Abtak Media Google News

હાલ ૨૦ કીટ ઉપલબ્ધ હોવા છતાં ઓપરેટરોની અછતના કારણે માત્ર ૧૨ કીટ જ કાર્યરત: ઓન બોર્ડ ઓર્ડર આપવામાં પણ ભારે ઢીલ

નવા આધારકાર્ડ કઢાવવા અને જુના આધારકાર્ડમાં સુધારો કરવા માટે અરજદારોની લાઈનો લાગે છે તો બીજી તરફ ઓપરેટરોની અછતના કારણે આધારકાર્ડની ૮ કિટો ધુળ ખાઈ રહી છે. ઓન બોર્ડ ઓર્ડર આપવામાં તંત્ર દ્વારા ઢીલી નીતિ દાખવવામાં આવતી હોવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

Advertisement

હાલ મહાપાલિકા, કલેકટર કચેરી, પોસ્ટ ઓફિસ, બેંક સહિતની જગ્યાએ આધારકાર્ડ કાઢી આપવા માટે તથા સુધારાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કોર્પોરેશન પાસે ૧૫ જેટલી આધારકાર્ડની કીટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત તાજેતરમાં કલેકટર તંત્ર દ્વારા વધારાની ૫ કિટ ફાળવવામાં આવી છે. દરમિયાન આધારકાર્ડની કામગીરી કરતા ૩ ઓપરેટરોએ પખવાડિયા પહેલા રાજીનામું આપી દીધું હોવાના કારણે હાલ માત્ર ૧૨ જ કિટ કાર્યરત છે. નવા ઓપરેટરને કામગીરી સોંપવા માટે કલેકટર તંત્ર દ્વારા ઓન બોર્ડ ઓર્ડર આપવામાં આવતા ન હોવાના કારણે આધારની ૮ કીટો ધુળ ખાઈ રહી છે. આજથી એક વર્ષ પૂર્વે શહેરમાં આધારકાર્ડની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હાલ સુધારા-વધારાની કામગીરી માટે લોકોનો ધસારો રહે છે. દૈનિક ૬૦૦ થી ૬૫૦ જેટલી અરજીઓ આવે છે તેની સામે ૪૫૦ થી ૫૦૦ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવે છે. સોમવાર અને બુધવારના દિવસે સારી એવી ભીડ રહે છે જો વધારાની ૮ કિટ માટે ઓપરેટરની ફાળવણી કરી દેવામાં આવે તો દૈનિક ૧૭૫ જેટલી અરજીઓનો નિકાલ શકય બને. શહેરી ઉપરાંત રૂરલ વિસ્તારના નાગરિકોનો પણ ઘસારો થયો છે. ઈસ્ટ ઝોનમાં રોજ ૧૦૦ થી ૧૨૫ લોકો જે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે તે આધારકાર્ડ કઢાવવા માટે આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.