરોડની કરન્સી બદલવા માટે લોકોને ત્રણ મહિનાથી પણ વધારે સમય આપ્યો છૈ તેથી અત્યાર સુધીમાં ક્યારેય બેંકોમાં લાઇનો કે ખોટી ભીડ જોવા મળી નથી.

મૂળ તો જ્યારે 500 અને 1000 ની નોટ બંધ કરી ત્યારે બજારમાં કરન્સીનો પ્રવાહ ઝડપથી શરૂ થાય તે માટે સરકારે 2000 ની નોટ અમલમાં મુકી હતી. સરકારનો આ હેતુ સિધ્ધ થઇ ગયો એટલે તેને ચલણમાંથી પાછી ખેંચવામાં આવે તો કાંઇ ખોટું નથી. ઘણા વિદેશમાં સ્થિર થયેલા લોકો જો 30 સપ્ટેમ્બર સુધી પાછા ન ફરી શકે તો તેમને સમસ્યા નડશે. જેના માટે કદાચ રિઝર્વ બેંક કોઇ વિકલ્પ સુચવે એવું બની શકે છે. હાલમાં મુકવામાં આવેલી 30 મી સપ્ટેમ્બરની સમય મર્યાદા પાછળનો પણ કોઇ વિશેષ તર્ક નથી માત્ર ગણતરી એટલી જ છે કે કોઇ પણ નિર્ણય માટે જો ટાઇમલાઇન નક્કી ન કરીએ તો તેનો અમલ સમયસર થતો નથી. ઉલટાની આ ટાઇમલાઇનનાં કારણે બેંકોની લિક્વીડીટીમાં વધારો થયો છે.

RBI એ 2000 ની નોટ પાછી ખેંચતા પહેલા કરેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે દેશનો આમ આદમી સામાન્ય રીતે રોજીંદા વ્યવહારમાં 2000 રૂપિયાની નોટ વાપરતો નથી. ગરીબ વર્ગ માટે તો આટલી મોટી કરન્સી વાપરવી સાનૂકુળ પણ નથી.  જ્યારે 2018 માં સૌથી વધારે 2000 ની નોટ બજારમાં હતી ત્યારે 6.73 લાખ કરોડની કરન્સી 2000 રૂપિયાની નોટનાં સ્વરૂપમાં હતું જે સમયની સાથે ઘટતું ગયું હતું. લોકોના સામાન્ય અનુભવ કહે છે કે છેલ્લા બે વર્ષથી જ્યારે તમે ATMમાંથી નાણા કઢાવો ત્યારે 2000 રૂપિયાની નોટ નીકળતી પણ નહોતી. મતલબ સરકારે ત્યારથી જ આડકતરી રીતે 2000 ની નોટને બજારમાં ફરતી કરવાનું બંધ કર્યુ હતું. સરકારે 2018-19 થી તો 2000 રૂપિયાની નવી કરન્સી નોટનું પ્રિન્ટીંગ પણ બંધ કરી દીધું છે.

આ સાથે જ લોકોમાં અફવા હતી કે સરકાર હાલની 500 રૂપિયાની નોટ બંધ કરશે અને નવી 1000 રૂપિયાની નોટ પાછી ચલણમાં આવશે. પરંતુ સરકારની આવી કોઇ ગણતરી ન હોવાની સ્પષ્ટતા પણ થઇ ચુકી છે.

હાલમાં પાછી ખેંચાયેલી અને બેંકોમાં જમા થયેલી 2000 ની નોટની વિગત વાર માહિતી આપવાનું વધારે મુશ્કેલ હોવાની સ્પષ્ટતા પણ RBI ઐ કરી છે કારણ કે હજુ પણ બેંકોમાંથી નોટ આવતી રહે છે, બેંકોએ આ નોટનાં બદલામાં કરન્સી આપી છે કે નાણા ફિક્સ ડિપોઝીટ કે, લોન પેમેન્ટ કે સીધા ખાતામાં જમા થયા છે તેની વિગતો મેળવવી મુશ્કેલ છે. RBI અંદાજીત આંકડા આપીને લોકોમાં ગેરસમજણ ન ફેલાય તે માટે આવી વિગતો આપતી નથી. સરકાર આ વિગતો આપે કે ન આપે તેનાથી આમ જનતાને કોઇ ફરક પડતો પણ નથી.  બેશક રોકડામાં મોટા વ્યવહાર કરનારાને 2000 ની નોટનો વિકલ્પ નહીં મળે તો તકલીફ પડશે. પણ તેમની તકલીફથી RBI ને કોઇ ફરક પડતો નથી..!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.