Abtak Media Google News

રાજકોટનો પરિવાર જામનગરથી પરત આવતા જીવલેણ અકસ્માત સર્જાયો રિક્ષાનો બુકડો બોલી ગયો: એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મોતથી અરેરાટી

રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ નજીક વહેલી સવારે તૂફાન જીપ અને સીએનજી રિક્ષા સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલા સહિત ત્રણના મોત નીપજ્યા હતા.

રાજકોટના દલિત પરિવાર જામનગરથી પરત આવતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મોતથી અરેરાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ભગવતીપરા નજીક આવેલી નંદનવન સોસાયટી શેરી નંબર ૪માં રહેતો દલિત પરિવાર જામનગરથી સીએનજી રિક્ષામાં રાજકોટ આવી રહ્યા હતા ત્યારે રિક્ષા ધ્રોલ પાસે પહોચી ત્યારે સામેથી આવતી તૂફાન જીપ સાથે રિક્ષા અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કંચનબેન ધનદાસ સોલંકી (ઉ.વ.૪૦), ધનદાસ રામદાસ શ્રીમાળી (ઉ.વ.૫૦) અને હિતેશ નરશીદાસ સોલંકીના મોત નીપજ્યા હતા. ધનદાસ નરશીદાસ સોલંકી (ઉ.વ.૪૫) ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ધનદાસ સોલંકીના જામનગર ખાતે રહેતા ફઇના દિકરી ભાનુબેનનું નવેક દિવસ પહેલાં અવસાન થતા તેમની ધાર્મિક વિધી સબબ સહપરિવાર ગઇકાલે જામનગર ગયા હતા. વહેલી સવારે પરત આવી રહ્યા હતા ત્યારે ધ્રોલ નજીક કાળ બનીને ઘસી આવેલી તૂફાન જીપ ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાંથી દલિત પરિવાર ફંગોળાતા હાઇવે પર મરણચીસથી ગુંજી ઉઠયો હતો.

અકસ્માત સર્જાતા હિતેશ નરશીદાસ સોલંકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘવાયેલા તમામને ૧૦૮ની મદદથી સારવાર માટે અહીની હોસ્પિટલમાં ખસેડાયા હતા

જ્યાં કંચનબેન સોલંકી અને ધનદાસ રામદાસ શ્રીમાળીના મોત નીપજ્યા હતા.

મૃતક રિક્ષા ચાલક હિતેશ સોલંકીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જ્યારે કંચનબેન સોલંકીને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેણીના પતિ ધનદાસ રાજકોટ મહાનગર પાલિકામાં ઢોર પકડ પાર્ટીમાં ફરજ બજાવે છે. તેમજ ધનદાસ રામદાસ શ્રીમાળી ક્રિસ્ટલ મોલમાં સિક્યુરીટીમેન તરીકે ફરજ બજાવે છે. એક જ પરિવારની ત્રણ વ્યક્તિઓના મોતથી મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સમગ્ર ભગવતીપરા નજીકના નંદનવન સોસાયટીમાં શોક છવાય ગયો હતો.

જીવલેણ અકસ્માત સર્જી તૂફાન જીપનો ચાલક ભાગી ગયો હતો. અકસ્માતના કારણે રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. ધ્રોલ પોલીસે તૂફાન જીપના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.