Abtak Media Google News

પ્રોજેકટ લાઈફ રાજકોટ દ્વારા ૧૦૮ પ્રાથમિક શાળા નવનિર્માણનો લક્ષ્યાંક

પ્રોજેકટ લાઈફ દ્વારા નવનિર્મિત ૮૨મી શાળા લાલપુર તાલુકાના મચ્છુ-બેરાજા ગામે ઓશવાળ એસોસિએશન ઓફ ધ યુકે પ્રાથમિક શાળાનો લોકાર્પણ કાર્યક્રમમાં નિલેષભાઈ ભગવાનજીભાઈ શાહ તથા તુષારભાઈ શાહ તથા શશીકાંતભાઈ કોટીલા, જામનગર જીલ્લાના સાંસદ પુનમબેન માડમ, નિર્મલભાઈ શાહ, યુકે અશ્ર્વિનભાઈ શાહ, મહેશભાઈ શાહ, યુકે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રોજેકટ લાઈફના મેનેજીંગ ટ્રસ્ટી શશીકાંત કોટીચાએ શાળા નવનિર્માણ કાર્યક્રમની ઝલક આપતા કહ્યું કે જર્જરીત શાળાઓના નવનિર્માણ અને બાળકોને ગુણવતાસભર શિક્ષણ મળે તેવા શુભ આશયથી દર ૭૫માં દિવસે એક શાળા રાષ્ટ્રને અર્પણ કરવાનું ઉમદા કામ કરી રહ્યા છીએ. ઓશવાળ એસોસીએશન ઓફ ધ યુકેના પ્રમુખ નીલેશભાઈએ ઓશવાળ એસોસિએશન ઓફ ધ યુકે, પ્રોજેકટ લાઈફ, રાજકોટ અને શિક્ષણવિભાગ, ગુજરાતનો આભાર માન્યો તથા શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને બાળકોને સંબોધન કરતા કહ્યું કે શિક્ષણની કોઈ સરહદ નથી.

જામનગર મત વિસ્તારના સાંસદ પુનમબેન માડમે પ્રોજેકટ લાઈફના ૧૦૮ શાળા નવનિર્માણ કાર્યક્રમને બિરદાવતા કહ્યું કે, શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો અધિકાર છે. આજે દેશનું ઘડતર કરનારનું ઘડતર કરનાર શાળાનું લોકાર્પણ થઈ રહ્યું છે. દાતાઓના આ અભિગમ ગ્રામીણ ક્ષેત્રને વધુ મજબુત બનાવશે.

દરેકે પોતાનું મુળ અને સંઘર્ષ ભુલવા ન જોઈએ. કિરીટભાઈ વસાએ પોતાના વકતવ્યમાં કહ્યું હતું કે, પ્રોજેકટ લાઈફ રાજકોટના ૧૦૮ પ્રાથમિક શાળા નવનિર્માણનો લક્ષ્યાંક પૈકીની આ ૮૨મી શાળા છે અને તેમણે વિજ્ઞાન અને ડીજીટલ ટેકનોલોજી ઉપર ભાર મુકતા કહ્યું હતું કે, નજીકના સમયમાં આ શાળા વિજ્ઞાનકીટ, રમતગમત કીટ, સંગીત કીટ અને સ્માર્ટ કલાસથી સજજ હશે.

પ્રોજેકટ લાઈફ રાજકોટ દ્વારા નિર્મિત શાળાઓમાં ૨૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આ પ્રસંગે સ્વાગત પ્રવચન જૈન સમાજના આગેવાનો જીવરાજભાઈ નગરીયાએ કર્યું હતું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવ્યો હતો. અંતમાં આભારવિધિ શાળાના શિક્ષક નિતેશભાઈ લગધીરે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.