Abtak Media Google News
 “હેતે વધાવીએ હેમંતને”
  •  જાણીતા સંત પૂ.મોરારીબાપુ ના હસ્તે રાજકોટના  પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણનું અદકેરું સન્માન તેમજ ‘હરિનામની હેલી’ પુસ્તકનું વિમોચન
ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ ગાયક હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રી પુરસ્કારથી બહુમાનિત કરાયા છે. ત્યારે રાજકોટમાં વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે પદ્મશ્રી હેમંત ચૌહાણ સન્માન સમિતિ દ્વારા રાજકોટ નાગરિક સહકારી બેંકના સહયોગથી પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને સન્માનિત કરવા ‘હેતે વધાવીએ હેમંતને’ સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે હેમંતભાઈ ચૌહાણનું શાલ ઓઢાડીને તથા સ્મૃતિચિન્હ, સન્માનપત્ર અને રૂ. ૧ લાખ ૫૧ હજારનો ચેક અર્પણ કરી અભિવાદન કરાયું હતું તેમજ સંત મોરારી બાપુના હસ્તે હેમંતભાઈ ચૌહાણની ભક્તિ રચનાઓના સંગ્રહ ‘હરિનામની હેલી’નું વિમોચન કરાયું હતું.
Img 20230501 Wa0078
કાર્યક્રમનો શુભારંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી થયો હતો. હેમંતભાઈ તથા તેમના પુત્રી ગીતાબેનએ ‘સુખ રે સાગરમાં હંસલો મોતીડાં ચણે’ ભજન પ્રસ્તુત કર્યું હતું. પ્રહલાદભાઈએ કબીર વાણીની સંગીતિક રજૂઆત કરી હતી. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ, સ્મૃતિચિન્હ અને શાલથી સ્વાગત કરાયું હતું. સંતવર્યશ્રી મોરારી બાપુના હસ્તે પદ્મશ્રી હેમંત ચૌહાણ સન્માન સમિતિના દરેક સભ્યોનું સન્માન કરાયું હતું. આ તકે વિવિધ સમાજના અગ્રણીઓ, સંતો-મહંતો અને સામાજિક સંસ્થાઓએહેમંતભાઈનું સન્માન કર્યું હતું.
આ સમારોહમાં સ્વાગત ઉદબોધન હાસ્ય કલાકાર સાંઈરામભાઈ દવેએ કર્યું હતું. કાર્યક્રમની ભૂમિકા ડો. સુનીલભાઈ જાદવએ આપી હતી. પ્રાસંગિક પ્રવચન હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા અને મધ્યપ્રદેશના લોકગાયક પદ્મશ્રી પ્રહલાદભાઈ ટીપણીયાએ કર્યું હતું. પુસ્તક પરિચય કવિ સંજુભાઈ વાળાએ આપ્યો હતો.
આ પ્રસંગે રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેનશ્રી શૈલેષભાઈ ઠાકર તથા શ્રી હેમંત ચૌહાણ ના ભજનોના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે સંત પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે, હેમંત ચૌહાણે સંતવાણીના ગાયક તરીકે ખુબ જ મહત્વનો યોગદાન આપ્યુ છે. ભજનના ચાર પ્રકાર છે લખાતું, વંચાતું, કથન થતું અને ગવાતું ભજન. જેમાં શ્રેષ્ઠ છે, ગવાતું ભજન. લખાયેલું ભજન કોઈને કંઠે ચડે પછી જાણીતું લાગે છે, હેમંતભાઈના ભજન તો મનને હળવા કરે છે.
સરકાર કલારત્નોને ખૂણે-ખૂણેથી શોધીને પોંખે છે, તેવી સરકારનો ભાગ હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા
Img 20230501 Wa0074
કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ પદ્મશ્રી હેમંતભાઈને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, દેશની સરકાર કલારત્નોને ખૂણે-ખૂણેથી શોધી-શોધીને પોંખે છે, તે સરકારનો ભાગ હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે. કલાપ્રેમી રાજકોટવાસીઓએ હેમંતભાઈને નવાજ્યા, એ ખરેખર તો એવોર્ડનું સન્માન છે. રામસાગરના રણકાર સાથે હેમંતભાઈને સાંભળવાનો અનેક વાર અવસર મળવો, તે આનંદની વાત છે. બળકટ કાવ્યોને કંઠ મળે, ત્યારે રચના લોકભોગ્ય બનતી હોય છે.
પદ્મશ્રી એવોર્ડ ઈશ્વર અને સંતોની કૃપાનું ફળ : હેમંત ચૌહાણ 
Img 20230501 Wa0072
પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણએ આ એવોર્ડથી સન્માનિત થવા બદલ કૃતજ્ઞતા અનુભવતા જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો, તે વેળાએ સૌ પ્રથમ શ્રી મોરારી બાપુએ શુભેચ્છા પાઠવી હતી. આ એવોર્ડ ઈશ્વર અને સંતોની કૃપાનું ફળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.