Abtak Media Google News

હૈદરાબાદમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું: મુસાફરોનો હેમખેમ બચાવ

અબતક, નવી દિલ્લી

બુધવારે મોડી રાતે સ્પાઇસ જેટની ફ્લાઈટની કેબિનમાંથી ધુમાડો નીકળવા લાગતા ફ્લાઈટમાં સવાર 80 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. મોડી રાતે ફ્લાઈટનું હૈદરાબાદ એરપોર્ટ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 80 મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટમાંથી હેમખેમ બહાર કાઢી લેવાયાં હતા.

સ્પાઈસ જેટના એક વિમાને હૈદરાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ડીજીસીએ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.ગોવાથી આવી રહેલા સ્પાઈસ જેટના પ્લેનનું બુધવારે રાત્રે હૈદરાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઘટના અંગે માહિતી આપતા ડીજીસીએ અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે મોડી રાત્રે વિમાનની કેબિનમાં ધુમાડો જોવા મળ્યા બાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનના મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટ ગેટ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા. હૈદરાબાદ એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્યુ 400 વિમાન વીટી-એસક્યુવીમાં 80 મુસાફરો સવાર હતા. આ એરક્રાફ્ટના ઈમરજન્સી લેન્ડિંગને કારણે બુધવારે નવ એરક્રાફ્ટને ડાયવર્ટ કરવા પડ્યા હતા. આ ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી.

સ્પાઈસ જેટ એરલાઈન તાજેતરના સમયમાં ઓપરેશનલ મુશ્કેલીઓ અને નાણાકીય અવરોધોનો સામનો કરી રહી છે. તે પહેલાથી જ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની દેખરેખ હેઠળ છે. નિયમનકારે એરલાઇનને 29 ઓક્ટોબર સુધી તેની કુલ ફ્લાઇટ્સમાંથી માત્ર 50 ટકા જ ઓપરેટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.