Abtak Media Google News

જે યોજનામાંથી કામ થયું હોય તેવા  બેનરો  લગાવવા કેન્દ્રીય મંત્રી કપીલ પાટીલનો આદેશ

કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલે 14 માં નાણાપંચ અંતર્ગત રાજકોટ, જામનગર, જુનાગઢ અને મોરબી જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોમાં થયેલ વિકાસ કામોની સમીક્ષા કરી હતી.

પંચાયતીરાજ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી કપિલ પાટીલ ગુજરાત રાજ્યના ત્રિસ્તરીય પંચાયતી રાજના વહીવટી માળખાથી વાકેફ થયા હતા. 14 મા નાણાપંચની જોગવાઈ અંતર્ગત રાજકોટ જિલ્લાની પંચાયતોને ફાળવવામાં આવેલા રૂ. 254  કરોડ અન્વયે થયેલા વિવિધ ક્ષેત્રના કામોની મંત્રી પાટીલે જાણકારી મેળવી હતી અને જે યોજના હેઠળ વિકાસ કામો કરવામાં આવ્યા હોય તે યોજનાનો  ઉલ્લેખ કરતા બેનરો સંબંધિત સ્થળોએ લગાવવાના આદેશ કર્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કેન્દ્રીય રાજ્યમંત્રી કપિલ પાટીલ સમક્ષ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટ જિલ્લાના વિકાસ કામોની આંકડાકીય રૂપરેખા રજૂ કરી હતી. અને ઉમેર્યું હતું કે ઓગસ્ટ-21 સુધીમાં 14 મા નાણાપંચની જોગવાઈ હેઠળના 98 % કામો રાજકોટ જિલ્લામાં પૂર્ણ થઈ ગયા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ વસતિ 12 લાખ 21 હજાર 990 ની છે. રાજકોટ તાલુકા પંચાયતના રૂ. 26 કરોડ 67 લાખના અને જિલ્લા પંચાયતના રૂ. 13 કરોડ 34 લાખના વિકાસકામો પ્રગતિ હેઠળ છે.

જામનગર, જુનાગઢ અને મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓએ તેમના જીલ્લાની વિગતો  પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.

આ બેઠકમાં મોરબીના જિલ્લા વિકાસ અધિકારી  પી.જે.ભગદેવ, રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  જે. કે. પટેલ, મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી જોશી, રાજકોટના નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિર્ભય ગોંડલીયા, અને પંચાયત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.