Abtak Media Google News

મંદીનો સામનો કરી રહેલા મોરબીના નાના ઉદ્યોગકારોને દરરોજ ૧૫૦૦૦ કલોકનું જોબવર્ક આપશે

જીએસટી અને નોટબંધી બાદ મંદીમાં ગરક થયેલા મોરબીના ઘડિયાળ ઉદ્યોગને બેઠો કરવા અજંતા – ઓરેવા કંપનીએ બીડું ઝડપી લઈ નાના ઉદ્યોગકારોની ઇનોવેટિવ સ્કીલને વિશ્વસ્તરે મુકવા દરરોજ ૧૫૦૦૦ કલોકનું જોબવર્ક આપવાની જાહેરાત કરવાની સાથે – સાથે મોરબી ક્લોક એસોસિએશન સાથે હાથ મિલાવતા ગઈકાલનો દિવસ મોરબીના ઘડિયાળ ઉદ્યોગ માટે ઐતિહાસિક બની ગયો હતો.

મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ એસોસિએશન મોરબીની ગઈકાલે વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં અજંતા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ પટેલને મુખ્યમહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવતા તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં નવો ઇતિહાસ રચાયો હતો, કારણ કે, ઘડિયાળ ઉત્પાદનમાં ભારતનીજ નહીં વિશ્વની નંબર વન ગણાતી જાયન્ટ કંપનીના એમ.ડી. ક્લોક એસોસિએશનની સાધારણ સભામાંચીફ ગેસ્ટ તરીકે પધારી પોતે પણ ક્લોક એસોસિએશનના સભ્ય બનવાની જાહેરાત કરી હતી.

સૌથી અગત્યની બાબત તો એ હતી કે અજંતા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ પટેલે મંદીનો સામનો કરી પોતાનું અસ્તિત્વ બચાવવા પ્રયાસ કરી રહેલા નાના ઉદ્યોગકારોની વહારે આવી મહત્વપૂર્ણ જાહેરાત કરી જણાવ્યું હતું કે લાતીપ્લોટના ઇનોવેટિવ ઉત્પાદન કરતા નાના ઉદ્યોગકારો પાસે દરરોજની ૧૫૦૦૦ ઘડિયાળનું અજંતા કંપની જોબવર્ક આપશે.

સાથો સાથ ક્વોલિટી ઉત્પાદન કરતા નાના ઉદ્યોગકારોને વૈશ્વિક માર્કેટ પૂરું પડવાનું જાહેરાત કરી જયસુખભાઈએ જણાવ્યું હતું કે, મોરબીમાં એવા પણ અનેક નાના ઉદ્યોગકારો છે કે જેમની પાસે સારી સ્કિલ છે પરંતુ માર્કેટિંગ પ્લેટફોર્મ ન હોય તેઓ વૈશ્વિક ફલક પર પિતાના ઉત્પાદન પહોંચાડી શકતા નથી આથી આવા નાના ઉત્પાદકોને ઉત્પાદનોનું અજંતા કંપની માર્કેટ પણ પૂરું પડશે. આ તકે, જયસુખભાઈ પટેલે મોરબીના વોલક્લોક ઉત્પાદનોને સોનેરી સલાહ આપતા જણાવ્યું હતું કે આજે ઓનલાઇન માર્કેટ અને ચાઇના જેવા કટ્ટર હરીફો વચ્ચે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમયમાં આપણે પ્રાઇઝવોર નહિ પરંતુ ક્વોલિટીવોર કરી શ્રેષ્ઠ સાબિત થવું પડશે.

ક્લોક એસોસિએશનની ગઇકાલની સાધારણ સભામાં એસોસિએશન પ્રમુખ શશાંકભાઈ દંગીએ ઘડિયાળ ઉદ્યોગને બેઠો કરવા અજંતા ગ્રુપના એમ.ડી. જયસુખભાઈ પટેલે કરેલા મહત્વપૂર્ણ સુચનોને આવકારી આવનાર દિવસોમાં સહિયારા પ્રયાસો થકી ઘડિયાળ ઉદ્યોગના હિતમાં સાથે મળી ચાલવા નીર્ધાર કર્યો હતો.

મોરબીના ઘડિયાળ ઉધોગ માટે ઐતિહાસિક બનેલી ગઇકાલની સાધારણ સભામાં ક્લોક એસોસિએશનના શશાંકભાઈ દંગી, ગિફ્ટ આર્ટિકલ અને પાર્ટ્સ ઉત્પાદકો અને ટ્રાન્સપોર્ટરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અજંતા ગ્રુપ પણ હવે ક્લોક એસોસિએશન સાથે જોડતા ઘડિયાળ ઉત્પાદકોમાં ખુશીની લહેર છવાઈ હતી.

મોરબીમાં ઐતિહાસિક ઘડિયાળ મ્યુઝિયમ બનશે

મોરબી ક્લોક એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં મહત્વપૂર્ણ નિર્ણય રૂપે મોરબીમાં ઐતિહાસિક ઘડિયાળ મ્યુઝિયમ બનાવવા પ્રસ્તાવ મુકવામાં આવતા અજંતા – ઓરેવા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ પટેલે સહર્ષ આવકારી આવનાર દિવસોમાં ઘડિયાળ મ્યુઝિયમ બનાવવા તમામ સાથ સહકાર આપવા જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.